Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

ચેકપોસ્ટ પર ટેકસ કલેકશન માટે આપવામાં આવેલા ટાર્ગેટના હુકમને પાછો ખેંચવા માંગ

ગુજરાત ટ્રેડર્સ ફેડરેશને મુખ્યમંત્રીને પત્ર લખી કરી રજૂઆતઃ મંદી-આર્થિક પ્રતિબંધોથી બેહાલ વેપારીઓ પર પડયા પર પાટુ સમાન હુકમ છે

અમદાવાદ, તા. ૬ :. ગુજરાત ટ્રેડર્સ ફેડરેશનના પ્રમુખ જયેન્દ્ર વી. તન્નાએ મુખ્યમંત્રી વિજય રૂપાણીને એક પત્ર લખી ચેકપોસ્ટ પર ટેકસ કલેકશન માટે આપવામાં આવેલ ટાર્ગેટનોે હુકમનો અમલ તત્કાલ અટકાવવા અપીલ કરી છે. મુખ્યમંત્રીને લખેલા એક પત્રમાં તેમણે જણાવ્યુ છે કે હાલ મીની લોકડાઉન હોવાને કારણે ઉદ્યોગ ધંધા પૂર્ણ કે આંશિક રીતે બંધ છે. જેની સીધી અસર વેપારીઓની આવક પર પડી છે. આ સમયમાં વેપારીઓ સરકાર પાસે મદદની આશા રાખીને બેઠા છે ત્યારે તેઓને મદદ કરવાને બદલે સરકારે ચેકપોસ્ટ પર ટેકસ કલેકશનના ટાર્ગેટમાં વધારો કરતા વેપારીઓમાં નિરાશા ફેલાય ગઈ છે.

તેમણે પત્રમાં વધુમાં જણાવ્યુ છે કે અમારી જાણમાં આવ્યા મુજબ મોબાઈલ સ્કવોડને અપાયેલા ટાર્ગેટમાં ૨૫થી ૯૦ ટકા સુધીનો વધારો કરવામાં આવ્યો છે. ટ્રેડર્સને ભીતિ છે કે ટાર્ગેટ પુરો કરવાના દબાણ હેઠળ અધિકારીઓ વેપારીઓની મુશ્કેલીમાં વધારો કરશે અને મનસ્વી રીતે ટેકસની વસુલી કરશે.

પત્રના અંતમા તેમણે જણાવ્યુ છે કે વેપાર-ધંધા પર હાલ કડક પ્રતિબંધો છે ત્યારે આ પ્રકારના હુકમ વેપારીઓનું મનોબળ ભાંગી નાખશે તેથી આ હુકમનો અમલ તત્કાલ અસરથી રોકવો જોઈએ.

(10:29 am IST)