Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

રાજ્યમાં ઝીંકાયેલા અધકચરા લોકડાઉન સામે અનેક ક્ષેત્રના વેપારીઓ નારાજઃ મોટાભાગના સેકટર ચાલુ તો માત્ર અમુક જ વેપાર-ધંધા બંધ કેમ ?

માગ્યુ'તુ ૭ દિવસનુ લોકડાઉન જ્યારે મળ્યુ ૧૫ દિવસનું મીની લોકડાઉનઃ વેપારીઓ અકળાયાઃ સોશ્યલ મીડીયામાં ઠાલવી રહ્યા છે વ્યથા

કોરોનાને ભગાડવો હોય તો સંપૂર્ણ લોકડાઉન જરૂરી છેઃ અધકચરા લોકડાઉનથી કોરોના નહિ ભાગેઃ માત્ર કાપડ, સોની, દરજી, ચા-પાનવાળા, ચપ્પલવાળા, ફરસાણવાળા, મોબાઈલવાળા, ઈલેકટ્રીકવાળા, પરચુરણ ધંધાર્થીઓ, લારી-ગલ્લાવાળાઓએ જ ભોગવવાનું ?

રાજકોટ, તા. ૬ :. કોરોનાની ચેઈન તોડવા માટે વિવિધ વેપારી એસોસીએશનોની માંગણી બાદ રાજ્ય સરકારે પ્રથમ ૫ તારીખ સુધી અને બાદમાં હવે ૧૨ તારીખ સુધી મીની લોકડાઉન લંબાવતા વેપારીઓ હવે અકળાઈ ઉઠયા છે. વેપારીઓએ માત્ર એક સપ્તાહના લોકડાઉનની માંગણી કરી હતી જેના બદલે હવે તે ૧૫ દિવસનું થઈ જતા વેપારીઓ સોશ્યલ મિડીયામાં પોતાની વ્યથાઓ ઠાલવી રહ્યા છે અને મીની લોકડાઉન અને અધકચરા લોકડાઉન લાદવા બદલ સરકારની ઝાટકણી કાઢી રહ્યા છે.

વેપારીઓનું કહેવુ છે કે જો કોરોનાની ચેઈન તોડવી હોય તો સંપૂર્ણ લોકડાઉન જરૂરી છે માત્ર અધકચરા લોકડાઉનથી કોરોના ટાઢો નહિ પડે. વેપારીઓનુ કહેવુ છે કે મીની લોકડાઉનના સમયમાં માત્ર વેપારી વર્ગે જ શા માટે ઘરમાં બેસવાનું ? નોકરી ચાલુ, કંપની ચાલુ, બેન્ક ચાલુ, અનાજ-કરીયાણા ચાલુ, બેકરી ચાલુ, હોટલો અને પાર્સલ સુવિધા ચાલુ, ટ્રાન્સપોર્ટ ચાલુ, મેડીકલ ચાલુ, ફેકટરી ચાલુ, શાકમાર્કેટ ચાલુ, ફ્રુટ માર્કેટ ચાલુ, શેરબજાર ચાલુ આવી અનેક જરૂરીયાતની ગણી તેને ચાલુ રાખવામાં આવેલ છે જેને માત્ર કાપડ, રેડીમેઈડ, સોની, ઈલેકટ્રીક, દરજી, પાન, સાયકલવાળા, બુટ-ચપ્પલના શોરૂમ, પાનની દુકાનો, ઈસ્ત્રીની દુકાનો, ચાની દુકાનો, ફરસાણની દુકાનો, મોબાઈલ રીપેરની દુકાનો, મોબાઈલ વેચતી દુકાનો વગેરે જ માત્ર બંધ છે.

વેપારીઓ સોશ્યલ મીડીયામાં જણાવી રહ્યા છે કે સંપૂર્ણ લોકડાઉન લદાય તો જ કોરોનાની ચેઈન તૂટે અને રાહત મળે. આ માટે આપણને ગયા વર્ષનો અનુભવ છે. વેપારીઓનું કહેવુ છે કે માત્ર ૧૦-૧૨ વર્ગની જ દુકાનો બંધ રહેતા હેરાનગતિ થાય છે એટલુ જ નહિ આર્થિક અને માનસિક રીતે પણ મુશ્કેલી પડે છે. એટલુ જ નહિ નાના વર્ગની મુશ્કેલીમાં પણ વધારો થાય છે.

વેપારીઓ સોશ્યલ મીડીયામાં જણાવી રહ્યા છે કે મીની લોકડાઉનના સમયમાં પણ કોરોના કેસ વધી રહ્યા છે અને તે કાબુમાં આવ્યો નથી. ઉદ્યોગો રોકટોક વગર ચાલુ હોય તો વેપાર રોકવાથી સંક્રમણ ઘટી જશે તેની કોઈ ગેરેંટી નથી. લગ્નની સીઝન ચાલુ હોય તમામ સેકટરની દુકાનો અને વ્યવસાયને મંજુરી આપવી જોઈએ.

વેપારીઓનું એવુ પણ કહેવુ છે કે અધકચરા લોકડાઉનને કારણે રસ્તા પર અને બજારની ભીડ ઓછી થઈ નથી. માત્ર સંપૂર્ણ લોકડાઉન જ કોરોનાને નાથવાનો એક ઉકેલ છે તેવુ વેપારીઓ જણાવી રહ્યા છે.

(3:55 pm IST)