Gujarati News

Gujarati News

News of Thursday, 6th May 2021

આણંદ એસઓજીએ ગુપ્ત માહિતીના આધારે ખભાત તાલુકાના દહેડા ગામે ખેતરમાંથી 829 કિલો ગાંજાના જથ્થા સાથે એક શખ્સને ઝડપી પાડયો

આણંદ:એસઓજી પોલીસની ટીમે મળેલ ગુપ્ત બાતમીના આધારે ખંભાત તાલુકાના દહેડા ગામે એક ખેતરમાંથી ૮૨૯.૯૨૦ કિ.ગ્રા ગાંજાના લીલા છોડના જથ્થા સાથે એક શખ્શને ઝડપી પાડતા ભારે ચકચાર મચી જવા પામી છે. આણંદ જિલ્લાના ઈતિહાસમાં અત્યાર સુધીમાં સૌથી મોટો લગભગ રૂા.૮૩ લાખની કિંમતનો ગાંજાનો જથ્થો ઝડપાતા ભારે ખળભળાટી મચી છે. બનાવ અંગે ખંભાત ગ્રામ્ય પોલીસે એનડીપીએસ ધારા હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

વધુમાં પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ જિલ્લામાં કેફી દ્રવ્યોનું વેચાણ અટકાવવા તેમજ નશીલા પદાર્થોનું વેચાણ કરતા શખ્શો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા સુચના મળતા પોલીસ દ્વારા સઘન પેટ્રોલીંગ હાથ ધરાયું છે. જે અંતર્ગત આણંદ પોલીસની ટીમ ગતરોજ પેટ્રોલીંગમાં હતી. દરમ્યાન ખંભાત તાલુકાના દહેડા ગામે મોટા ફળીયામાં રહેતા અને હાલ ખારીયા સીમ વિસ્તારમાં વસવાટ કરતા રમેશભાઈ રાહુભાઈ રાઠોડે પોતાના દહેડા ગામની ખારીયા સીમમાં આવેલ ખેતરમાં ગેરકાયદેસર રીતે ગાંજાના છોડનું વાવેતર કર્યું હોવાની માહિતી એસઓજી પોલીસની ટીમને મળી હતી. મળેલ માહિતીના આધારે ગતરોજ એસઓજી પોલીસની ટીમે દહેડા ગામની ખારીયા સીમમાં ઓચિંતો છાપો માર્યો હતો. જેમાં ખેતરમાં ગેરકાયદેસર રીતે માદક પદાર્થનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. દરમ્યાન ખેતરમાંથી એક શખ્શ મળી આવતા પોલીસે તેને અટકમાં લઈ નામ-ઠામ અંગે પુછપરછ કરતા તે રમેશભાઈ રાઠોડ હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે ખેતરમાં વધુ તપાસ કરતા જુવારના છોડની આડમાં ગાંજાના છોડનું વાવેતર કરાયું હોવાનું જાણવા મળ્યું હતું. જેથી પોલીસે એફએસએલની ટીમને જાણ કરતા ટીમ તુરંત ઘટના સ્થળે દોડી આવી હતી અને ખેતરમાં ઉગાડેલ છોડ તથા ભારીયોની તપાસ કરતા તે નશીલો પદાર્થ ગાંજો હોવાનું ખુલવા પામ્યું હતું. પોલીસે તેનું વજન કરતા ૨૮ ભારીઓ તથા સુકવેલ છોડ મળી કુલ ૮૨૯.૯૨૦ કિ.ગ્રા. થવા પામ્યું હતું. જેની અંદાજિત કિંમત રૂા.૮૨.૯૯ લાખ જેટલી થવા જાય છે. આટલી મોટી માત્રામાં ગાંજાનું વાવેતર કરાયુ હોવાની જાણકારી મળતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

(5:36 pm IST)