Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

બનાસકાંઠાના એક ગામમાં મુસ્‍લિમ સમાજના વેપારીઓ પાસેથી સામાન ખરીદશો તો ૫૧૦૦ દંડ થશે તેવો વાયરલ થયેલો પત્ર ખોટો : માજી સરપંચની સ્‍પષ્‍ટતા

અમદાવાદ : નૂપુર શર્માના સમર્થનમાં રાજસ્‍થાનના ઉદયપુરમાં કનૈયાલાલ નામના દરજીએ કરેલી ટિપ્‍પણી બાદ મુસ્‍લિમ સમાજના બે યુવકો દ્વારા કનૈયાલાલની હત્‍યા કરી દેવામાં આવી હતી. આ ઘટના બાદ તેના પડઘા ગુજરાતમાં ન પડે તેના માટે ગુજરાત પોલીસ સોશિયલ મીડિયા સહિત તમામ જગ્‍યાએ ચાંપતી નજર રાખી રહી છે.

સોશિયલ મીડિયામાં ગુજરાતના બનાસકાંઠા જિલ્લાના થરાદ તાલુકાના વાઘાસણ ગ્રામ પંચાયતનો એક પત્ર વાયરલ થઇ રહ્યો છે. આ પત્રમાં ગામમાં સામાન આપવા આવતા મુસ્‍લિમ સમાજના વેપારીઓ પાસેથી કોઈપણ વેપારી સામાન ખરીદે તો તેને રૂ. ૫૧૦૦નો દંડ ભરવો પડશે એમ જણાવાયું છે. આ પત્ર મામલે તપાસ કરતાં આ વાયરલ થયેલો પત્ર ખોટો હોવાનું જણાયું હોવાનું ‘દિવ્‍ય ભાસ્‍કર'માં પ્રકાશિત અહેવાલમાં જણાવાયું છે.

આ અહેવાલ મુજબ સોશિયલ મીડિયામાં વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયત નામનો એક પત્ર સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આ મામલે અખબારે પત્ર અંગે ખરાઈ કરી હતી. જેમાં વાઘાસણ ગામના માજી સરપંચ વીરાભાઇ પટેલ સાથે વાતચીત કરતાં તેઓએ જણાવ્‍યું હતું કે સોશિયલ મીડિયામાં વાયરલ થયેલો પત્ર ખોટો છે. અમને પણ જયારે લોકોના ફોન આવ્‍યા ત્‍યારે ખબર પડી છે કે વોટ્‍સએપમાં આવો એક ખોટો પત્ર વાયરલ થઇ રહ્યો છે. કોના દ્વારા આ પત્ર લખવામાં આવ્‍યો છે તે અમે શોધી રહ્યા છીએ પરંતુ હજી સુધી અમને કોઈ માહિતી મળી નથી. ઉદયપુરમાં શું ઘટના બની છે તેની અમને પણ અહીંયા જાણ નથી અને આ રીતે કોઈ દ્વારા પત્ર લખી વાયરલ કરી દેવામાં આવ્‍યો છે.

વધુમાં તેમણે જણાવ્‍યું હતું કે અમે ગામમાં કોઈ પણ વ્‍યક્‍તિને કંઈ જરૂર હોય તો પત્ર લખી આપીએ છીએ.વિશ્વાસ રાખીને સહી કરી અને પછીજ પત્ર કોઈને આપીએ છીએ. પરંતુ આ રીતે કોઈએ પત્ર લખી અને વાયરલ કર્યો છે.

અમારા દ્વારા આ રીતે કોઈ પણ પ્રકારનો પત્ર લખવામાં આવ્‍યો નથી. તેમાં કેટલાકની સહી છે પણ તે અડધી સહી છે તે ઓળખાતી નથી. કોની સહી છે તે અમને જાણ નથી અને તેને પણ અમે શોધી રહ્યા છીએ.અમારા ગામની વસ્‍તી ત્રણ હજાર લોકોની છે અને એક પણ મુસ્‍લિમ સમાજનો નાગરીક અહીંયા નથી અને કોઈ વેપાર કરવા પણ આવતું નથી.

આગળ તેઓએ જણાવ્‍યું હતું કે કોના દ્વારા આ પત્ર લખવામાં આવ્‍યો છે તે જાણવાનો અમે પ્રયાસ કરી રહ્યા છીએ.આ મામલે અમે પોલીસ ફરિયાદ કરવાના છીએ. સોશિયલ મીડિયામાં જે પત્ર વાયરલ થયો છે તેમાં વાઘાસણ ગ્રુપ ગ્રામ પંચાયતનું લેટરપેડ છે.

જેમાં લખવામાં આવ્‍યું છે કે આથી વાઘાસણ ગામમાં દુકાન ધરાવતા તમામ વેપારી મિત્રોને જણાવવાનું કે મુસ્‍લિમ સમાજમાંથી આવતા ફેરિયાઓ(વેપારીઓ) પાસેથી કોઈએ સામાન લેવો નહીં અને જો કોઈ સામાન લેતો નજરે પડશે તો તેની પાસેથી દંડ લેવામાં આવશે. જે દંડનો ફાળો રૂ. ૫૧૦૦ આવશે તે ગૌશાળામાં આપવામાં આવશે. તેમ પ્રકાશિત અહેવાલોમાં જણાવાયું છે. 

(11:15 am IST)