Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ઓ.બી.સી.સમાજ માટે ૫૦૦ કરોડની ગ્રાન્‍ટ ફાળવવા માંગ

પછાત વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા મુખ્‍યમંત્રીને રજૂઆતઃ બિન અનામત વર્ગ આયોગને રૂા.૧૨૫ કરોડની ગ્રાન્‍ટ ફાળવાય તે આવકારદાયી પણ સાથે ઓબીસી સમાજને પણ ન્‍યાય આપોઃ નિગમો દ્વારા ઓફલાઈન ફોર્મ ભરવાની સેવા બંધ કરાઈ તે અયોગ્‍યઃ સરકાર ત્‍વરીત ધોરણો યોગ્‍ય કરે તેવી માંગણી

રાજકોટ,તા.૬: ગુજરાત રાજયના જાણીતા ઓ.બી.સી. આગેવાન અને ગુજરાત રાજય પછાત વિકાસ નિગમના પૂર્વ ચેરમેન નરેન્‍દ્રભાઈ સોલંકી દ્વારા ગુજરાત રાજયના મુખ્‍યમંત્રી ભૂપેન્‍દ્રભાઈ પટેલ અને ગુજરાત રાજયના ભાજપના પ્રદેશ અધ્‍યક્ષ સી.આર.પાટીલને પત્ર લખી ઓ.બી.સી. સમાજના ૫૪% લોકો માટે રૂા.૫૦૦ કરોડની ગ્રાન્‍ટની ફાળવણી કરવા બાબતે માંગ કરવામાં આવી છે.

પત્રમાં નરેન્‍દ્રભાઈ સોલંકીએ બિન અનામત વર્ગ આયોગને રૂપિયા ૧૨૫ કરોડની ગ્રાન્‍ટ આપવા બદલ અભિનંદન પાઠવી જણાવેલ કે  ગુજરાત સરકારમાં વર્લ્‍ડ પાટીદાર ફેડરેશન દ્વારા રજુઆત કરવામાં આવેલ તેના અનુસંધાને ગુજરાત સરકાર દ્વારા નવુ રચવામાં આવેલ બિન અનામત વર્ગ આયોગને રૂપિયા ૧૨૫ કરોડની ગ્રાન્‍ટ મંજુર કરવામાં આવેલ છે જાણી અને ખુબજ  આનંદ થયો કારણ કે કોઈપણ જ્ઞાતિ અથવા જાતિની અંદર જે ગરીબ હોય છે તે ગરીબ જ છે  તેમા દરેક લોકોને પોતાનો શૈક્ષણિક તેમજ સામાજીક ઉત્‍થાન માટેનો દરેક સમાજના લોકોને સંપૂર્ણ અધિકાર છે. આના ઉપરથી તેવુ લાગે છે કે હાલની સત્તા આ બાબતે દરેક સમાજ માટે યોગ્‍ય પગલાઓ લેશે.

ગુજરાત રાજયની અંદર આશરે ૬.૫ કરોડ જેવી જન સંખ્‍યા ધરાવતુ ખુબ જ મોટુ રાજય છે ગુજરાતની અંદર દરેક સમાજના લોકો  ખુબ જ સહિષ્‍ણુતા મુજબ ભાઈચારાની ભાવનાથી રહે છે. જેમાં આશરે ૫૪% વસ્‍તી ઓ.બી.સી. સમાજની આવેલી છે. તેમજ આશરે ૨૪% વસ્‍તી એસ.સી.એસ.ટી સમાજની આવેલી છે. તેમજ આશરે ૨૨% વસ્‍તી બીન અનામત વર્ગની આવેલી છે. તેમ કુલ મળીને ૧૦૦% વસ્‍તી થાય છે. ગુજરાત રાજયની અંદર આવેલ સમગ્ર જ્ઞાતિ- જાતિ તેમજ વર્ણના લોકો વધારેમાં વધારે આ દેશની રાષ્‍ટ્રીયતાને વરેલા છે એટલે કે દરેક સમાજના લોકો  પણ રાષ્‍ટ્રવાદી છે ત્‍યારે  આપણી પણ નૈતિકપણે ફરજો બને છે કે સમગ્ર સમાજના ઉત્‍થાન માટે આપણી સરકાર દ્વારા વધારેમાં વધારે અસરકારક પ્રયત્‍નો કરવા જોઈએ.

જેના અનુસંધાને ગુજરાત રાજયના ૨૨% વસ્‍તી ધરાવતા બીનઅનામત વર્ગ આયોગ દ્વારા બીનઅનામત વર્ગના વિદ્યાર્થી/ દિકરા- દીકરીઓ તેમજ નબળા લોકોને ધંધા- રોજગાર માટે રૂપિયા ૧૨૫ કરોડની ગ્રાન્‍ટ આપવામાં આવેલ છે. જે ખુબ જ સારી બાબત છે. ત્‍યારે ઓ.બી.સી. સમાજની ૫૪% વસ્‍તીના વિદ્યાર્થી દિકરા- દીકરીઓને શૈક્ષણિક ઉત્‍થાન માટે તેમજ ઓ.બી.સી. સમાજના નાના વર્ગના લોકો કે જેઓ પોતેપણ નાના ધંધાઓ કરી શકે અને પગભર થવા માંગે છે. જે લોકો પણ ગુજરાત રાજયનું એક મોટુ પરીબળ છે.

ભારતીય જનતા પાર્ટી એકાત્‍મ માનવવાદને અનુસરીને જયા માનવી ત્‍યાં સુવીધા તેમજ સર્વે સમાજના લોકોને યોગ્‍ય પ્રતિનીધીત્‍વ મળે તે માટે આપણી સૌની પણ જવાબદારીઓ છે  તો ઓ.બી.સી. સમાજના લોકોને પણ ન્‍યાય મળે તે માટે થઈ અને ઓ.બી.સી. સમાજની વસ્‍તીઓને ધ્‍યાનમાં લઈ અને રૂપિયા ૫૦૦ કરોડની ગ્રાન્‍ટ તુરંત જ મંજુર કરવી જોઈએ અને આ પૈસાનો યોગ્‍ય ઉપયોગ થાય અને યોગ્‍ય લોકોને આ પૈસા મળે જેની પણ વ્‍યવસ્‍થાઓ કરવી જોઈએ.

બીન અનામત વર્ગ આયોગ અથવાતો પછાત વર્ગ વિકાસ નિગમ અથવા તો કોળી ઠાકોર વિકાસ નિગમ, ગોપાલક વિકાસ નિગમ, વિચર્તી અને વિમુત્‍ક જાતી તેમજ અલ્‍પ સંખ્‍યક નાણા અને વિકાસ નિગમ વિગેરે નિગમોને પણ યોગ્‍ય ગ્રાન્‍ટ મળે તે આવશ્‍યક છે તેમજ ઉપરોકત ગ્રાન્‍ટ નિગમોને આપ્‍યા બાદ આ ગ્રાન્‍ટનો યોગ્‍ય ઉપયોગ થાય દરેક સમાજના લોકોને જાણ થાય કે સરકારશ્રી દ્વારા સામાજીક તેમજ શૈક્ષણિક આ પ્રકારની લોનો આપવામાં આવે છે. જેની ખુબ જ બહોળો પ્રમાણમા પ્રચાર પ્રસાર થાય તે પણ ખુબ જ આવશ્‍યક છે.

હાલમાં ઉપરોકત દરેક નિગમો દ્વારા ઓફલાઇન ફોર્મ ભરવાની સંપૂર્ગ સેવાઓ બંધ કરવમાં આવેલ છે તેવુ કદાચ અમારી જાણમાં છે તેમ ઉપરોકત દરેક નિગમોની ઓનલાઇન સેવાઓ એટલે કે ઓનલાઇન ફોર્મ ભરવાની અધિકારીઓ દ્વારા સેવાઓ પણ બંધ રાખવામાં આવે છે જે ખુબજ અયોગ્‍ય છે કારણ કે વિદ્યાર્થી  દિકરા-દીકરીઓને જયારે રીઝલ્‍ટો આવતા હોય છે ત્‍યાર આગળના એજયુકેશનો માટે લોન લેવી ખુબજ આવશ્‍યક હોય છે ત્‍યારે અધિકારોઓ દ્વારા ઉપરોકત દરેક નિગમોને સેવાઓ બંધ રાખવામાં આવે છે અને વર્ષમાં અમુક સમય પુરતી જ સેવાઓ ચાલુ રાખવામાં આવે છે. જેથી કરીને સરકાર દ્વારા આપવામા આવેલ ગ્રાન્‍ટ પણ જરૂરીયાતમંદ વિદ્યાર્થી દિકરા-દીકરીઓને મળતી પણ નથી અને પહોંચતી પણ નથી.

સરકારશ્રીનો અભિગમ દરેક સમાજના લોકોને ઉપયોગી થવાનો હોય ત્‍યારે દરેક નિગમના અધિકારરીઆને કડક તેમજ સ્‍પષ્‍ટ શબ્‍દોમાં પરીપત્રો કરી અને સુચનાઓ આપવાની આવશ્‍યકતા છે. જેથી કરી અને (૧૨) મહિના વિદ્યાર્થી દિકરા-દીકરીઓ આનો લાભ લઈ શકે આમા પણ એન.બી.સી., એફ.ડી.સી.દિલ્‍હી સંસ્‍થા દ્વારા પણ નિગમોને લોન આપવામાં આવતી હોય છે.

ઉપરોકત વિષયોને ધ્‍યામાં રાખી અને દરેક નીંગમોને યોગ્‍ય પ્રમાણમાં તુરંત ગ્રાન્‍ટ મૂળ તે બાબત સરકાર દ્વારા તાત્‍કાલીક નિર્ણયો કરવામાં આવે તેથી હાલમાં પણ વિદ્યાર્થીઓને ઉપયોગ થઈ શકે. તેમ રજુઆતના અંતમાં નરેન્‍દ્રભાઈ સોલંકી (મો.૯૮૨૪૨ ૧૦૫૨૮)એ જણાવ્‍યું છે.

(1:13 pm IST)