Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

તારાપુર-વટામણ હાઇવે પર પેટ્રોલ પંપ નજીક ચોરી કરવા આવેલ ત્રણ શખ્સો પૈકી એકને દુકાન માલિકે રંગે હાથે ઝડપી પાડયો

તારાપુર : તારાપુર વટામણ હાઇવે પર ઇન્દ્રણજ ખાનપુર દરગાહ નજીકના પેટ્રોલ પંપ આગળ આવેલી પંકચર બનાવવાની ઓરડીમાં ચોરી કરવા ઘૂસેલા તારાપુર તાલુકાનાં ત્રણ શખ્સો પૈકી એક શખ્સ બાઈક લઈ ભાગવા જતા સિક્યોરિટી તથા પંકચરની દુકાન માલિકનાં હાથે ઝડપાયો હતો. જ્યારે બીજા બે શખ્સો છરી, હોકી તથા મરચાંની ભૂકીની પડીકી ફેંકી ખેતરાળુ રસ્તેથી ભાગી ગયા હતા. ઝડપાયેલા શખ્સને પોલીસને જાણ કરી સોંપી દેવાયો હતો. તારાપુર પોલીસે ગુનો નોંધી ફરાર બે શખ્સોને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હોવા નું જાણવા મળે છે.

પોલીસ સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ તારાપુર વટામણ હાઇવે પર ઇદ્રણજ ખાનપુર દરગાહ નજીક આવેલા એક પેટ્રોલ પંપ પર આવેલી ટાયર પંકચર બનાવવાની ઓરડીમાં મંગળવારે વહેલી સવારે ચારેક વાગ્યાનાં અરસામાં ઓરડીના પતરા તોડી ત્રણ શખ્સો ઘૂસ્યા હતા. તેમણે ઇલે.બોલ્ટ ખોલવાનાં મશીનની ચોરી કરવાનાં ઇરાદે પાઇપો કાપી નાખેલી તે દરિમયાન અવાજ આવતા દુકાન માલિક સલીમ આલમ શેખ જાગી જતા ત્રણેય શખ્સોએ ભાગવા જવાનો પ્રયાસ કર્યો હતો. જેમાં સલીમ આલમ શેખ તથા સિક્યોરિટી કરતા કલાભાઈ ભરવાડ દ્વારા બાઈક લઇ ભાગવા જતા એક શખ્સને ઝડપી લેવાયો હતો, જ્યારે અન્ય બીજા બે શક્સો છરી, હોકી, તથા મરચાંની ભૂકીની પડીકી ફેંકીને ખેતરાળુ રસ્તે થઈ ને ભાગી ગયા હતા. ત્રણ પૈકી જયેન્દ્ર સિંહ દિનેશભાઈ ચૌહાણ (રહે મહિયારી,તા.તારાપુર) બાઈક લઈ ને ભાગવા જતા ઝડપાઈ ગયો હતો. જ્યારે ભાગેલા બીજા બે વિશે પૂછતાં હરપાલસિંહ ઘનશ્યામસિંહ ચૌહાણ, (રહે મહિયારી, તા.તારાપુર) તથા રામદેવસિંહ ઉર્ફે રામભા શુટર ગોહિલ (રહે.ગોરાડ તાલુકો તારાપુર) હોવાનું ખૂલ્યું હતું. ઝડપાયેલા જયેન્દ્રસિંહ દિનેશભાઈ ચૌહાણને તારાપુર પોલીસને સોંપવામાં આવ્યો હતો. તારાપુર પોલીસે પેટ્રોલ પંપના સિક્યુરિટી કર્મી કલાભાઈ ભરવાડની ફરિયાદના આધારે ગુનો નોંધી ફરાર બંને આરોપીઓને ઝડપી પાડવાની કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળે છે.

(4:55 pm IST)