Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

સુરતમાં અગાઉ 17 વર્ષીય તરુણી પર જાતીય હુમલો કરનાર યુવાનને અદાલતે 10 વર્ષની સખ્ત કેદની સુનવણી કરી

સુરત:શહેરમાં આજથી ત્રણેક વર્ષ પહેલાં સરથાણા પોલીસ મથકની હદમાં રહેતી 17 વર્ષીય તરૃણીને લગ્નની લાલચે બળજબરીથી શરીર સંબંધ બાંધીને એકથી વધુવાર જાતીય હુમલો કરનાર આરોપી યુવકને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ડી.પી.ગોહીલે તમામ ગુનામાં દોષી ઠેરવી આરોપીને દસ વર્ષની સખ્તકેદ,રૃ.2 હજાર દંડ અને દંડ ન ભરે તો વધુ 15 દિવસની સાદી કેદની સજા ફટકારી છે. જ્યારે ભોગ બનનારને રૃ.5 લાખ વળતર પેટે ચુકવવા કોર્ટે નિર્દેશ આપ્યો છે.

મૂળ ભાવનગર જિલ્લાના પાલીતાણાના વતની 27વર્ષીય આરોપી ચિરાગ ગૌતમ મહેતા (રે.નારાયણ સરોવર, વ્રજભૂમિ જકાતનાકા, વરાછા)એ વર્ષ-2019ના જન્માષ્ટમીના તહેવાર દરમિયાન 17 વર્ષ બે માસની વયની તરૃણીને તું મારી સાથે લગ્ન નહી કરે તો તારા માતા તથા ભાઈને મારી નાખીશ એવી ધમકી આપી ઉત્રાણના એક કોમ્પ્લેક્ષમાં લઈ જઈને બળજબરીથી શરીર સંબંધ બાંધ્યો હતો. ત્યારબાદ તરૃણીને તા.31-12-2020ના રોજ યોગીચોક ખાતે ઓટલો કેફેના કપલ બોક્ષમાં લઈ જઇ બળજબરી કરવા કોશિશ કરતા તરૃણીએ પ્રતિકાર કર્યો હતો. ત્યારે આરોપીએ કિસ નહી ંકરવા દે તો ફોટો વાયરલ કરવાની ધમકી આપી જાતીય હુમલો કર્યો હતો.

તરૃણીની માતાની ફરિયાદના આધારે સરથાણા પોલીસે આરોપી ચિરાગ મહેતાની ધરપકડ કરી હતી. ચાર્જશીટ રજૂ થતા આરોપીએ ગુનાનો ઇન્કાર કર્યો હતો. અને તરૃણી સાથે માત્ર મિત્રતા હોવાથી ટેલિફોનિક અને વ્હોટ્સએપ મેસેજની આપ-લે થતી હતી પણ તેની માતાને જાણ થતા ખોટા આક્ષેપ સાથે ફરિયાદ કરાઇ હોવાનું નિવેદન આપ્યું હતું.  આજે કેસની અંતિમ સુનાવણી હાથ ધરાઇ હતી. સરકારપક્ષે એપીપી સુરેશ પાટીલે કુલ ભોગ બનનાર, તેની માતા સ હિત અન્ય 16 સાક્ષીઓના મૌખિક તથા 39 દસ્તાવેજી પુરાવા રજુ કર્યા હતા. જેથી કોર્ટે આરોપીને તરૃણીને વાલીપણાના કબજામાંથી લઈ જઈને બળજબરીથી જાતીય હુમલો કરી પોક્સો એકટના ભંગ સહિત તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો.

(4:55 pm IST)