Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ગાંધીનગર ખાતે ફોરેન્‍સીક યુનિવર્સિટીમાં કેન્‍દ્રીય રેલમંત્રી અશ્વિની વૈષ્‍ણવની ‘ફોસ્‍ટરિંગ મેઇક ઇન ઇન્‍ડીયા થ્રુ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન' અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે વાર્તાલાપ

દેશમાં રોજ બેથી અઢી કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરતાઃ પ્રથમ વખત સ્‍વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાનો લક્ષ્યાંક

ગાંધીનગરઃ ગાંધીનગર ખાતે ફોરેન્‍સીક સાયન્‍સ યુનિવર્સિટીમાં કેન્‍દ્રીય રેલમંત્રી અશ્વિન વૈષ્‍ણવ અને મહાનુભાવોના હસ્‍તે ઇન્‍વેસ્‍ટીગેશન ક્ષેત્રે સ્‍ટાર્ટઅપ શરૂ કરનાર વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર એનાયત કરી ‘ફોસ્‍ટરિંગ મેઇક ઇન ઇન્‍ડીયા થ્રુ સ્‍ટાર્ટઅપ એન્‍ડ ઇનોવેશન' અંતર્ગત વિદ્યાર્થીઓ સાથે સંવાદ યોજ્‍યુ હતુ અને કહ્યુ હતું કે, દેશે ડિજીટલ ઇન્‍ડીયા ક્ષેત્રેનવી જ હરણફાળ ભરી છે, જેથી રેલ્‍વે સેવાને વધુ શ્રેષ્‍ઠ અને ઝડપી બનાવવા હાકલ કરી છે.

નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટી-NFSUના વિદ્યાર્થીઓ- ઇનોવેટર્સને ટીમ બનાવી રેલવે ઇલેકટ્રિક નેટવર્ક પ્રોજેક્ટ તેમજ રેલવેમાં ગુન્હા-અકસ્માતમાં તપાસ અને તેના ઉકેલ લાવવા માટે રેલવે સાથે જોડાવવા કેન્દ્રીય રેલવે, કોમ્યુનિકેશન અને આઇ.ટી. મંત્રી અશ્વિની વૈષ્ણવે આજે ગાંધીનગર ખાતે આહૃવાન કર્યુ હતું.

કેન્દ્રીય રેલવે-આઇ.ટી. મંત્રી  અશ્વિની વૈષ્ણવની અધ્યક્ષતામાં ‘‘ફોસ્ટરિંગ મેઇક ઇન ઇન્ડિયા થ્રુ સ્ટાર્ટઅપ એન્ડ ઇનોવેશન’’ અંગે NFSUના વિદ્યાર્થીઓ-ઇનોવેટર્સ સાથે ગાંધીનગર ખાતે સંવાદ યોજાયો હતો.

આ પ્રસંગે અશ્વિની વૈષ્ણવે જણાવ્યું હતું કે - રેલવે વિભાગ નેશનલ ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી (NFSU) સાથે નેશનલ ફોરેન્સિક લેબ તેમજ મોબાઈલ ફોરેન્સિક લેબની સ્થાપના માટે MoU (સમજૂતી કરાર) કરશે. આ સમજૂતી કરાર દ્વારા રેલવેમાં થતા ગુનાઓ ઉકેલવામાં ફોરેન્સિક તપાસ અને અકસ્માતોના નિવારણમાં મદદ મળશે. મંત્રીએ NFSUને બે સ્ટાર્ટ-અપ પ્રોજેક્ટ ઉપર કામ કરવા માટે જણાવ્યું હતું. રેલવે નેટવર્ક અને ઈલેક્ટ્રીસિટી પાવર ગ્રીડને સાયબર સિક્યોરિટી પૂરી પાડવી તેમજ કોઈપણ પ્રકારના સાયબર હુમલાઓને અદ્યતન ટેક્નોલોજીથી રોકવા.

તેમણે બાળક, મહિલા સહિત માનવ તસ્કરીને રોકવા અંગેનો બીજો પ્રોજેક્ટ ફાળવતા જણાવ્યું હતું કે NFSUની ટીમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI)આધારિત નવીનતમ ટેક્નોલોજીના ઉપયોગથી માનવ તસ્કરીને રોકવા માટે તકનીકી સહાય પૂરી પાડી શકશે.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સ્ટાર્ટઅપર્સ અને વિદ્યાર્થીઓ સાથે સંવાદ કરતા જણા્વ્યુ હતું કે ટેકનોલોજી અને સ્ટાર્ટઅપના માધ્યમથી સરકાર સાથે જોડાઇને દેશ સેવા કરવાની આ ઉત્તમ તક છે. રેલવેમાં ટેક્નોલોજીનો મહત્તમ ઉપયોગ કરીને કેવી રીતે વધુ સારી સેવાઓ આપી શકાય તે માટે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર આજે દેશભરના યુવાનોને સ્ટાર્ટઅપના માધ્યમથી આવકારી રહી છે. ૧૦ વર્ષ પહેલા ભારતમાં અંદાજે ૪૦૦ જેટલા સ્ટાર્ટઅપ કાર્યરત હતા જ્યારે હાલમાં વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં અંદાજે ૭૫,૦૦૦ સ્ટાર્ટઅપ નયા ભારતની સફરમાં પોતાનું યોગદાન આપી રહ્યા છે.

તેમણે કહ્યુ હતું કે રેલવે ક્ષેત્રે નવીન સંશોધનના હેતુથી સ્ટાર્ટઅપ માટે રૂ.૧.૫ કરોડ સુધીની સહાય કરવામાં આવે છે. રેલવે સેવાને વધુ શ્રેષ્ઠ-ઝડપી બનાવવા હાલમાં ૧૫૦ સ્ટાર્ટઅપ કાર્યરત છે. પીએમ મોદીના નેતૃત્વમાં રેલવે સેવાઓ વધુ ઉત્તમ બનાવવા બે ગણું વધુ રોકાણ કરવામાં આવ્યું છે. ઓગષ્ટ-૨૦૨૩ સુધીમાં નવી ૭૫ ટ્રેનો જ્યારે આગામી ૩-૪ વર્ષમાં અંદાજે ૪૦૦ નવી ટ્રેનો ભારતીયોની સેવામાં જોડાશે. વર્ષ-૨૦૧૯થી કાર્યરત વંદે ભારત ટ્રેનના વધુ બીજા બે આધુનિક વર્ઝન આગામી સમયમાં લોન્ચ કરાશે જેની ઝડપ અંદાજે પ્રતિ કલાક ૨૦૦ કિ.મી.થી વધુ હશે.  

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવે સંવાદ કરતાં કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી મોદીના નેતૃત્વમાં વર્ષ-૨૦૨૪ માં ભારતમાં પ્રથમ સ્વદેશી હાઇડ્રોજન ટ્રેન શરૂ કરવાનું લક્ષ્યાંક નક્કી કરાયું છે. આ ટેક્નોલોજી ત્યારબાદ તબક્કાવાર જહાજોમાં પણ ઉપયોગમાં લેવાશે. અમદાવાદ અને મુંબઇ વચ્ચે ભારતની પ્રથમ બુલેટ ટ્રેનનું કાર્ય યુદ્ધના ધોરણે ચાલી રહ્યુ છે. ભારતમાં દૈનિક બે થી અઢી કરોડ લોકો ટ્રેનમાં મુસાફરી કરી રહ્યાં છે એટલે ટ્રેનોમાં સલામતી સાથે સારામાં સારી સુવિધા ઉપલબ્ધ કરવા રેલવે કટિબદ્ધ છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

તેમણે કહ્યું હતું કે વડાપ્રધાનશ્રી મોદીજીના નેતૃત્વમાં ભારતે ડિજિટલ ઇન્ડિયા ક્ષેત્રે નવીન હરણફાળ ભરી છે. ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે પીપીપી મોડેલથી તૈયાર કરેલું યુ.પી.આઇ પ્લેટફોર્મ આજે ભારત સહિત વિશ્વના અનેક દેશો માટે ઉપયોગી સાબિત થયું છે. અંદાજે ૧૨,૦૦૦ જેટલી ફિનટેક આજે યુ.પી.આઇ પ્લેટફોર્મનો ઉપયોગ કરે છે

ભારતમાં ઓનલાઇન ખરીદી માટે સ્વદેશી ઈ-કોમર્સ કંપની ઓપન નેટવર્ક ફોર ડિજિટલ કોમર્સ-ONDC તેમજ કૃષિ અને શિક્ષણ ક્ષેત્રે પણ આગામી સમયમાં નવા ડિજિટલ પ્લેટફોર્મ તૈયાર કરાશે. ડિજિટલ ટેકનોલોજી થકી આપણે Q-લાઇન થી QR કોડ સુધી પહોંચી ગયા છીએ તેમ જણાવી મંત્રીએ યુવાનોને સ્ટાર્ટઅપ થકી રેલવે અને આઇ.ટી.સહિતના ક્ષેત્રોમાં નવીન આયામો સર કરવા શુભેચ્છાઓ પાઠવી હતી.

NFSUના વાઇસ ચાન્સેલર પ્રો. જુનારેએ સ્વાગત પ્રવચન કરતાં કહ્યું હતું કે તત્કાલિન મુખ્યમંત્રી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના માર્ગદર્શનમાં ગાંધીનગર-ગુજરાતમાં સૌ પ્રથમ વર્ષ ૨૦૦૮-૦૯માં ગુજરાત ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી હતી. જ્યારે નરેન્દ્રભાઇ મોદી ભારતના પ્રધાનમંત્રી બન્યા ત્યારે GFSUને નેશનલ ફોરેન્સિક સાયન્સિસ યુનિવર્સિટીનો દરજ્જો આપવામાં આવ્યો છે તે આપણા સૌ માટે ગૌરવની બાબત છે. NFSUએ ભારત અને વિશ્વની પ્રથમ યુનિવર્સિટી છે જ્યાં પોલીસ, જ્યુડીસીયરી અને સાયન્ટિસ્ટ ક્ષેત્રે તપાસ માટે અધતન તાલીમ આપવામાં આવે છે. હાલમાં આ યુનિવર્સિટી ખાતે ડિપ્લોમાં, ડીગ્રી, પોસ્ટ ગ્રેજ્યુએટ સહિત વિવિધ ૭૦ અભ્યાસક્રમો ચલાવવામાં આવે છે જેમાં ગુજરાત ભારત સહિત દેશ વિદેશના વિદ્યાર્થીઓ ઇન્વેસ્ટિગેશ ક્ષેત્રે તાલીમ લઇ રહ્યા છે તેમ તેમણે ઉમેર્યુ હતું.

રેલવે મંત્રી અશ્વિની વૈષ્ણવ અને મહાનુભાવો ના હસ્તે ઇન્વેસ્ટીગેશન ક્ષેત્રે નવીન સ્ટાર્ટઅપ શરૂ કરનાર NFSUના વિદ્યાર્થીઓને પ્રમાણપત્ર આપી આ પ્રસંગે સન્માનિત કરવામાં આવ્યા હતા.

(5:16 pm IST)