Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

GeM પોર્ટલ પર ગુજરાતના વધુમાં વધુ MSME ઉદ્યમીઓની નોંધણી કરાવવાનું આહવાન કરતા ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્મા

MSME સહિતના ઔદ્યોગિક એકમોની GeM પોર્ટલ પર નોંધણી અંગે ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ અને તેની પ્રાદેશિક કચેરીઓ સાથે વિડીયો કોન્ફરન્સ યોજાઈ

અમદાવાદ :ગુજરાતમાં MSME સહિતના વિવિધ ઔદ્યોગિક એકમોની ગવર્મેન્ટ ઈ- માર્કેટપ્લેસ(GeM) પોર્ટલ પર નોંધણી થાય અને તેઓ સરકારી ખરીદીમાં ભાગ લઇ બજાર મેળવે તે હેતુસર ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માના અધ્યક્ષસ્થાને ચેમ્બર ઓફ કોમર્સ અને તેની પ્રાદેશિક કચેરીઓ સાથે વિડીયો કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
ઉદ્યોગ રાજ્ય મંત્રી જગદીશભાઈ વિશ્વકર્માએ જણાવ્યું હતું કે, ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલા GeM પોર્ટલ ઉપર હાલ ૪૬.૭૪ લાખ જેટલા MSME ઉદ્યમીઓ નોંધાયેલા છે અને આ સંખ્યા એક કરોડ સુધી પહોચાડવાનો ઉદ્દેશ છે. તે માટે વધુમાં વધુ MSME ઉદ્યમીઓ GeM પોર્ટલ ઉપર જોડાય તે માટે રાજ્યની દરેક ચેમ્બર ઓફ કોમર્સને જિલ્લા ઉદ્યોગ કેન્દ્રો સાથે મળીને અવેરનેસ કાર્યક્રમો કરવા માટે તેમણે અનુરોધ કર્યો હતો.
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, જેમ સુરતમાં ટેકસટાઇલ એન્ડ ડાયમંડ ઇન્ડસ્ટ્રી તથા મોરબીમાં સિરામિક ઇન્ડસ્ટ્રી ડેવલપ થઇ છે, તેમ રાજ્યમાં ‘વન ડિસ્ટ્રીકટ-વન પ્રોડક્ટ’ના ડેવલપમેન્ટ માટે પ્રયાસ કરવાનો છે તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું. સાથે જ તેમણે સ્ટાર્ટ–અપ માટે એન્જલ ઇન્વેસ્ટ તરીકે પ્રયાસ કરવા અને ઉદ્યોગોના નીતિ વિષયક પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કક્ષાએ કાર્યક્રમ કરવાનું સૂચન કર્યું હતું. જેથી સ્થળ પર જ ઉદ્યોગોના પ્રશ્નોનું નિરાકરણ લાવી શકાય.
GeM પોર્ટલ એક ડાયનેમિક, પારદર્શક, કાર્યક્ષમ અને વ્યાપક માર્કેટપ્લેસ છે. ગવર્મેન્ટ ઈ-માર્કેટપ્લેસ(GeM) પોર્ટલ પરથી વિવિધ સરકારી કચેરીઓ, બોર્ડ, કોર્પોરેશન, સ્થાનિક સંસ્થાઓ, કેન્દ્ર અને રાજ્ય સરકારના જાહેર એકમો દ્વારા માલ-સામાન સહિત વિવિધ સેવાઓની ઓનલાઈન ખરીદી કરવામાં આવે છે. ગુજરાત સરકારે ૧૧ જુલાઇ, ૨૦૧૭ના રોજ GeM પોર્ટલ સાથે MoU સાઈન કરી, રાજ્ય સરકારની તમામ ખરીદી GeM મારફતે કરવાનો નીતિ વિષયક નિર્ણય લીધો હતો. વર્તમાન પરિસ્થિતિએ દેશભરમાં GeM પોર્ટલ પરથી ખરીદી કરવામાં ગુજરાત બીજા ક્રમે છે. ગુજરાત સરકાર દ્વારા અત્યારસુધીમાં GeM પરથી કુલ રૂ.૯૯૬૦ કરોડની ખરીદી કરવામાં આવી છે. આ ઉપરાંત GeM પર ગુજરાતના ૪૨,૮૦૦થી વધુ વિક્રેતાઓની નોંધણી પણ થઇ ચૂકી છે, જે પૈકીના ૨૮,૦૦૦થી વધુ વિક્રેતાઓ MSME છે.
આ વિડીયો કોન્ફરન્સમાં ઉદ્યોગ અને ખાણ વિભાગના અધિક મુખ્ય સચિવ રાજ કુમાર, MSME કમિશ્નર ડૉ. રાહુલ ગુપ્તા તેમજ જી.આઇ.ડી.સી.ના ઉપાધ્યક્ષ અને મેનેજિંગ ડિરેકટર એમ. થેન્નારાસન અને સંયુકત ઉદ્યોગ કમિશ્નર જી. આઇ. દેસાઇ, ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સના ચેરમેન પથિકભાઈ પટવારી અને ફેડરેશન ઓફ ઇન્ડસ્ટ્રીઝ એસોશિયેશનના પ્રમુખ કાન્તીભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા

(6:42 pm IST)