Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ખેડા જીલ્લા કોંગ્રેસમાં ભંગાણની શક્યતા : મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચા

કોંગ્રેસમાં ફરી એકવાર ધોવાણની સીઝન શરૂ ! : ગૌતમ ચૌહાણ ભાજપમાં જોડાવાની શક્યતાથી રાજકારણ ગરમાયું

ખેડા તા.06 : ખેડા જિલ્લા કોંગ્રેસમાં ભંગાણ થવાની શક્યતા સામે આવી રહી છે. મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણ મહુધાના પૂર્વ ધારાસભ્યનાં કારણે કોંગ્રેસથી નારાજ હોવાની ચર્ચાઓએ હાલ જોર પકડ્યો છે. ત્યારે ગૌતમ ચૌહાણ ભાજપમાં જોડાવાની અટકળો સામે આવતા રાજકારણમાં પણ ગરમાવો આવ્યો છે.

મળતી માહિતી અનુસાર, રાજેશ ઝાલા બાદ હવે મહેમદાવાદના પૂર્વ ધારાસભ્ય ગૌતમ ચૌહાણે કોંગ્રેસ સામે નારાજગી વ્યક્ત કરી છે. ખેડા જિલ્લો કોંગ્રેસનું ગઢ માનવામાં આવે છે. કે જે ક્ષત્રિય સમાજ ધરાવતો જિલ્લો છે. ત્યારે કોંગ્રેસના ગઢમાં ભડકો થવાની શક્યતા જોવા મળી રહી છે. છેલ્લા કેટલાક સમયથી કોંગ્રેસમાં ભાંગણ સર્જાઈ રહ્યું છે. તેવામાં ગૌતમસિંહ ચૌહાણ પણ કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોથી નારાજ હોવાનું સામે આવ્યું છે. આ નારાજગીને કારણે ગૌતમ ચૌહાણ ભાજપમાં જોડાઈ શકે છે. તેવી ચર્ચાઓએ પણ જોર પકડ્યું છે. જ્યારે બીજી બાજુ ગૌતમ ચૌહાણ મહુધાના પૂર્વ ધારાસભ્ય નટવરસિંહને લઈને નારાજ હોવાના અહેવાલો પણ સામે આવી રહ્યા છે. નટવરસિંહ મેહમદાવાદ વિધાનસભામાં હસ્તક્ષેપ કરતા હોવાની વાતથી ગૌતમ ચૌહાણ કોંગ્રેસથી નારાજ હોવાનું જાણવા મળી રહ્યું છે. ત્યારે જગદીશ ઠાકોરે પણ ગૌતમ ચૌહાણ સાથે નારાજગી બાબતે વાત કરી હતી. મળતી માહિતી મુજબ, પૂર્વ ધારાસભ્યની સાથે તેમના ભત્રીજા અને આઈ.ટી.સેલના પ્રમુખ પણ કોંગ્રેસ છોડી શકે છે. તેમજ ગૌતમ ચૌહાણે ભાજપમાં જોડાવા માટે સી.આર.પાટીલની મુલાકાત પણ લઈ લીધી હોવાની વાત જાણવા મળી રહી છે.

આ અંગે ગૌતમ ચૌહાણ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કોંગ્રેસ પક્ષમાં અન્ય ધારાસભ્યો દ્વારા મતક્ષેત્રના કાર્યકરોમાં ફૂટ પડાવામાં આવી રહી છે. કેટલાક ધારાસભ્યો દ્વારા અવગણના કરવામાં આવી રહી હોવાનું જણાવવામાં આવ્યું હતું. તેમજ નેતાઓ પક્ષના કાર્યકરોને અંદરો અંદર ઝઘડાવી રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. તેમના દ્વારા જણાવવામાં આવ્યું હતું કે,આ તમામ બાબતોને લઈને હું ભાજપમાં જોડાવાનો છું. ભાજપમાંથી જ્યારે પણ ઓડર મળશે. ત્યારે હું ભાજપની પાર્ટીમાં જોડાઈ જઈશ. મને ભાજપનું કામકાજ ગમ્યું છે. જેથી હું તેમાં જોડાવા જઈ રહ્યો છું. વધુમાં ગૌતમ સિંહ ચૌહાણે મહુધાના પુર્વ ધારાસભ્ય નટવરસિંહના કારણે નારાજ હોવાની વાત પર જણાવ્યું હતું કે, નટવરસિંહ સાથે મને કંઈ તકલિફ નથી પણ કેટલાક લોકોના અંદરોઅંદર રમી રહેલા રાજકારણના કારણે હું નારાજ છું અને ભાજપમાં જોડાવાનો છું.

(8:19 pm IST)