Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

ભાઈની કુટેવ છોડાવવા બહેનને મહિલા તાંત્રિકનો ભેટો રૂ.3.67 લાખમાં પડ્યો ! : પૈસા પાછા માંગતા જાનથી મારી નાખવાની ધમકી આપી

કામવાળીએ બેન્ક મેનેજર બહેનને મહિલા ભૂવા પાસે મોકલી અને પછી શરૂ થયો રૂપિયા પડાવવાનો ખેલ ! : બેન્ક મેનેજરે પોલીસ ફરિયાદ નોંધાવી

ભરૂચ તા. 06 : દારૂ સહિત અનેક વ્યસન ધરાવતા ભાઈની કુટેવો છોડાવવા બેન્કમાં મેનેજર તરીકે ફરજ બજાવતી બહેને મહિલા તાંત્રિકનો સહારો લીધો હતો. અને પછી મહિલા તાંત્રિકે પુજા-વિધિ કરાવવાનાં નામે મહિલા પાસેથી 3.67 લાખ  રૂપિયા પડાવી લીધા હતા. પરંતુ તે બાદ પણ ભાઈ વ્યસનમુક્ત ન થતાં મહિલાએ પૈસા પરત માંગતા તાંત્રિક દ્વારા શિષ્યો મોકલી મહિલાને મારી નાખવાની ધમકી આપી હતી.

મૂળ યુપીના અને હાલ ભરૂચના નંદેલાવ રોડ ઉપર આવેલ હરીઓમ નગર ખાતે રહેતા જયોતિબેન સચિનકુમાર ચૌધરી ખાનગી બેંકમાં આસિસ્ટન્ટ મેનેજર તરીકે ફરજ બજાવે છે. જેમનો ભાઈ દારૂ અને અન્ય વ્યસનોનો આદી થઈ ગયો હતો. જેને વ્યસનમુક્ત કરવા કામવાળીએ ભરૂચના ભોલાવ વિસ્તારમાં આવેલ મંગલમ સોસાયટીમાં રહેતી મહિલા તાંત્રિકેનું સરનામું આપ્યું હતું. અને બસ અહીથી જ તાંત્રિક દ્વારા પૈસા પડાવવાનો ખેલ શરૂ કરવામાં આવ્યો હતો.

મહિલાને માતાજી આવે છે જેઓ ભાઈ અતુલની કુટેવો છોડી મુકશે તેમ કહેતા મહિલા અને તેની માતા તાંત્રિક પાસે ગયા હતા. જેઓએ ધૂણીને પૂજા અને તાંત્રિક વિધિ માટે 40 હજાર ખર્ચ થશે તેમ કહ્યું હતું. તે સમયે ત્યાં હાજર મહિલા તાંત્રિકના શિષ્ય ગૌરવ અનિલ પારેખ અને ભૂપેશ રમણ માછીએ સપનાબેનને માતાજી આવે છે જેનાથી ઘણા લોકોના કામ થાય છે. તમારો ભાઈ પણ સારો થઇ જશે પૂજા વિધિનો ખર્ચે તે આપો તમારો ભાઈ સારો થઇ સાજો થઇ જશે.

મહિલા તાંત્રિક ઉપર વિશ્વાસ બેસતા બેંક મેનેજર મહિલા અને તેની માતા અવાર નવાર ત્યાં જવા લાગ્યા હતા. અને મહિલા તાંત્રિકે પૂજા વિધિના નામે શિષ્ય ગૌરવ પારેખના બેન્ક ખાતામાં પ્રથમ 24 હજાર અને બહેન તેમજ અન્ય મિત્રોના એકાઉન્ટમાંથી મળી કુલ 3.67 લાખ રૂપિયા ટ્રાન્સફર કર્યા હતા. જે બાદ પણ ભાઈ અતુલની ડ્રિંક અને અન્ય કુટેવોમાં સુધારો નહિ આવતા મહિલા તાંત્રિક પાસે આસિસ્ટન્ટ મેનેજરે રૂપિયા પરત માંગતા તાંત્રિકે શિષ્યો મારફતે મારી નાખવાની ધમકી આપી હતી. અંતે મહિલા તાંત્રિક અને તેના બે શિષ્યો સામે મહિલા બેંક મેનેજરે વિધિના નામે વિશ્વાસઘાત, છેતરપિંડી અને જાનથી મારી નાખવાની ધમકી અંગે એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે.

(8:56 pm IST)