Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

રાજ્યમાં સંભવત: પ્રથમવાર નવતર પ્રયોગ:રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા મહિલાઓ માટે મેન્સ્ટ્રુઅલ કપનો પ્રોજેક્ટ શરૂ

આ કપ માટે એકવાર રૂપિયા 250નો ખર્ચ કર્યા બાદ વર્ષો સુધી તેનો ઉપયોગ કરી શકાય : આ કપનો વારંવાર ઉપયોગ હોવાથી પર્યાવરણ માટે પણ ફાયદાકારક

અમદાવાદ :  ગુજરાતમાં આજે 21મી સદીમાં પણ માસિક ધર્મને લઈ ગ્રામ્ય વિસ્તારની મહિલાઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. ગામડાઓમાં સેનેટરી પેડ સરળતાથી મળતા નથી. અને મળતા હોય ત્યાં પણ લેવા જવામાં મહિલાઓ સંકોચ અનુભવતી હોવાથી કપડાંનો ઉપયોગ કરીને અનેક મહિલાઓ બીમારીનો શિકાર બનતી હોય છે. ત્યારે રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા ગુજરાતમાં સંભવત: પ્રથમવાર નવતર પ્રયોગ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં મહિલાઓ માટે ખાસ મેન્સ્ટ્રુઅલ કપનો પ્રોજેક્ટ શરૂ કરાયો છે. આ કપ માટે એકવાર રૂપિયા 250નો ખર્ચ કર્યા બાદ વર્ષો સુધી તેનો ઉપયોગ કરી શકાય છે. આ કપનો વારંવાર ઉપયોગ હોવાથી પર્યાવરણ માટે પણ ફાયદાકારક છે.

ગ્રામ્ય વિસ્તારોમાં મહિલાઓમાં માસિક ધર્મ અંગેની જાગૃતતા વધારવા અને તેમાં બદલાવ લાવવા માટે જિલ્લા પંચાયતના DDO દ્વારા ખાસ જિલ્લા પંચાયત હસ્તકની શાળાઓમાં દીકરીઓ માટે સેનેટરી પેડ માટે મશીન મુકાવવામાં આવ્યા હતા. બાદમાં મહિલાઓ માટે કામ કરતી સંસ્થા લાલ સખી ગ્રુપનો સંર્પક કરાયો હતો. અને ગુજરાતમાં પ્રથમ રાજકોટનાં બે ગામોમાં ખાસ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો હતો. આ પ્રોજેકટ અંતર્ગત મેન્સ્ટ્રુઅલ કપ તૈયાર કરવામાં આવ્યા છે. એટલું જ નહીં કાત્યાનીબેન તિવારી નામની મહિલા દ્વારા નજીકનાં ગામોમાં ઘરે ઘરે જઇને મહિલાઓને આ કપ વિષે માહિતી આપીને તેઓને કપનો ઉપયોગ કરવાની સમજ આપવામાં આવી રહી છે.

આ પાયલોટ પ્રોજેક્ટમાં 6 મહિનામાં 200 મહિલાને આ કપનો ઉપયોગ કરતી કરવાનાં ટાર્ગેટ સામે આજે પ્રથમ તબક્કામાં 50 દિવસમાં 40 જેટલી બહેનો આ કપનો ઉપયોગ કરતી થઈ છે. આ કપની બજાર કિંમત 400 થી 500 રૂપિયા છે. પરંતુ જિલ્લા પંચાયત દ્વારા માત્ર 250 રૂપિયામાં અને તેમાં પણ 10, 20 કે 50 રૂપિયાના હપ્તે એટલે કે જયારે શક્ય બને ત્યારે રૂપિયા ચુકવી શકે તેવી સુવિધા સાથે આ કપનું વિતરણ કરાઈ રહ્યું છે.

રાજકોટ જિલ્લા પંચાયત દ્વારા PRP તરીકે કામ કરતા કાત્યાનીબેન તિવારીનાં જણાવ્યા મુજબ, મેન્સ્ટ્રુઅલ કપ સિલિકોનનો બનેલો હોય છે. આ કપ 3 સાઇઝ સ્મોલ, મીડીયમ અને લાર્જમાં આવે છે. 18 વર્ષથી ઓછી ઉંમરની યુવતી માટે સ્મોલ સાઇઝ, 18 થી 30 વર્ષની મહિલાઓ માટે મીડીયમ કપ તેમજ 25 વર્ષથી વધુ ઉંમર ધરાવતી અને માતા બની ચુકેલી મહિલાઓ માટે લાર્જ સાઇઝ કપનો ઉપયોગ થાય છે. આ કપનો ઉપયોગ કરતા પહેલા ગરમ પાણીમાં 5 મિનિટ રાખી સાફ કરવાનો રહે છે. જે બાદ તેનો ઉપયોગ કરી શકાય છે. અને તેને દિવસમાં 4 થી 5 વખત 4 થી 5 કલાકના સમયાંતરે પાણીમાં સાફ કરવાનો રહે છે.

વધુમાં તેમણે કહ્યું હતું કે, સામાન્ય રીતે સેનેટરી પેડની ખરીદી માટે બહેનોને દર મહિને રૂ. 80થી 100 ખર્ચવા પડે છે. પરંતુ આ કપનું આયુષ્ય 5 થી 6 વર્ષનું હોય છે અને અત્યારે રાજકોટમાં બહેનોને આ કપ માત્ર 250 રૂપિયા એ પણ 10,20 કે 50 ના હપ્તે આપવામાં આવે છે. જેને લઈને આર્થિક રીતે મોટો ફાયદો થાય છે. સાથે કપનો ઉપયોગ કરવાથી સ્વાસ્થ્ય તેમજ પર્યાવરણને પણ મોટો લાભ મળે છે. એટલું જ નહીં મેન્સ્ટ્રુઅલ કપનો ઉપયોગ કરવાથી દુર્ગંધની સમસ્યાથી છુટકારો મળે છે. આ સાથે જ તેમણે કપનો ઉપયોગ કરવાની જુદી-જુદી ત્રણ રીત પણ સમજાવી હતી.

(10:04 pm IST)