Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

નર્મદા જિલ્લાના અંતરિયાળ વિસ્તરોમાં ધોધમાર વરસાદ:ડેડિયાપાડા તાલુકાની મોહન નદીમાં પૂર આવતાં કોઝ વે પાણીમાં ગરકાવ

મુસાફરો અને વિદ્યાર્થીઓની સલામતી માટે વહિવટી તંત્ર પગલા ભરે તેવી માગણી: અનેકવાર રજૂઆતો કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું નથી: ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો

(ભરત શાહ દ્વારા)  રાજપીપળા: નર્મદા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં સૌથી વધુ ગરૂડેશ્વર તાલુકામાં-08 મિ.મિ. અને સૌથી ઓછો નાંદોદ તાલુકામાં-01 મિ.મિ. વરસાદ નોંધાયો છે.મોસમના કુલ વરસાદમાં તાલુકો– 282 મિ.મિ. વરસાદ સાથે જિલ્લામાં મોખરાનું સ્થાન ડેડીયાપાડા તાલુકાએ જાળવી રાખ્યું છે.ગરૂડેશ્વર તાલુકો -191 મિ.મિ. સાથે દ્વિતિય સ્થાને, તિલકવાડા તાલુકો-184 મિ.મિ. સાથે તૃતિય સ્થાને, સાગબારા તાલુકો- 135 મિ.મિ.સાથે ચોથા ક્રમે અને  નાંદોદ તાલુકો-48 મિ.મિ. વરસાદ સાથે પાંચમા સ્થાને રહેવા પામ્યો છે. નર્મદા જિલ્લામાં આજદિન સુઘી સરેરાશ કુલ –168 મિ.મિ.વરસાદ નોંધાયો છે.
  ડેડિયાપાડા તાલુકાના ઉપરવાસમાં ભારે વરસાદને કારણે ગારદા તથા મોટા જાંબુડા નજીકથી પસાર થતી મોહન નદીમાં પુર આવ્યું છે.પુરના પાણીમાં ચેકડેમ પાણીમાં ગરકાવ થઇ ગયો છે.ડેડીયાપાડાનાં ગ્રામ્ય વિસ્તારો જેવા કે ગારદા, ખામ, ભૂતબેડા, મોટા જાંબુડા, મંડાળા સહિત અનેક ગામડાઓમાં ધોધમાર વરસાદ ખાબક્યો હતો.ગારદા - મોટા જાંબુડા ગામ નજીકથી પસાર થતી મોહન નદીના જળસ્તરમાં વધારો થતાં પુરની સ્થિતિનું નિર્માણ થયું હતું.ઉપરવાસમાં ખાબકેલાં ભારે વરસાદથી મોહન નદીનો ચેકડેમ પણ છલકાયો હતો તેમજ કોઝવે ઉપર પણ પાણી ફરી વળ્યાં હતાં.કોઝવે પરથી પસાર થતાં વાહનોને રોકી દેવામાં આવ્યાં હતાં.
આ કોઝ-વે અંકલેશ્વર તથા સુરત જતા વાહન ચાલકો માટે આર્શીવાદરૂપ છે.પરંતુ ચોમાસુ આવતા દરવર્ષે લોકોને હાલાકી ભોગવવી પડે છે,આ બ્રિજ સાથેથી ગારદા, મોટા જાંબુડા, ખામ, ભૂતબેડા, તાબદા, મંડાળા, ખાબજી જેવા અનેક ગામડાઓ જોડાયેલા છે જેથી શાળા કોલેજ જવા માટે થવા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ પણ આ કોઝવેનો સહારો લેવો પડે છે.નર્મદા જિલ્લાના અંતરિયાળ ગામડાઓમાં હજી લોકો નદી કે ખાડીઓ પસાર કરવા માટે કોઝવે નો ઉપયોગ કરતાં હોય છે.ચોમાસામાં કોઝવે પરથી વિપુલ માત્રામાં પાણી પસાર થતું હોય છે.ડુંગરો પરથી આવતું હોવાથી પાણીનો વેગ પણ વધારે હોવાથી લોકો તેમાં જલદીથી ખેંચાઇ જતાં હોય છે.

આગામી ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહીને પગલે સંબંધિત વિભાગોને સાવધ રહેવા સૂચના..
તમામ જિલ્લામાં આગામી ચાર દિવસો દરમિયાન ભારે વરસાદની આગાહી હોઇ, તમામ મામલતદારોએ કન્ટ્રોલરૂમ એલર્ટ કરવા અને જવાબદાર કર્મચારીઓને ફરજ સોંપવા અને જે કોઇ ઘટના બને કે તુરત જ જિલ્લા કન્ટ્રોલરૂમમાં મેસેજ કરવા. લાયઝન અધિકારીઓએ આ બાબતે સંબંધિત તાલુકાના તમામ અધિકારીઓને એલર્ટ કરવા અને તુરત કાર્યવાહી થાય તેવા પગલાં લેવાં નર્મદા જિલ્લા ડિઝાસ્ટર મામલતદારે સૂચના આપી છે.આ બાબતે તમામ ખાતાના વડાઓએ પોતાના ખાતાને લગતી જે ટીમો બનાવેલ છે તેને એલર્ટ રાખવા, કોઇપણ બનાવની જાણ જિલ્લા ડિઝાસ્ટર કન્ટ્રોલરૂમ (02640- 224001) તથા જિલ્લા ડિઝાસ્ટર વોટ્સએપ ગૃપમાં કરવા તેમજ સરકારે નિયત કરેલ નમૂનામાં માહિતી તાત્કાલિક મોકલી આપવા પણ જણાવાયું છે

(10:15 pm IST)