Gujarati News

Gujarati News

News of Wednesday, 6th July 2022

મતદાનનાં દિવસે જ ચૂંટણીનું પરિણામ આવી જશે ? : ભાજપે નવી એપ લોન્ચ કરી જેમાં મતદાનના દિવસે જ પરિણામ જાણી શકાશે !

પ્રેસિડેન્ટ ડેશબોર્ડ નામની એપમાં મતદારોની વ્યક્તિગત માહિતી એકત્ર કરી સચોટતા સાથે ચૂંટણી પરિણામોની આગાહી કરાશે : ભાજપનો દાવો

ગાંધીનગર તા.06 : ભાજપ દ્વારા ગત મંગળવારે પ્રેસિડેન્ટ ડેશબોર્ડ નામનું એપ લોન્ચ કરવામાં આવ્યું છે. જેને લઈ ભાજપના નેતા દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે, આ એપની મદદથી મતદારોની વ્યક્તિગત માહિતી એકત્ર કરાશે અને તેનું પૃથ્થકરણ કરાશે અને સચોટતા સાથે ચૂંટણી પરિણામોની આગાહી પણ કરાશે..

તાજેતરમાં ગુજરાતની મુલાકાતે આવેલા અરવિંદ કેજરીવાલે કહ્યું હતું કે, આમ આદમી પાર્ટી ટુંક સમયમાં ભાજપ કરતા મોટું સંગઠન બનાવશે અને દરેક બુથ પર 10-10 કાર્યકરો કામ કરશે. જેના જવાબમાં ભાજપ દ્વારા મંગળવારે પ્રેસિડેન્ટ ડેશબોર્ડ નામની એપ લોન્ચ કરવામાં આવી છે. જેને લઈ દાવો કરવામાં આવી રહ્યો છે કે, તે માત્ર મતદારોની વ્યક્તિગત માહિતી એકત્ર કરશે અને તેનું પૃથ્થકરણ કરશે પરંતુ સચોટતા સાથે ચૂંટણી પરિણામોની આગાહી પણ કરશે.

એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, ભાજપના પ્રદેશ પ્રમુખ સી.આર. પાટીલના હસ્તે મંગળવારે પ્રેસિડન્ટ ડેશબોર્ડ કમ્યૂટર એપ લોન્ચ કરવામાં આવી હતી. આ એપને ભાજપના કાર્યકરો 50 લાખ ઘરો સુધી પહોંચાડશે અને મતદારોના ડેટા અને તેમના અભિપ્રાય એકત્રિત કરશે. તેમજ ગુજરાત ભાજપના મીડિયા કો-ઓર્ડિનેટર યજ્ઞેશ દવેએ કહ્યુ હતું કે, દરેક બૂથ ઈન્ચાર્જ પોતાના વિસ્તારના ઘરોની મુલાકાત લઈને પરિવારના સભ્યો, જન્મતારીખ, લગ્નની વર્ષગાંઠો અને તેઓએ કોઈ સરકારી યોજનાનો લાભ લીધો છે કે નહીં જેવી માહિતી એકત્ર કરવા માટે કરશે. આ ડેટા અમારા પક્ષના સર્વર પર અપલોડ કરવામાં આવશે. પ્રેસિડેન્ટ ડેશબોર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને, પ્રદેશ ભાજપ અધ્યક્ષ તેમના લેપટોપ અથવા કમ્પ્યુટર પર આ ડેટા જોઈ શકે છે. આખા દેશમાં આ પ્રકારની પ્રથમ એપ્લિકેશન છે.

યજ્ઞેશ દવેએ દાવો કરતા કહ્યું હતું કે, મતદાનના દિવસે, બૂથ ઈન્ચાર્જે જ સોફ્ટવેર વડે બૂથની બહાર બેસીને મતદાન કરવા આવનારને ટિક માર્ક કરશે, અને આ ડેટા, સાંજ સુધીમાં આગાહી કરશે કે કોણ જીતી રહ્યું છે. આ પ્રસંગે બોલતા, પાટીલે જણાવ્યું હતું કે, બૂથ સ્તરે મતદારોનો સંપર્ક કરવામાં આવશે અને તેમની પાસેથી એકત્રિત કરવામાં આવેલી માહિતીનું ડેશબોર્ડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને વિશ્લેષણ કરવામાં આવશે. હાલમાં ગુજરાતમાં 1.13 કરોડ ભાજપના સભ્યો છે અને 67 લાખ પેજ કમિટી સભ્યો છે. પાટીલે જણાવ્યું હતું કે, અમે નવી નોંધણી અભિયાન શરૂ કર્યું છે.

(10:42 pm IST)