Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

સરખેજથી ગુમ રીક્ષા ચાલકની હત્યાનો ભેદ ઉકેલાયો : ત્રણ મિત્રોએ પૈસાની લેતી દેતી બાબતે હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી

એસઓજી ક્રાઈમની ટીમે બાતમીના આધારે એક આરોપીને યુપીથી ઝડપી પાડ્યો : ફરાર બે આરોપીઓની શોધખોળ

અમદાવાદના સરખેજથી ગુમ થયેલ રીક્ષા ચાલકની હત્યાનો ભેદ એસઓજીએ ઉકેલી કાઢ્યો છે. રીક્ષા ચાલકના ત્રણ મિત્રોએ પૈસાની લેતી દેતી બાબતે રીક્ષાચાલકની હત્યા કરીને લાશને જમીનમાં દાટી દીધી હતી. ત્રણ શખ્સો પૈકી એક આરોપીને શહેર એસઓજીની ટીમે યુપીથી ઝડપી પાડ્યો હતો. જ્યારે ફરાર બે આરોપીઓની શોધખોળ હાથ ધરાઈ છે.

કૃષ્ણનગરમાં મીનાબહેન તેમના પતિ અવધેશસિંગ અને દિકરા સાથે રહે છે. પતિ અવધેશસિંગ રીક્ષા ડ્રાઈવિંગ કરી પરીવારનું ગુજરાન ચલાવતા હતા. ગત 31 તારીખના રોજ પતિ અવધેશ કામ અર્થે સરખેજ જવાનું કહીને ઘરેથી નિકળ્યા હતા. બાદમાં ઘરે પરત નહીં આવતા તેમને ફોન કર્યો હતો. ફોન બંધ આવતો હોવાથી તેમના મિત્ર અને સંબંધી છોટેસિંગને ફોન કર્યો ત્યારે અવધેશ અને હું સવારે સરખેજ ગોડાઉન પર હતા બાદમાં તેઓ હોટલમાં જમવા ગયા હતા. ત્યાર પછી હું અવધેશને મળ્યો નથી તેવી જાણ કરી હતી. જેથી બે- ત્રણ દિવસ વિતી ગયા પતિ ઘરે આવ્યો ન હોવાથી મીનાબહેન સરખેજ પોલીસ સ્ટેશન પહોંચી પતિ ગુમ થયાની ફરીયાદ નોંધાવી હતી.

જો કે સરખેજ પોલીસની તપાસમાં એવુ સામે આવ્યું હતું કે, અવધેશને તેના મિત્ર લક્ષ્મીનારાયણ, દેવા ચૌહાણ અને કિષ્ણાએ અગમ્ય કારણસર તિક્ષ્ણ હથીયારના ઘા મારી મોતને ઘાટ ઉતારી લાશને સગેવગે કરી દીધી હતી. જેથી પોલીસે આરોપીની તપાસ શરૂ કરી હતી.

આ અંગે એસઓજી ડીવાયએસપી બી સી સોલંકીએ જણાવ્યું હતું કે, લક્ષ્મીનારાયણ જાટ ઉત્તર પ્રદેશ છુપાયેલો છે જેના આધારે એસઓજી ક્રાઈમે લક્ષ્મીનારાયણને ઝડપીને હત્યાનો ભેદ ઉકેલ્યો હતો. સાતેક દિવસ પહેલા દેવા ચૌહાણ અને કિષ્ણા અવધેશસિંગને છેતરીને પૈસાની લેતી-દેતી બાબતે ઉજાલા સર્કલ પાસે ગોપાલ હોટલ પાસે બોલાવ્યા હતા. બાદમાં કિષ્ણાએ અવધેશસિંગને પકડી રાખી દેવા ચૌહાણે છરીના ઘા પેટના ભાગે મારીને અવધેશસિંગની હત્યા કરી દીધી હતી. એસઓજીની ટીમે હાલ આરોપી લક્ષ્મીનારાયણને સરખેજ પોલીસને સોંપતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

છરીના ઘા મારીને અવધેશસિંગની હત્યા કરીને બાદમાં તેના મૃતદેહને જમીનમાં ખાડો ખોદી દાટી દીધો હતો. બાદમાં ઈંટોના ટુકડા તેમજ કાંટાવાળી ઝાંડીઓ નાંખી દીધી હતી. એટલું જ નહીં અવધેશસિંગની રીક્ષા લઈને લોહીવાળા કપડા સળગાવી, છરી તથા મોબાઈલ ફોન ઝાડીઓમાં ફેંકી દીધો હતો અને અવધેશની રીક્ષા લઈ અંબાજી મુકી આવ્યા હોવાનુ પણ પુછપરછમાં સામે આવ્યું છે. બે આરોપીઓ હજી ફરાર હોવાથી પોલીસ તેમને પકડવા માટે તમામ ચક્રોગતિમાન કર્યા છે.

(10:56 pm IST)