Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

મહેસાણામાં ગોપાલ ઈટાલીયા ધરપકડ બાદ જામીનમુકત

પાંચ કલાક સુધી પોલીસ સ્ટેશને આમ આદમી પાર્ટીના હોદેદારો-કાર્યકરો બેઠા રહ્યાઃ જનસંવેદના યાત્રાનું બીજુ ચરણ શરૂ થાય તે પહેલા જ પ્રદેશ પ્રમુખની અટકાયત કરાતા રોષઃ પાંચ વર્ષ પહેલાના કેસમાં ધરપકડ કરીને ભાજપ સરકારે લોકશાહીનું અપમાન કર્યુઃ ઈશુદાન ગઢવી

રાજકોટ, તા. ૬ :. આમ આદમી પાર્ટી દ્વારા જન સંવેદના યાત્રાના બીજા ચરણનો આજથી ઉંઝા ઉમિયા માતાજીના દર્શન કરીને પ્રારંભ કરવામાં આવ્યો હતો. મહેસાણા જિલ્લામાં યાત્રા શરૂ થાય તે પહેલા જ આમ આદમી પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની મહેસાણા પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવતા ઘેરા પડઘા પડયા હતા. જો કે પાંચેક કલાક સુધી ધરપકડ કરીને પોલીસ સ્ટેશને બેસાડી દેતા આમ આદમી પાર્ટીના આગેવાનો-કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડયા હતા. ત્યાર બાદ બપોરે ૨ વાગ્યા આસપાસ તેમનો જામીન ઉપર છૂટકારો થયો છે અને યાત્રા પુનઃ આગળ વધી રહી છે.

આમ આદમી પાર્ટીના નેતા ઈશુદાન ગઢવીએ અકિલાને જણાવ્યુ હતુ કે આજે સવારે મહેસાણા ટોલનાકા પાસે જ એક જૂના કેસમાં 'આપ'ના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલીયાની કલમ ૧૮૮માં ધરપકડ કરવામાં આવી છે. અમે લોકો મહેસાણા પોલીસ સ્ટેશને પહોંચીને જ્યાં સુધી ગોપાલ ઈટાલીયાને છોડવામાં ન આવે ત્યાં સુધી પોલીસ સ્ટેશનમાં જ બેસી રહેશુ અને ધરણા કરશું અમારી સાથે આમ આદમી પાર્ટીના ૫૦૦૦થી વધુ કાર્યકરો અને આગેવાનો પણ જોડાયા છે. જો કે જામીનમુકત થતા આમ આદમી પાર્ટીના આગેવાનો અને કાર્યકરો ફરીથી જનસંવેદના યાત્રામાં જોડાય ગયા છે.

ઈશુદાન ગઢવીએ વધુમાં જણાવ્યુ કે, ભાજપ સરકાર ડરી ગઈ છે. પોતે તો શ્રધ્ધાંજલી આપવા નથી જતા પરંતુ અમે નાયબ મુખ્યમંત્રીના વિસ્તારોમાં શ્રધ્ધાંજલી અર્પણ કરવા જઈએ છીએ તો અટકાવે છે. ભાજપની આવી નીતિ સામે ગુજરાતના લોકોમાં આક્રોશ છે અને ભાજપને ઝડબાતોડ જવાબ મળશે. પાંચ વર્ષ પહેલાના કેસમાં ધરપકડ કરીને ભાજપ સરકાર લોકશાહીનું અપમાન કરી રહી છે.

'આપ'ના નેતા નીખિલભાઈ સવાણીએ જણાવ્યુ હતુ કે ભાજપ સરકાર પોલીસને હાથો બનાવીને ડરાવવાનો પ્રયત્ન કરી રહી છે પરંતુ અમે બમણી તાકાતથી લોકોના પ્રશ્નને વાચા આપીશું.

અત્રે ઉલ્લેખનીય છે કે મહેસાણા ખાતેથી આમ આદમી પાર્ટીની જન સંવેદના યાત્રા આજે સવારે શરૂ થઈ છે. જેમાં ઈશુદાન ગઢવી, મહેશભાઈ સવાણી સહિત હોદેદારો અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા છે.

(4:01 pm IST)