Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પાલનપુરના અમીરગી તાલુકાના કાનપુરા ગામના બાલારામ લઘુ સિંચાઇ ડેમ નજીક રમી રહેલા મામા-ફોઇના 2 ભાઇઓના પાણીમાં ડુબી જતા મોત

તરવૈયાઓની જહેમત બાદ બંને બાળકોના મૃતદેહો મળ્‍યા

પાલનપુર: હાલમાં ગુજરાતમાં ચોમાસાની શરૂઆત સાથે જ સારો વરસાદ થયો છે. ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ ખાબક્યો હોવાથી ઘણા જળાશયો અને નદીઓમાં નવા નીરનું આગમન થયું છે. ત્યારે અમીરગઢ તાલુકાના ધનપુરા ગામે ગુરૂવારે એક કરૂણા ઘટના સર્જાઇ હતી. જેમાં બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહેલા મામા-ફોઇના ભાઇઓના મોત નિપજ્યા હતા. જેના લીધે સમગ્ર પંથકમાં અરેરાટી પ્રસરી જવા પામી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર ગઇકાલે એટલે ગુરૂવારે સાંજે  ધનપુરા નજીક બાલારામ લઘુ સિંચાઈ ડેમમાં ડૂબી જવાથી મામા-ફોઇના બે બાળકોના મોત થયા હતા. મામા ફોઈના બે ભાઈ અશોકભાઈ રમેશભાઈ બુંબડીયા (ઉ.વ.15) અને સુરેશભાઈ રાવતા ભાઈ ડાભી (ઉં.વ.12) ગુરૂવાર સાંજે 4.00 કલાકના સુમારે બાલારામ લઘુ સિંચાઈ ડેમ નજીક રમી રહ્યા હતા. તે દરમિયાન પગ લપસી જતાં બંને ભાઇઓ પાણીમાં ડૂબી ગયા હતા.

ઘટનાની જાણ થતાં સ્થાનિક રહેવાસીઓ અને અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. સ્થાનિક તૈરવૈયાઓએ ભારે જહેમત બાદ બંને બાળકોની લાશ બહાર કાઢી હતી. અને ત્યારબાદ વિરમપુર ખાતે આવેલ સાહમૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પી.એમ. અર્થે ખસેડવામાં આવ્યા હતા. 

(4:58 pm IST)