Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

નરેન્‍દ્રભાઇએ રાજીવ ગાંધી ખેલ રત્‍ન એવોર્ડ નામ બદલી નાખ્‍યુ તો હવે અમદાવાદ નરેન્‍દ્ર મોદી ક્રિકેટ સ્‍ટેડિયમના બદલે કપિલ દેવ-ધોની અથવા તેંડુલકર સ્‍ટેડિયમ નામ રાખો

દેશ બદલવા નીકળેલા લોકો હવે કોંગ્રેસે બનાવેલી યોજનાના નામ બદલીને સંતોષ માને છેઃ ગુજરાત કોંગ્રેસ પ્રવક્‍તા જયરાજસિંહ પરમાર

અમદાવાદ: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડનું નામ બદલી નાખ્યુ છે. સરકારે તેને હૉકીના જાદુગર ગણાતા મેજર ધ્યાનચંદના નામ પર રાખવાનો નિર્ણય કર્યો છે. કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના આ નિર્ણય બાદ હવે અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવાની માંગ ઉભી થઇ છે.

ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા જયરાજ સિંહ પરમારે કહ્યુ કે, દેશ બદલવા નીકળેલા લોકો હવે રોડ-રસ્તા-ગલીઓ-શહેર-અને કોંગ્રેસે બનાવેલી યોજનાઓના નામ બદલીને હવે સંતોષ લઇ રહ્યા છે. મોદીજી Game changer ” નહીં પણ Name changer ” બની રહી ગયા છે. નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ વિશ્વકપ જીતાડનાર કપિલદેવ કે ધોની અથવા તેંડુલકર રાખી દેવું જોઈએ.

ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ પણ નરેન્દ્ર મોદી સ્ટેડિયમનું નામ ફરી સરદાર પટેલ ગુજરાત સ્ટેડિયમ કરવાની માંગ કરી હતી.

ક્રિકેટ સ્ટેડિયમનું નામ બદલવામાં આવતા થયો હતો વિવાદ

અમદાવાદના મોટેરા આવેલા ગુજરાત ક્રિકેટ ઍસોસિયેશન દ્વારા નિર્મિત વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને નરેન્દ્ર મોદી સ્ટેડિયમ એવું નામ આપવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં નવા નામકરણને લઇને વિવાદ ઉભો થયો હતો. કોંગ્રેસનું કહેવુ હતુ કે સ્ટેડિયમ સાથે સરદાર પટેલનું નામ જોડાયેલુ હતુ, તેને નરેન્દ્ર મોદીનું નામ આપીને દેસના પ્રથમ ગૃહમંત્રીનું અપમાન કરવામાં આવ્યુ છે.

ભારતના પનોતા પુત્ર અને લોહ પુરૂષ સરદાર વલ્લભભાઇ પટેલના નામ ઉપર મોટેરા સ્ટેડિયમનું નામ રાખવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 53 હજાર હતી. જોકે, હવે આ સ્ટેડિયમનું રીનોવેશન કરી તેની બેઠક ક્ષમતા વધારવામાં આવી છે. નરેન્દ્ર મોદી જ્યારે જીસીએના ચેરમેન હતા ત્યારે તેમનું સ્વપ્ન હતું કે ગુજરાતમાં વિશ્વનું સૌથી મોટુ ક્રિકેટ સ્ટેડિયમ બને. નરેન્દ્ર મોદી જ્યારે વડાપ્રધાન બન્યા ત્યારે તેમનું આ સ્વપ્ન પૂર્ણ થયુ હતું અને તેમના આ સ્વપ્નને સાકાર કરવા માટે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે તનતોડ મહેનત કરી વિશ્વના સૌથી મોટા સ્ટેડિયમ મેલબોર્ન કરતા પણ મોટા સ્ટેડિયમને આકાર આપ્યો હતો. 6 મહિના પછી ક્રિકેટ સ્ટેડિયમ તૈયાર થયુ અને સૌ પ્રથમ ગત વર્ષે 24 ફેબ્રુઆરી 2021માં અમેરિકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નમસ્તે ટ્રમ્પ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યુ હતું. આ સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 30 હજાર કરતા પણ વધુ છે.

(5:00 pm IST)