Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગાંધીનગરમાં હિટ એન્ડ રન:અજાણ્યા વાહને બાઇકને હડફેટે લેતા યુવકનું કમકમાટીભર્યું મોત

ગાંધીનગર: જિલ્લાના હાઈવે માર્ગો ઉપર અકસ્માતની ઘટનાઓની સાથે છેલ્લા ઘણા સમયથી હીટ એન્ડ રનના બનાવો પણ વધી રહયા છે. અકસ્માત સર્જીને ફરાર થઈ જતાં આવા વાહન ચાલકોે હાથમાં આવતાં નથી ત્યારે ગઈકાલે રાત્રે ચિલોડા હિંમતનગર હાઈવે ઉપર સર્જાયેલા વધુ એક અકસ્માતમાં દોલારાણાવાસણાના બાઈકસવાર યુવાનનું મોત નીપજયું હતું. આ ઘટના અંગે પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો પ્રમાણે દોલારાણાવાસણા ગામે રહેતાં ૩પ વર્ષીય જયેન્દ્રસિંહ રતનસિંહ રાઠોડ તેમનું બાઈક નં.જીજે-૧૮-સીકયુ-૮૧૩૨ લઈને હિંમતનગરથી ચિલોડા તરફના રોડ ઉપરથી પસાર થઈ રહયા હતા તે દરમ્યાન ધણપ પાસે કોઈ અજાણ્યા વાહનચાલકે તેમના બાઈકને અડફેટે લીધું હતું. જેના કારણે તેમના માથા અને શરીરે ગંભીર ઈજાઓ થવાના કારણે સ્થળ ઉપર જ મોત થયું હતું. આ ઘટના અંગે તેમના પરિવારજનોને પણ જાણ થતાં તેઓ સ્થળ ઉપર પહોંચ્યા હતા અને ચિલોડા પોલીસ પણ બનાવ સ્થળે પહોંચી હતી. જયાં તેમના કાકા સુરેન્દ્રસિંહ રાઠોડની ફરીયાદના આધારે ચિલોડા પોલીસે ફરાર વાહનચાલકને પકડવા માટે દોડધામ શરૃ કરી છે. જિલ્લામાં હીટ એન્ડ રનની ઘટનાઓ વચ્ચે સીસીટીવી સર્વેલન્સ ગોઠવાયેલુ હોવા છતાં ફરાર વાહનચાલકો પકડવામાં આવતાં નથી અને આવા સંખ્યાબંધ ગુનાઓ હજુ પોલીસ ચોપડે પડતર જોવા મળી રહયા છે.

(5:22 pm IST)