Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ગાંધીનગર: કોરોના વોર્ડના પાર્કિંગમાં દારૂ વેચવાની પ્રવૃત્તિ ચાલતી હોવાની માહિતી પોલીસે દરોડા પાડી 59બોટલ સાથે શખ્સને ઝડપી પાડયો

ગાંધીનગર : ગાંધીનગર સિવિલ હોસ્પિટલના કંપાઉન્ડમાં જ કોરોના વોર્ડના પાર્કીંગમાં વિદેશી દારૃ વેચવાની પ્રવૃતિ ચાલતી હતી ત્યારે સે-૭ પોલીસે બાતમીના આધારે દરોડો પાડીને ચાંદખેડા અને વાવોલના શખ્સને ઝડપી લઈ વિદેશી દારૃની પ૯ બોટલ સાથે પ.૩પ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવ્યો હતો. આ દારૃનો જથ્થો કયાંથી લવાયો હતો અને કોને કોને વેચવામાં આવતો હતો તે જાણવા માટે પોલીસે મથામણ શરૃ કરી છે.  

રાજયમાં આમ તો દારૃ ઉપર પ્રતિબંધ છે પરંતુ પરપ્રાંતમાંથી મોટા પ્રમાણમાં વિદેશી દારૃનો જથ્થો ગુજરાતમાં ઘુસાડીને અલગ અલગ સ્થળે તેનું વેચાણ કરવામાં આવતું હોય છે. અત્યાર સુધી ખુણેખાંચરે દારૃની હાટડીઓ મંડાતી હતી પરંતુ હવે તો હોસ્પિટલની બહાર પણ કારમાં દારૃના વેપલા થઈ રહયા છે. ગઈકાલે સે-૭ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન બાતમી મળી હતી કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલના નવા બિલ્ડીંગમાં કોરોના વોર્ડના પાર્કીંગમાં કેટલાક શખ્સો કારમાં જ વિદેશો દારૃનો વેપાર કરી રહયા છે. જે બાતમીના પગલે પોલીસ ટીમે દરોડો પાડતાં આકાશ બુધાભાઈ ઠક્કર રહે.ડી-૭૦૨દીવાલી એલીગન્સ વૈષ્ણોદેવી અંડરબ્રીજ પાસે ચાંદખેડા અને નિજાત્મા ભુપેન્દ્રભાઈ શાહ રહે.વાવોલ આંટાવાળો વાસને ઝડપી લીધા હતા અને તેમની પાસે રહેલી જીજે-૦૧-આરકે-૦૪૦૫ નંબરની કારમાં તપાસ કરતાં તેમાંથી વિદેશી દારૃની પ૯ બોટલ મળી આવી હતી. પોલીસે દારૃ અને કાર મળી પ.૩પ લાખ રૃપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો હતો અને અહીં કેટલા સમયથી દારૃનો વેપલો ચાલતો હતો અને કોને કોને દારૃ વેચવામાં આવતો હતો તે જાણવા માટે મથામણ શરૃ કરી છે. નોંધવું રહેશે કે સિવિલ હોસ્પિટલ કંપાઉન્ડમાં પોલીસની ઓછી અવરજવરના કારણે બુટલેગરોએ દારૃની દુકાન ખોલી દીધી હતી.

(5:23 pm IST)