Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

અમદાવાદના ધનાઢ્ય પરિવારની દીકરીના લગ્ન ત્રણ લાખ દિરહામ કમાતા મુરતિયા સાથે દુબઈમાં કર્યા: પરિણીતા પાસે કરોડોની માંગ

લગ્નની વર્ષગાંઠ નિમિત્તે મર્સીડીઝ ગાડી માંગી: આઠથી નવ કરોડ કોરોનાનો સમય હોવાથી મદદ કરવા કહ્યું: પતિએ યુવતીના પિતા પાસે પાંચ કરોડ વેપાર કરવા માટે માગ્યા

અમદાવાદના ધનાઢય પરિવારની દીકરી માટે પરિવારે મેટ્રોમોનિયલ સાઇટ પર મુરતિયો પસંદ કર્યો હતો. પરિવાર દુબઈમાં સેટલ હતો યુવક ભણેલો અને મહિને 3 લાખ દિરહામ આવક ધરાવતો હોવાની વાત મેટ્રોમોનિયલ સાઇટ પર કરી હતી. જેથી પરિવારે તેની સાથે લગ્ન કરાવ્યા પણ પછી એક પછી એક તમામ માહિતી ખોટી હોવાનું સામે આવ્યું હતું. પતિ પરિણીતાના પાસે કરોડો રૂપિયાની માગણી કરતો હતો. આ સમગ્ર અત્યાચાર સહન કરી પરિણીતા હાલ અમદાવાદ પરત ફરી હતી અને આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવ્યો હતો.

અમદાવાદના અતિ પોસ ગણાતા સિંધુ ભવન પાસે રહેતા ધનાઢય પરિવારની 28 વર્ષીય પરિણીતા છેલ્લા બે માસથી પિયરમાં રહે છે. આ પહેલા તે દુબઈ અને ગુરુગ્રામ હરિયાણા ખાતે તેના પતિ સાસુ-સસરા સાથે રહેતી હતી. વર્ષ 2019 માં દુબઈ ખાતે એક યુવક સાથે તેના લગ્ન થયા હતા અને ત્યારબાદ તે દુબઈ ખાતે સંયુક્ત પરિવારમાં રહેવા લાગી હતી. આ યુવતીના લગ્ન મેટ્રિમોનિયલ વેબસાઈટના માધ્યમથી થયા હતા.

લગ્ન કર્યા બાદ જ્યારે આ યુવતી તેના સાસરે રહેવા ગઇ હતી ત્યારે લગ્નના બીજા દિવસે જ તેના સાસરિયાઓએ તેની સાથે સારી રીતે વાતચીત પણ કરી ન હતી. કારણ કે લગ્ન દરમિયાન યુવતીના પિયર પક્ષ દ્વારા જે વસ્તુઓ આપી હતી તેનાથી તેના સાસરિયાઓને સંતોષ ન હતો. યુવતીના સાસરે ઘરના કામકાજ માટે એક નોકર રાખ્યો હતો જે ઘરના તમામ સભ્યોનું કામકાજ કરતો હતો. પરંતુ આ યુવતીનું કામ સાસરિયાઓના કહેવાથી કરતો ન હતો.

આ દરમિયાન યુવતીને ખબર પડી કે તેના પતિએ મેટ્રો મોનિયલ સાઈટ ઉપર તેની ભણતરની ડીગ્રી તથા દુબઈની કરન્સી પ્રમાણે વાર્ષિક આવક ત્રણેક લાખ દિરહામ બતાવી હતી તે ખોટી હતી. જેથી આ બાબતે તેના પતિને જાણ કરતાં તેના પતિએ આ બાબતે કંઈ જાણતો નથી તેમ કહી યુવતીને ઉડાઉ જવાબ આપી વાત ટાળી દીધી હતી અને તેને અલગ ફ્લેટમાં રહેવા જવાનું દબાણ કર્યું હતું.

વર્ષ 2020માં યુવતીના મામાનો જન્મદિવસ હોવાથી તે અને તેનો પતિ દુબઇથી અમદાવાદ આવ્યા હતા. ત્યારે યુવતીના પતિએ યુવતીના પિતા પાસે પાંચ કરોડ રૂપિયા વેપાર કરવા માટે માગ્યા હતા. જોકે યુવતીના પિતાએ જણાવ્યું કે લગ્નમાં ખૂબ જ ખર્ચ થયો હોવાથી આટલી મોટી રકમ તેમની પાસે નથી. બાદમાં પરત દુબઈ ગયા બાદ સાસુ-સસરા અને પતિ એ આ યુવતી સાથે વાતચીત કરવાનું એકદમ ઓછું કરી દીધું હતું. લગ્ન પહેલા સાસરિયાઓ યુવતીને પ્રિન્સેસ કહીને બોલાવતા હતા પરંતુ લગ્ન બાદ તેને સારી રીતે બોલાવતા નહોતા અને તેઓનું વર્તન પણ બદલાઇ ગયું હતું.

વર્ષ 2020માં ફરી આ યુવતી દુબઇથી અમદાવાદ આવી હતી ત્યારે તેને ગર્ભ હોવાની જાણ થઇ હતી જે વાત તેણે તેના સાસરિયાઓ ને કરતાં તેઓ ખુશ થયા ન હતા અને આ બાળક આપણે રાખવાનું નથી અને એબોર્શન કરાવી લેવાનું છે તેવું જણાવ્યું હતું. જોકે યુવતી બાળક રાખવા માંગતી હતી. પરંતુ તેના સાસરિયાઓ ના દબાણથી યુવતી બાળક ન રાખવા મજબૂર બની હતી.

તેના સાસરિયાઓએ તેને કહ્યું હતું કે જો આ બાળક રાખીશ તો તને ઘરે આવવા નહીં દઈએ અને રાખીશું પણ નહીં. જેથી સાસરિયાઓના દબાણથી વશ થઈને યુવતીએ થલતેજ ખાતે એક ડોક્ટરના ત્યાં એબોર્શન કરાવ્યું હતું અને આ એબોર્શન અંગે તેના પતિએ મેઈલ દ્વારા સંમતિ દર્શાવતો ઇ મેઇલ મોકલ્યો હતો. ત્યારબાદ ફરી આ યુવતી દુબઈ પરત ગઈ હતી ત્યારે તેના પતિએ અલગ એક ભાડાનો ફ્લેટ લીધો હતો અને બંને પતિ-પત્ની ત્યાં રહેવા લાગ્યા હતા. આ ફ્લેટ પર જ્યારે યુવતીના સાસુ-સસરા આવે ત્યારે તેને કહેતા કે તેમના પુત્ર માટે એક મોટો બંગલો મરસીડીઝ ગાડી તેના પિયરજનો ખરીદી આપે.

જેથી યુવતીએ આ દહેજની માગણીનો ઇનકાર કરતા તમામ લોકો તેની સાથે વ્યવસ્થિત વાતચીત કરતા ન હતા અને તેનો પતિ તેની સાથે કોઇ ફિઝિકલ રિલેશન પણ રાખતો ન હતો. ફરી એક વખત આ યુવતી જ્યારે અમદાવાદ તેના પિયરમાં આવી ત્યારે તેનાં લગ્નને એક વર્ષ પૂર્ણ થયું હતું ત્યારે તેના પતિએ યુવતીના પિતા પાસે લગ્નની વર્ષગાંઠ નિમિત્તે એક મર્સીડીઝ ગાડી માંગી હતી.

જોકે યુવતીના પિતાએ સગવડ ન હોવાનું જણાવી પછીથી લઈ આપવા જણાવ્યું હતું. બીજી તરફ યુવતીએ તેના ઘરના સભ્યોને તેના સાસરિયાઓના માનસિક શારીરિક ત્રાસની ફરિયાદ કરી હતી. વર્ષ 2020માં યુવતીના પિતા તથા ભાઈ યુવતીને દુબઈ મળવા ગયા હતા ત્યારે યુવતીના પિતાએ લગ્ન બાદ પ્રથમ વખત દીકરીના ઘરે જતા હોવાથી યુવતીના સાસરિયાઓને એક કિલો ચાંદી તથા સોનાના સિક્કા દરેક વ્યક્તિને આપવા માટે લાવ્યા હતા. આ સિવાય પણ બીજી બધી ઘણી ભેટ આપી હતી.

જયારે યુવતીના સાસુ-સસરાએ યુવતીના પિતાને આઠથી નવ કરોડ રૂપિયા કોરોનાનો સમય હોવાથી મદદ કરવા કહ્યું હતું. તેમનો દીકરો દુબઈમાં વ્યવસ્થિત વેપાર ધંધો ચાલુ કરી શકે તે માટે આટલી મોટી રકમ માંગી હતી. વર્ષ 2021માં યુવતી અને તેનો પતિ બન્ને દુબઈથી નીકળ્યા હતા. યુવતી અમદાવાદ આવી હતી અને તેનો પતિ દિલ્હી ગયો હતો. તેનો પતિ દુબઈથી નીકળ્યો ત્યારે જણાવ્યું કે દિલ્હી ખાતે કોઈ નોકરી-ધંધો શોધવા જાય છે પરંતુ દિલ્હી ક્યાં રોકાયો હતો તે બાબતે આ યુવતીને જાણ ન હતી.

દિલ્હી નજીક આવેલા એક ગામ ખાતે યુવતીના સાસરી પક્ષના કેટલાક સંબંધીઓ રહેતા હોવાથી તેના પતિએ ત્યાં કામ કરવા જવાનું જણાવ્યું હતું જો કે યુવતીએ દુબઈ અથવા દિલ્હીમાં નોકરી કરવાનું કહેતા તેના પતિએ તેની સાથે ઝઘડો કરી માર માર્યો હતો અને સાસુ સસરા એ સંપૂર્ણપણે યુવતી સાથે વાતચીત કરવાનું બંધ કરી દીધું હતું. નોકરી બાબતે યુવતીએ તેના પિતાને વાત કરતાં યુવતીના પતિને દુબઈમાં એક કંપનીમાં નોકરી શોધી આપી હતી જો કે 15 દિવસ નોકરી કર્યા બાદ ફાવતું ન હોવાથી યુવતીના પતિએ નોકરી છોડી દીધી હતી.

આમ મેટ્રિ મોનિયલ સાઈટ ઉપર યુવક સાથે લગ્ન કર્યા બાદ યુવતિને તેના પતિના ફોટા તથા ખોટું ભણતરનો સર્ટિફિકેટ અને ખોટી આવક દર્શાવી હોવાથી વિશ્વાસઘાત કર્યો હોવાનું જણાતા અને સાસરિયાઓ અવાર નવાર બંગલો મર્સડિસ ગાડી અને દહેજ પેટે કરોડો રૂપિયા માંગી માનસિક શારીરિક ત્રાસ આપવામાં આવતો હતો. જેથી કંટાળીને યુવતીએ આ અંગે મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

(6:50 pm IST)