Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં રાજ્યની 4.25 કરોડની જનતાને મળશે લાભ :1400 કરોડનું માતબર પ્રિમિયમ પણ સરકાર ચૂકવશે

સાણંદમાં રોજગાર દિવસે કાર્યક્રમમાં નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે યુવાનોને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પરિશ્રમ કરવા માટે હાકલ કરી

અમદાવાદ :જિલ્લાના સાણંદ નગરપાલિકા હૉલ ખાતે યુવા રોજગાર દિવસે યુવાનોને સંબોધતા નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ  પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ ગુજરાતમાં વૈશ્વિક કંપનીઓને આમંત્રણ આપી ઉદ્યોગો થકી યુવાનો માટે રોજગાર સર્જન કર્યું છે. તેમણે આરંભેલી વિકાસયાત્રાને અવિરત રાખવાની નેમ વ્યક્ત કરતા કહ્યું કે, ગુજરાત સરકાર કૃષિ અને ઔધોગિક વિકાસના માધ્યમથી મહત્તમ યુવાનોને રોજગાર પૂરું પાડવાના  ધ્યેય સાથે કાર્યરત છે.

નાયબ મુખ્યમંત્રીએ આ અવસરે જણાવ્યું હતું કે, આજનો દિવસ વિશેષ દિવસ છે, કારણ કે રોજગાર દરેકના જીવનનું લક્ષ્ય હોય છે અને રોજગાર થકી જ વ્યક્તિનું તેમ જ પરિવાર જીવન ધોરણ સુધરે છે. ગુજરાતમાં રોજગાર સર્જન અંગે રાજ્ય સરકારના પ્રયાસો સામે વિપક્ષે અપનાવેલા વલણની ઝાટકણી કાઢતા જણાવ્યું હતું કે, જ્યારે નરેન્દ્રભાઈ  મોદીએ વાયબ્રન્ટ સમિટનું આયોજન કર્યું હતું ત્યારે વિરોધીઓ ટીકા કરતા હતા, પણ આજે પરિણામો આપણી સામે છે અને ગુજરાત રોજગાર સર્જનમાં સમગ્ર ભારતમાં અવ્વલ છે.

તેમણે ગુજરાતમાં રોજગાર સર્જન માટેના રાજ્ય સરકારની કટિબદ્ધતા દોહરવાતા જણાવ્યું હતુ કે,ગુજરાત સરકાર યુવાનોને રોજગાર આપવા સંકલ્પબધ્ધ છે. જેના પરિણામે રાજ્યમાં રોજગારની નવી તક ઉપલબ્ધ બનતા બેરોજગારીનો દર ઘટશે. નાયબ મુખ્યમંત્રીએ ઉપસ્થિત યુવાનોને સમૃદ્ધ ભારતના નિર્માણ માટે પરિશ્રમ કરવા માટે હાકલ કરી હતી.

નાયબ મુખ્યમંત્રીએ પત્રકારોના એક પ્રશ્નના જવાબમાં કહ્યું હતું કે, રાજ્ય સરકારે મા કાર્ડ, મા વાત્સલ્ય યોજનાને પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનામાં ભેળવી દીધી છે અને જેના પગલે ગુજરાતની 4.25  કરોડની જનતાને તેનો લાભ મળશે. તેમણે ઉમેર્યું કે આ માટેનું રૂપિયા 1400 કરોડ રૂપિયાનું માતબર પ્રિમિયમ પણ સરકાર ચૂકવશે.

આ કાર્યક્રમમાં  સાણંદના ધારાસભ્ય કનુ પટેલ, ભાજપના પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા,વકફ બોર્ડના સજજાદભાઈ, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પ્રમુખ ઉપરાંત જિલ્લા કલેકટર સંદિપ સાગલે, જિલ્લા વિકાસ અધિકારી અનિલ ધામેલિયા સહિતના મહાનુભાવો અને યુવાનો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.

(8:21 pm IST)