Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

ડેડીયાપાડા જલારામ મંદિરમાં 7 ટન વજન ધરાવતી 11 ફૂટ લાંબી સુતેલા હનુમાનજીની મૂર્તિની રવિવારે પ્રાણપ્રતિષ્ઠા

શનિવારે આખો દિવસ રામધુનનો કાર્યક્રમ યોજાશે આ વિસ્તારોમાં સુતેલા હનુમાનજી ની મૂર્તિ હોઈ તેવો પહેલો પ્રસંગ

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : ડેડીયાપાડા જલારામ બાપા ના મંદિરના પ્રાંગણમાં નવ નિર્માણ કરાયેલ હનુમાનજી મંદિર ખાતે સુતેલા હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠાનો કાર્યક્રમ રવિવારે તારીખ 8 ઓગસ્ટના રોજ રાખવામાં આવ્યો છે.

મળતી માહિતી મુજબ ડેડીયાપાડા ખાતે સાગબારા હાઈવે પર આવેલા જલારામ બાપાના મંદિરના પ્રાંગણમાં નવ નિર્મિત હનુમાનજી મંદિરે સુતેલા હનુમાનજીની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નો કાર્યક્રમ રાખવામાં આવ્યો હોવાનું મંદિરના મહંત શ્રી શ્રી 1008 સુરેન્દ્રદાસજી મહારાજ તરફ થી જણાવવામાં આવ્યું છે

 .જલારામ બાપાનું અહીંનું મંદિર ખૂબ પ્રચલિત છે અને દૂર દૂર થી જલા ભક્તો અહીં દર્શનાર્થે આવતા હોય છે અને તેમની મનોકામના પૂર્ણ થતી હોય છે.ત્યારે હવે આ મંદિરના પ્રાંગણમાં વધુ એક મોરપંખ સમાન પીછું ઉમેરાવા જઇ રહ્યું છે. અહીં નવ નિર્માનાધિન હનુમાનજી મંદિરમાં ખાંસ ચિત્રકૂટ થીં 7 ટન વજન ધરાવતી અને 11 ફૂટ લાંબી સુતેલા હનુમાનજી ની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી રહી છે જેનો રવિવારે પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ રાખવામાં આવ્યો છે.આ મૂર્તિ ખાસ નિર્મોહી અખાડા કામદગીરી મેઈન પ્રમુખ દ્વાર થી લાવવામાં આવી છે.

આમ આ વિસ્તારમાં સુતેલા હનુમાનજી ની મૂર્તિ હોઈ તેવો આ પહેલો પ્રસંગ છે. સુરત, ભરૂચ ,નર્મદા, તાપી, વડોદરા,છોટાઉદેપુર સહિતના જિલ્લામાં કદાચ સુતેલા હનુમાનજી ની મૂર્તિ હોઈ તેવો આ પહેલો પ્રસંગ ડેડીયાપાડા ના જલારામ બાપાના મંદિરના પ્રાંગણમાં રવિવારે પ્રાણપ્રતિષ્ઠા નો મહોત્સવ યોજાવા જઈ રહ્યો છે. અત્રે ઉલ્લેખનીય છેકે આ જલારામ બાપા ના મંદિરે દર અમાસે કન્યા ભોજન પણ કરાવવામાં આવે છે,પરંતુ છેલ્લા બે વર્ષ થી કોરોના ની મહામારીને પગલે હાલ કન્યા ભોજન બંધ છે.તેમજ અહીં નર્મદાજીની પરીક્રમા કરતા સાધુ સંતો સહિતના લોકોને રહેવા સાથે ભોજન ની  પણ વ્યવસ્થા કરવામાં આવે છે. બારેમાસ અહીથી પસાર થતા નર્મદાની પરિક્રમા કરતા લોકોને અહીં ખુબજ પ્રેમભાવ પૂર્વક ભોજન પીરસવામાં આવતું હોય છે.
ત્યારે હવે આ જલારામ બાપાના મંદિર ખાતે રવિવારે સુતેલા હનુમાનજી ની મૂર્તિની પ્રાણપ્રતિષ્ઠા નો કાર્યક્રમ અને શનિવારે તારીખ 7/8 /21 ના રોજ સમગ્ર દિવસ દરમ્યાન રામધૂન નો કાર્યક્રમ યોજવામાં આવશે જેમાં જલા બાપાના ભક્તો સાથે હનુમાનજી ના ભક્તો પણ લાભ લેશે.

 

(10:08 pm IST)