Gujarati News

Gujarati News

News of Friday, 6th August 2021

DPS ઇસ્ટ સ્કૂલના મુદ્દે હવે વાલીઓ શાળાની પડખે : શાળાની અપીલ અંગે વહેલી તકે નિર્ણય લેવા રજૂઆત

પ્રાથમિક શિક્ષણ નિયામકને મળી સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાથી ખુશ હોવાનું અને આ જ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતા હોવાનું પણ જણાવ્યું

  અમદાવાદ : ડીપીએસ ઇસ્ટ સ્કૂલના મુદ્દે હવે વાલીઓ શાળાની પડખે આવી હોય તેમ જણાય છે. વાલીઓ દ્વારા શુક્રવારે પ્રાથમિક શિક્ષણ નિયામકને મળી શાળાની અપીલ અંગે વહેલી તકે નિર્ણય લેવા માટે રજૂઆત કરી હતી. ઉપરાંત સ્કૂલના વાલીઓ અને વિદ્યાર્થીઓ શાળાથી ખુશ હોવાનું જણાવી આ જ સ્કૂલમાં અભ્યાસ કરવા માંગતા હોવાનું પણ જણાવ્યું હોવાનું જાણવા મળ્યું છે. આમ, હવે શાળાના વાલીઓ દ્વારા સ્કૂલ ચાલુ રહે તે માટેના પ્રયાસો શરૂ કરવામાં આવ્યા હોવાનું જણાય છે.

   DPS ઈસ્ટ સ્કૂલને બંધ કરવા માટે નોટીસ અપાયા બાદ સુનાવણી પણ રાખવામાં આવી હતી. ત્યાર બાદ DPEO દ્વારા સ્કૂલને રૂ. 1 લાખનો દંડ અને નિયમનું ઉલ્લંઘન ચાલુ રાખે તો રોજના રૂ. 10 હજાર પ્રમાણે દંડ ફટકારવાની જાહેરાત કરી હતી. શાળા દ્વારા પ્રાથમિક શાળા અંગેની દરખાસ્ત DPEO દ્વારા નામંજુર કરાયા બાદ શાળા દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરીમાં અપીલ કરવામાં આવી હતી. જે હાલમાં પડતર છે. આ મુદ્દે શાળાનું વાલી મંડળ પ્રાથમિક શિક્ષણ નિયામકને મળ્યું હતું

  DPS ઈસ્ટ સ્કૂલના વાલીઓનું મંડળ શુક્રવારે રાજ્યના પ્રાથમિક શિક્ષણ નિયામક એમ.આઈ. જોષીને મળવા માટે પહોંચ્યું હતું. જ્યાં વાલી મંડળ દ્વારા શાળાની માન્યતા અંગેની અપીલ પડતર છે તે અંગે ઝડપથી નિર્ણય લેવા માટે રજૂઆત કરી હતી. વાલીઓની રજૂઆતના પગલે પ્રાથમિક શિક્ષણ નિયામક દ્વારા પણ બને તેટલું જલદી નિર્ણય લેવામાં આવશે તેવું આશ્વાસન આપવામાં આવ્યું હતું

  વાલી મંડળ દ્વારા પ્રાથમિક શિક્ષણ નિયામકને કરવામાં આવેલી રજૂઆતમાં જણાવાયું હતું કે, હવે ઘણો જ સમય થઈ ગયો હોવાથી બાળકોના ભવિષ્યને ધ્યાનમાં રાખીને સરકારે બને તેટલો જલદી નિર્ણય લેવો જોઈએ. શાળાઓ આ વર્ષ માટે વાલીઓ પાસેથી કોઈ ફી ઉઘરાવી નથી કે નવું એડમિશન પણ લીધું નથી. કોરોના મહામારીને ધ્યાને લઈ શાળાએ બાળકોનું ભણતર ચાલુ રાખ્યું હતું અને સરકારને જાણ પણ કરી હતી.

   બાળકો અને વાલીઓ શાળાના ભણતરથી અને ગુણવત્તાથી ખુશ છે અને સંતુષ્ટ છે તેમજ બાળકો તેમની હાલની શાળામાં જ ભણવા માંગે છે તેમ પણ રજૂઆતમાં જણાવાયું હતું. જેથી નિર્ણય લેવામાં જેટલું મોડુ થાય તેમાં બાળકોનું જ નુકશાન રહેલું હોવાથી શાળાની અપીલ અંગે તાકીદે નિર્ણય લેવામાં આવે તેવી રજૂઆત પેરેન્ટ્સ એસોસીએશન દ્વારા કરવામાં આવી હતી.

 

(12:01 am IST)