Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

વિસનગરમાં ભૂગર્ભ ગટરમાં ખાબકેલી બાળકીનું મોત: તંત્રની ઘોર બેદરકારીએ માસુમ બાળકીનો ભોગ લીધો

બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી

વિસનગરના શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ખાબકી હતી. રાજ્યના આરોગ્ય મંત્રીના નિવાસસ્થાન નજીક આ ઘટના બની હતી. બાળકીને શોધવા માટે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું. પરંતુ દુર્ભાગ્યવશ કલાકોની જહેમત બાદ પણ બાળકીને બચાવી શકાઈ નથી. પાલિકાની ઘોર બેદરકારીએ એક સાત વર્ષની બાળકીનો જીવ લીધો હતો.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, આરોગ્યમંત્રીના નિવાસ સ્થાનેથી થોડે દૂર શુકન હોટલ આગળ ખુલ્લી ભૂગર્ભ ગટરમાં 7 વર્ષની બાળકી ગટરની લાઈનમાં ફસાઈ હતી. આ ઘટનાને પગલે તંત્ર દ્વારા ભારે જહેમત ઉઠાવી રેસ્ક્યૂ કામગીરી હાથ ઘરવામાં આવી હતી. જો કે, બે કલાકની ભારે જહેમત બાદ બાળકીને બચાવી શકાઈ નથી. ભૂગર્ભ ગટરમાં બાળકીની હાલત ગંભીર થતી જઈ રહી હતી. અંતે પાલિકાના પાપે માસૂમે પોતાનો જીવ ખોયો હતો. આ ઘટનામાં બાળકીને બહાર કાઢીને તેને તાત્કાલિક 108 મારફતે હોસ્પિટલ સારવાર માટે ખસેડવામાં આવી હતી.

ઘટનાને પગલે લોકોના ટોળે ટોળાં વળ્યાં હતા અને બાળકીને રેસ્ક્યુ કરવાની કામગીરી કરવામાં આવી હતી. બાળકી વરસાદી પાણીમાં ફસાઈ ગઈ હતી, જેને રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું. બાળકીને શોધવા પોલીસ તંત્ર, નગરપાલિકા સહિતની ટીમો કામો લાગી હતી. એટલું જ નહીં, જેસીબી ઉપરાંત એક ક્રેઈન, 108 અને ફાયર વિભાગે પણ ભારે જહેમત ઉઠાવી હતી.

ફાયરની ટીમે બાળકીને બહાર કાઢવા માટે પ્રયાસો હાથ ધર્યા હતા. વરસાદ ચાલુ હોવાથી ગટર લાઈનમાં ફૂલ પાણી ચાલુ હતું તેમ છતાં કામગીરી ચાલુ રાખવામાં આવી હતી. છેલ્લા બે કલાકથી બાળકી ફસાઈ હતી, જે અંતે મળી આવી હતી. ઘટનાને પગલે રોડ તોડવાની પણ કામગીરી કરવામાં આવી હતી. જો કે સમગ્ર ઘટનાને પગલે પાલિકાની ઘોર બેદરકારી સામે આવી હતી

(9:47 pm IST)