Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

નર્મદા જિલ્લા પંચાયતનામાં ટીબીના દર્દીઓને 700 ન્યૂટ્રિશિયન કિટ્સ આપવામાં આવી

--વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત વર્ષ-૨૦૨૫ ના લક્ષ્યને સાકાર કરવા નર્મદા જિલ્લા આરોગ્ય અને ક્ષય વિભાગની ટીમે દાખવેલી પ્રતિબધ્ધતા: મન:સૃષ્ટિ ચેરીટેબલ ટ્રષ્ટ વડોદરા દ્વારા ONGC ની CSR એક્ટિવિટી અંતર્ગત નર્મદા જિલ્લાના ટીબીના ૭૦૦ દર્દીઓને પોષણયુક્ત ખોરાક માટેની કિટ્સ આપવાનો નક્કી કરાયેલો લક્ષ્યાંક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીએ વર્ષ-૨૦૨૫ સુધીમાં સમગ્ર ભારત વર્ષને ટીબી મુક્ત બનાવવાનું લક્ષ્ય સમગ્ર દેશવાસીઓને આપ્યું છે, ત્યારે નર્મદા જિલ્લામાં પણ ટીબીના દર્દીઓને યોગ્ય સમયે દવાઓ અને નિયમિતપણે યોગ્ય પોષણયુક્ત ખોરાક મળી રહે તે દિશામાં જિલ્લા વહિવટીતંત્ર અને જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા સતત પ્રયત્નો કરવામાં આવી રહ્યાં છે. જે અંતર્ગત “એસ્પિરેશનલ ડિસ્ટ્રિક્ટ” નર્મદા જિલ્લામાં હાલમાં વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓ,  કંપનીના CSR પ્રોજેક્ટ અંતર્ગત કાર્યક્રમો કરવામાં આવી રહી છે. જિલ્લા પંચાયતના સભાખંડ ખાતે જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલામ્બરીબેન પરમારની અધ્યક્ષતામાં ટીબીના દર્દીઓને કિટ્સ વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો.

   કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના કેન્દ્રીય મંત્રી મનસુખભાઇ માંડવીયાએ ૧૪ મી સ્વાસ્થ ચિંતન શિબિરમાં ટીબીના દર્દીઓને પોષણયુક્ત આહારની કિટ્સ મળી રહે તે માટે દિશાસૂચન આપતાં ગુજરાતના આરોગ્ય પરિવાર અને તબીબી શિક્ષણમંત્રી ઋષિકેશભાઇ પટેલે કેન્દ્રીય આરોગ્યમંત્રીના આહ્વાનને સ્વીકાર્યુ તેને આગળ ધપાવતા નર્મદા જિલ્લામાં આરોગ્ય વિભાગ અને સ્વૈચ્છિક સંસ્થા મન:સૃષ્ટિ ચેરિટેબલ ટ્રષ્ટ-વડોદરાએ ONGC ના CSR ફંડમાંથી ટીબીના દર્દીઓને ન્યૂટ્રિશિયન  કિટ્સ મળી રહે તે માટેના પ્રયાસો હાથ ધર્યાં છે. જે અંતર્ગત જિલ્લામાં ૭૦૦ દર્દીઓને કિટ્સ મળી રહે તે માટે મન:સૃષ્ટિ ચેરિટેબલ ટ્રષ્ટ દ્વારા કિટ્સની વ્યવસ્થા કરવામાં આવી છે. ન્યૂટ્રિશિયન કિટ્સ વિતરણના પ્રારંભના ભાગરૂપે આજે જિલ્લા પંચાયતના સભાખંડમાં ૧૫ લાભાર્થીઓને ન્યૂટ્રિશિયન કિટ્સનું વિતરણ કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ઉપસ્થિત જિલ્લા આરોગ્ય સમિતિના ચેરમેન નિલામ્બરીબેન પરમારે જણાવ્યું હતું કે, વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના ટીબી મુક્ત ભારત-૨૦૨૫ ના આહ્વાનને સાકાર કરવા માટે આપણે સૌ સાથે મળીને આગળ આવી સહિયારા પ્રયાસ કરીએ. હાલમાં  જિલ્લા આરોગ્ય વિભાગની ટીમ દ્વારા આ દિશામાં ખૂબ સારી કામગીરી કરવામાં આવી રહી છે. આ દિશામાં કામ કરી રહેલી સ્વૈચ્છિક સંસ્થાઓને સાથે રાખી CSR એક્ટિવિટી અંતર્ગત ટીબીના દર્દીઓને યોગ્ય પોષણક્ષમ ખોરાક મળી રહે અને તંદુરસ્ત જીવન જીવી શકે તે દિશામાં આગળ આવી કાર્ય કરવા આહ્વન કર્યું હતું. તેમણે એમ પણ કહ્યું કે, ટીબી હઠીલો રોગ છે પણ તેની યોગ્ય રીતે સારવાર થાય તો તેને જડમૂળથી હટાવી શકાય છે. તેની માટે સરકારની અનેક યોજનાઓ પણ અમલી છે જેનો દર્દીઓને યોગ્ય રીતે લાભ મળે તે દિશામાં સૌએ કામ કરવું જોઇએ તેમ તેમણે ઉમેર્યું હતું
ટીબીના દર્દીઓને ન્યૂટ્રિશિયન કિટ્સ વિતરણના કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અને ટીબીના રોગને હરાવી ચૂકેલા યુવાનોએ પણ પોતે આ રોગને કેવી રીતે હરાવ્યો અને આજે અન્ય લોકો માટે ટીબી ચેમ્પિયન તરીકે કેવી રીતે કામગીરી કરી અન્ય દર્દીઓ માટે પ્રેરણા પુરી પાડે છે તેની માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.કે.પી. પટેલ, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.અનિલભાઇ વસાવા, જિલ્લા ક્ષય અધિકારી ડૉ.ઝંખનાબેન વસાવા, જિલ્લા અયોજન અધિકારી અને CSR ના નોડલ ઓફિસર એસ.એસ. પાંડે, રિસર્ચ ઓફિસર એ.આર.શેખ, મન:સૃષ્ટિ ચેરીટેબલ ટ્રષ્ટ વડોદરાના પ્રમુખ ચંદ્રશેખર એન. પિલ્લાઇ, નાંદોદ અને ગરૂડેશ્વર તાલુકાના આરોગ્ય અધિકારી ડૉ.કે. એસ.સુમન, આરોગ્ય વિભાગના અધિકારી/કર્મચારીઓ અને લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યાં હતાં.

(10:58 pm IST)