Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

અમદાવાદની ખાનગી હોસ્‍પિટલોનો ૪ વીમા કંપનીઓ સામે મોરચો : ‘કેશલેસ' બંધ

૩૦૦થી વધુ હોસ્‍પિટલો જોડાતા દર્દીઓને હાલાકી પડશે : ૮ થી ૧૫ ઓગસ્‍ટ દરમિયાન કેશલેસ સુવિધા બંધ કરવાની જાહેરાત : ચાર્જમાં વધારો કરવા સહિતના મુદ્દે ઘર્ષણ

અમદાવાદ તા. ૬ : અમદાવાદની ૩૦૦થી વધુ ખાનગી હોસ્‍પિટલો દ્વારા આગામી ૮ થી ૧૫ ઓગસ્‍ટ દરમિયાન જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓની કેશલેસ સુવિધા સ્‍થગિત રાખવામાં આવશે. જાહેરક્ષેત્રની  વીમા કંપનીઓ જેમના આરોગ્‍ય વીમા ધારકોને કેશલેસ સુવિધા સ્‍થગિત કરવામાં આવશે તેમાં ધી ન્‍યૂ ઈન્‍ડિયા એશ્‍યોરન્‍સ, નેશનલ ઈન્‍સ્‍યોરન્‍સ, યુનાઇટેડ ઈન્‍ડિયા ઈન્‍સ્‍યોરન્‍સ અને ધી ઓરિએન્‍ટલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીનો સમાવેશ થાય છે.

અમદાવાદ હોસ્‍પિટલ્‍સ એન્‍ડ નર્સિંગ હોમ્‍સ એસોસિયેશન (આહના)ના પ્રતિનિધિએ જણાવ્‍યું છે કે, ‘છેલ્લા કેટલાક મહિનાથી અનેકવાર જાહેર ક્ષેત્રની વીમા કંપનીઓને રજૂઆત કરવા છતાં પ્રશ્નોનો નીવેડો નહીં આવતા આ કંપનીઓના આરોગ્‍ય વીમાધારકોની કેશલેસ સુવિધા સ્‍થગિત રાખવાનો નિર્ણય લેવામાં આવ્‍યો છે. જાહેર ક્ષેત્રની ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓના પ્રતિભાવથી એમ જણાય છે કે તેમને હોસ્‍પિટલો કે તેમના વીમાધારકોની કોઇ પરવા નથી. આ સમસ્‍યાઓ સતત વધી રહી છે. આહના દ્વારા દર્દીઓ જે જાહેરક્ષેત્રની કંપનીના વીમા ધારકો છે તેમને સારી સુવિધાઓ મળે તે બાબતે વારંવાર રજૂઆત કરવામાં  આવી છે. આ ઉપરાંત ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીઓ દ્વારા હોસ્‍પિટલો સાથે કરેલા એમઓયુમાં છેલ્લા ઘણા વર્ષથી ચાર્જમાં કોઇ રીવિઝન કરવામાં આવ્‍યો નથી.'

આ ઉપરાંત આહનાના પ્રેસિડેન્‍ટ ડો. ભરત ગઢવીએ જણાવ્‍યું કે, ‘કેટલીક સર્જરી તેમજ પ્રોસિજર માટે ઈન્‍સ્‍યોરન્‍સ કંપની દ્વારા ફિક્‍સ ચાર્જીસ નક્કી કરવામાં આવ્‍યા છે. જેમાં ડાયાબિટિસ, હૃદયરોગ જેવી કોમોર્બિડિટીને ધ્‍યાનમાં લેવામાં આવી નથી. આ ઉપરાંત ચાર્જીસ ખૂબ ઓછા લેવાથી ગુણવત્તાયુક્‍ત સારવાર આપી શકાય એમ નથી. જે હોસ્‍પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષથી રીવાઝઇઝ કરવામાં આવ્‍યા નથી તે ચાર્જીસ હેલ્‍થ ઈન્‍ફેક્‍શન ઈન્‍ડેક્‍સ પ્રમાણે ૬ દર વર્ષે પ્રમાણે વધારી  આપવામાં આવે તેવી પણ તમામ ખાનગી હોસ્‍પિટલ્‍સ-નર્સિંગ હોમ્‍સની માગ છે. તમામ હોસ્‍પિટલોને નેટવર્કમાં સામેલ થવા અમારો અનુરોધ છે.'(૨૧.૬)

આહનાની જાહેર ક્ષેત્રની કંપની સમક્ષ કયા પ્રશ્ને રજૂઆત?

 કોમ્‍પલેક્‍સ સર્જરીમાં ઈક્‍વિપમેન્‍ટના ચાર્જીસ, એડવાન્‍સ નિદાન માટેના ચાર્જીસ, કેન્‍સર જેવી બિમારીના તાજેતરની સારવારના નાણા કાપવા, ક્‍લેઈમ માટે બિનઆવડત ધરાવતા સ્‍ટાફ દ્વારા બિનજરૂરી સવાલ ઉભા કરીને વીમાના નાણા ચૂકવણીમાં વિલંબ કરવો.

 હોસ્‍પિટલોના ક્‍લેઈમ્‍સમાં ખોટી રીતે નાણા કાપવા. હોસ્‍પિટલ એમ્‍પેન્‍લમેન્‍ટમાં પારદર્શક્‍તાનો અભાવ.

 ફરિયાદ નિવારણ માટે એસપીઓસી વિન્‍ડો, પ્રદાતાઓના ફરિયાદ નિવારણ માટે સિંગલ પોઇન્‍ટ સંપર્ક જરૃરી.

      જે હોસ્‍પિટલોના ચાર્જ છેલ્લા કેટલાક વર્ષથી વધારાયા નથી તે ચાર્જીસ હેલ્‍થ ઈન્‍ફેક્‍શન ઈન્‍ડેક્‍સ પ્રમાણે ૬ ટકા દર વર્ષ પ્રમાણે વધારી આપવામાં આવે.

(12:01 pm IST)