Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

આણંદના શાસ્ત્રીબાગ વિસ્તારમાં બેંકમાં સિક્યુરિટી ગાર્ડે યુવક પર ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામ્યો

આણંદ : આણંદ શહેરના શાસ્ત્રીબાગ નજીક આવેલ બારદાનવાલા કોમ્પ્લેક્સ ખાતેની બેન્ક ઓફ બરોડાની બ્રાન્ચમાં શુક્રવારે બપોરના સુમારે સર્જાયેલી ફાયરીંગની ઘટનાથી સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. બેંક શાખાના સિક્યુરિટી કર્મચારીએ એક યુવક ઉપર બેંકમાં જ ફાયરીંગ કરતા ગંભીર રીતે ઘવાયેલ શખ્સને તુરત જ કરમસદની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયો હતો. જ્યારે બીજી તરફ ફાયરીંગ કરનાર સિક્યુરિટી કર્મચારીને આણંદ શહેર પોલીસે બેંક ખાતેથી ઝડપી પાડી વધુ તપાસ હાથ ધરી હતી.

વધુમાં મળતી માહિતી મુજબ આણંદ શહેરના શાસ્ત્રીબાગ નજીક આવેલ બારદાનવાલા કોમ્પલેક્ષ ખાતે બેંક ઓફ બરોડાના બ્રાન્ચ આવેલી છે. આજે સવારના સુમારે બેંકની કામગીરી રાબેતા મુજબ શરૂ થઈ હતી. કરમસદ ખાતે રહેતા અને બેંકમાં સિક્યુરિટી તરીકે ફરજ બજાવતા રમેશભાઈ જગમલભાઈ વારૂ આજે રાબેતા મુજબ પોતાની ફરજ ઉપર આવ્યા હતા. દરમ્યાન બપોરના બે કલાકની આસપાસના સુમારે તેઓ પોતાની ફરજ ઉપર હાજર હતા ત્યારે આણંદ શહેર ખાતે રહેતા દીપેન બળદેવભાઈ રબારી (રહે.સાઈંબાબા મંદિર નજીક, રબારીવાસ) બેંકના કામકાજ અર્થે શાખા ખાતે ગયા હતા. જ્યાં પૈસાની લેતી-દેતી બાબતે રમેશભાઈ વારૂ અને દીપેન રબારી વચ્ચે તકરાર થઈ હતી. દરમ્યાન આ મામલો વધુ ઉગ્ર બનતા ફરજ પર હાજર સિક્યુરિટી કર્મચારી રમેશભાઈ વારૂએ પોતાની પાસે રાખેલ બંદૂકમાંથી ફાયરીંગ કર્યું હતું. જેથી દિપેનભાઈ રબારીને ગળા તેમજ છાતીના વચ્ચેના ભાગમાં ગોળી વાગતા ગંભીર  ઈજાઓ પહોંચી હતી. ભરબપોરના સુમારે બેંકની શાખા ખાતે સર્જાયેલ આ ફાયરીંગની ઘટનાને લઈ ભારે અફરાતફરા મચી હતી અને બેંકના કર્મચારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. 

(5:10 pm IST)