Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સુરતના સરથાણા વિસ્તારમા 21 વર્ષીય યુવાનને હનીટ્રેપમાં ફસાવી અજાણ્યા સખ્સોએ 50 હજાર પડાવી લેતા પોલીસ ફરિયાદ

સુરત: શહેરના સરથાણા વિસ્તારમાં રહેતા અને એન્જીનીયરીંગનો અભ્યાસ કરતા 21 વર્ષીય યુવાનને ઓનલાઈન હનીટ્રેપમાં ફસાવી મહિલા સહિત અજાણ્યાઓએ રૂ.50 હજાર પડાવ્યાની ફરિયાદ સરથાણા પોલીસ મથકમાં નોંધાઈ છે. 

પોલીસ સૂત્રો દ્વારા પ્રાપ્ત થતી વિગતો મુજબ સુરતના સરથાણા સીમાડા નાકા ખાતે નીલકમલ મોલ પાસે રહેતો 21 વર્ષીય કુશ ( નામ બદલ્યું છે ) બી,ટેક. એન્જીનીયરીંગનો અભ્યાસ કરે છે. ગર 16 જુલાઈની સાંજે 4.30 વાગ્યે તે ઘરે હાજર હતો ત્યારે તેના વ્હોટ્સએપ પર અજાણ્યા નંબર પરથી મેસેજ આવ્યો હતો અને બાદમાં એક વિડીયો કોલ આવ્યો હતો.તેમાં એક મહિલા નજરે ચઢી હતી અને થોડીવારમાં ફોન કટ થઈ ગયો હતો. તેની થોડી મિનિટો બાદ તેનું ફેસબુક મેસેન્જર પણ હેક થઈ ગયું હતું.એક વ્યક્તિએ તેને વ્હોટ્સએપ પર મેસેજ કર્યો હતો કે હું તારો અશ્લીલ વિડીયો તારા સંબંધીઓને મોકલીશ. તેણે કુશના કાકા અને દાદાના મોબાઈલ નંબર અને નામ સાથેનો સ્ક્રીનશોટ પણ મોકલ્યો હતો.

તે વ્યક્તિએ અશ્લીલ વિડીયો ડીલીટ કરવા માટે રૂ.15 હજાર માંગતા કુશે મિત્રના ગુગલ પે થી મોકલી આપ્યા હતા.તેની થોડી વારમાં ફરી તે વ્યક્તિએ વ્હોટ્સએપ ફોન કરી વિડીયો ગેલેરીમાંથી ડીલીટ કરવા બીજા રૂ.20 હજાર માંગતા કુશે મિત્રના ગુગલ પે થી મોકલી આપ્યા હતા.બીજા દિવસે ફરી તે વ્યક્તિએ વ્હોટ્સએપ કોલ કરી વિડીયો રિસેન્ટમાંથી ડીલીટ કરવા વધુ રૂ.15 હાજર માંગતા કુશે તે પણ મોકલ્યા હતા. રૂ.50 હજાર આપનાર કુશ પાસે ફરી તે વ્યક્તિએ વધુ રૂ.5 હજારની માંગણી કરતા છેવટે કુશે ગતરોજ સરથાણા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી.

(5:10 pm IST)