Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

સુરતમાં અગાઉ પાંડેસરાની આઠ વર્ષીય બાળકીનું અપહરણ કરી જાતીય હુમલો કરનાર નરાધમને અદાલતે ચાર વર્ષની સખ્તકેદની સુનવણી કરી

સુરત : શહેરમાં ચાર વર્ષ પહેલાં પાંડેસરા વિસ્તારની આઠ વર્ષની બાળકીનું અપહરણ કરી માર મારીને જાતીય હુમલો કરી પોક્સો એક્ટનો ભંગ કરનાર આરોપી યુવાનને આજે પોક્સો કેસોની ખાસ અદાલતના એડીશ્નલ સેશન્સ જજ ઉપેન્દ્ર એમ.ભટ્ટે તમામ ગુનામાં દોષી ઠેરવી અપનયન કરવાના ગુનામાં ચાર વર્ષની સખ્તકેદ,500 દંડ ન ભરે તો વધુએક માસની કેદની સજા ફટકારી છે.જ્યારે  ભોગ બનનારને 1 લાખનું વળતર ચુકવવા હુકમ કર્યો છે.મૂળ ઉત્તરપ્રદેશના બારાબંકી જિલ્લાના વતની તથા પાંડેસરા ખાતે ક્ષેત્રપાળ સોસાયટીમાં રહેતા 25 વર્ષીય મોહમદ ફુરકાન ઉર્ફે સલમાન નુર મોહમદ ભુલાન ગઈ તા.6-12-17ના મોડી રાત્રે  પોતાની નજીકમાં રહેતી આઠ વર્ષીય બાળકીનું અપહરણ કરી ખાડી કિનારે લઈ ગયો હતો. અને બાળકીને ગળે,નાક તથા ગાલ પર બચકાં ભરીને તેની સાથે સૃષ્ટિ વિરુધ્ધનું કૃત્ય આચરી જાતીય  હુમલો કર્યો હતો. બાળાની માતાએ આરોપી વિરુધ્ધ પાંડેસરા પોલીસમાં ફરિયાદ નોંધાવતા આરોપીની પોક્સો એક્ટના ભંગ સહિત અન્ય ગુનામાં ધરપકડ કરાઇ હતી.આજે આ કેસની અંતિમ સુનાવણી ચાલી જતાં કોર્ટે આરોપીને તમામ ગુનામાં દોષી ઠેરવ્યો હતો. બચાવપક્ષે આરોપીની માતા પારકા ઘરના કામ કરીને ગુજરાન ચલાવે છે. સજા કરવાનો હેતુ આરોપીને સમાજમાં ફરીથી વિસ્થાપિત થઈ શકે તેના માટેનો છે. હાલના ગુનામાં આરોપીનો ઈરાદો જણાતો ન હોઈ તેના વર્તન- વલણમાં ફેરફાર થઈ શકે તે માટે મહત્તમ કરતાં ઓછી સજા કરવા માંગ કરી હતી. જેના વિરોધમાં સરકારપક્ષે એપીપી જીતેન્દ્ર પારડીવાલા જણાવ્યું હતું કે આરોપી વિરુધ્ધ દુનિયાદારીની જાણકારી ન ધરાવતી કુમળી વયની બાળકી સાથે કે જાતીય સતામણી કરી ગંભીર ગુનો આચર્યો હોઈ સજામાં રહેમ કે દયા રાખવાને બદલે મહત્તમ સજા કરવી જોઇએ.  જેને કોર્ટે માન્ય રાખી આ પ્રકારના વધતાં જતાં ગુના માનવતા અને ભદ્ર સમાજ માટે ખતરાની ઘંટડી સ્વરૃપ હોઈ આરોપી કોઈ પણ દયાને પાત્ર ન હોવાનો નિર્દેશ આપ્યો છે.

(5:11 pm IST)