Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

મહેસુલ મંત્રીએ ધારાસભ્ય કેસરીસિંહને જોઇને કહ્યું -તમે ક્યાંથી આવી ગયા ?? : તમને કીધું નથી તો પણ કેમ આવી જાવ છો.

જાહેરમાં જ માતરના ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું અપમાન કર્યું હોવાનો વિડિઓ વાયરલ

વડોદરા : રાજ્યના મહેસૂલ મંત્રી તેમના સખત તેવરના કારણે જાણીતા છે. આજે આ વાતની વધુ એક વખત પ્રતિતી કારવે તેવી ઘટના આજે સામે આવી છે. રસોર્ટમાંથી જૂગારકાંડમાં ઝડપાયેલા ભાજપના ધારાસભ્ય કેસરીસિંહ ભારે વગોવાયા હતા. આજે માતરમાં મહેસુલ મંત્રીએ કેસરીસિંહને જોઇને પહેલી પ્રતિક્રિયા આપી કે, તમે ક્યાંથી આવી ગયા?? તમને કીધું નથી તો પણ કેમ આવી જાવ છો.

આજે રાજ્યના મહેસુલ પ્રધાન રાજેન્દ્ર ત્રિવેદીએ માતર મામલતદાર કચેરીની મુલાકાત લીધી હતી. આ તકે માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી મહેસુલ પ્રધાનનું સ્વાગત કર્યુ હતું પરંતુ કેસરીસિંહ સોલંકીને જોઇ મહેસુલ પ્રધાન નારાજ દેખાયા હતા. મહેસુલ પ્રધાને જાહેરમાં જ માતરના ભાજપના જ ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીનું અપમાન કર્યુ હોય તેવો વિડીયો પણ સામે આવ્યો છે

વિડીયોમાં જોઇ શકાય છે કે મહેસૂલમંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ગાડીમાંથી ઉતરે છે તો નેતાઓ બુકે લઇને સ્વાગત કરે છે. એવામાં માતરના ધારાસભ્ય કેસરીસિંહ સોલંકી બુકે આપે છે. ત્યારે મહેસૂલ મંત્રી કહે છે કે તમે ક્યાંથી આવી ગયા?? ત્યારે કેસરીસિંહ હસવા લાગે છે. પછી મહેસૂલ મંત્રી કહે છે કે તમને કીધું નથી તો પણ કેમ આવી જાવ છો.

આ બાબતે માતરનાં ધારાસભ્ય કેસરીસિંહ સોલંકીએ મિડીયા સાથે વાત કરી હતી ત્યારે તેમણે પાર્ટીનો પક્ષ રાખતા જણાવ્યુ હતુ કે આજે રાજ્યનાં મહેસૂલ મંત્રી માતર મામલતદાર કચેરીએ મુલાકાતે આવ્યા હતા. કાલે મને ઓફીસ તરફથી જાણ થઇ હતી કે કાલે મહેસૂલ મંત્રી આવવાના છે. પરંતુ હું છેલ્લા ત્રણ દિવસથી મારા કામથી દિલ્હી હતો. હુ આજે આવવાનો હતો પરંતુ રાત્રે ઘરે પહોંચી ગયો હતો એટલે સવારે હું અહીં આવ્યો. સાહેબનો કહેવાનો મતલબ એ હતો કે ઓફીશીયલી તમને જાણ કરવામાં આવી હતી ત્યારે દિલ્હી હતા તો પછી અત્યારે અહીં કેમ ના...એટલે એમનો કહેવાનો મતલબ એ હતો કે અચાનક કેમ અહીં ..તો મેં કહ્યુ સાહેબ રાત્રે હું આવી ગયો હતો.

 

તમને બોલાવ્યા ન હતા તો પણ કેમ આવ્યા છો તેવા રાજેન્દ્ર ત્રિવેદીના સવાલ પર પૂછતા જણાવ્યુ હતુ કે ના..ના એવું કંઇ હતુ નહીં. પાર્ટી તરફથી એવું નક્કી કરવામાં આવ્યુ હતુ કે સર્કીટ હાઉસમાં સંગઠન અને ટીમ સાથે કેન્દ્ર કે રાજ્યના કોઇ પણ મંત્રી આવ્યા હોય કે પ્રભારી હોય અમે ટીમ સાથે તેમનું સ્વાગત કરતા હોઇએ છીએ. આજે વહેલા આવી હતો એટલે અમે ત્યાં ઉભા રહ્યા એમનો કહેવાનો મતલબ એ હતો ..પાર્ટી તરફથી એવું કંઇ છે નહીં.

 

 

કેન્દ્રનાં ગૃહમંત્રી અમિત શાહ આવ્યા અને ભાજપનાં કોઇ પણ કાર્યક્રમમાં મોટાભાગે તમારી ગેરહાજરી કેમ જોવા મળે છે.તમામ ધારાસભ્ય હોય છે તમારી ગેરહાજરી શા માટે... આ સવાલનાં જવાબમાં જણાવ્યું હતું કે જયારે અમિત શાહ આવ્યા ત્યારે મારા મત વિસ્તારની અંદર ખેડા હેડક્વાર્ટ દ્વારા એક હજાર આવાસોના લોકાર્પણનાં કાર્યક્રમમાં મારે રોકાવાનું હતુ. એટલે હું નડિયાદ અમિતભાઈ  શાહનાં કાર્યક્રમમાં આવ્યો ન હતો. સીએમ સાહેબ નડિયાદમાં આવ્યા હતા એ મને ખ્યાલ હતો પરંતુ મહાગુજરાત હોસ્પિટલ દ્નારા એ કાર્યક્રમ એમનો પોતાનો હતો. અમારો કોઇ સરકારી કાર્યક્રમ ન હતો. અને અમારી પાર્ટી કાર્યાલયમાં બેઠક હતી. એ બેઠકમાં પણ હું ઉપસ્થિત હતો.

અત્રે ઉલ્લેખનીય છે કે જિલ્લામાં મહત્વના કાર્યક્રમોમાં કેસરીસિંહને દૂર રાખવામાં આવે છે. થોડા સમય પહેલા પંચમહાલના શિવરાજપુરમાં જિમીરા રિસોર્ટમાં જુગાર કેસમાં સજા પડ્યા બાદ સરકારી કાર્યક્રમોમાં કેસરીસિંહને દૂર રાખવામાં આવે છે. તેની સાથે કેસરીસિંહ સામે સ્થાનિક પોલીસ સાથે પણ વલણ ઠીક નહિ હોવાનું સામે આવ્યું હતું. કેસરીસિંહ સાથે અનેક વાદ-વિવાદ જોડાતા એક તરફથી પાર્ટી દ્વારા તેમનાથી સલામત અંતર રાખવામાં આવતું હોવાનું અંદરખાને ચર્ચાઇ રહ્યું છે. કેસરીસિંહને આગામી વિધાનસભાની બેઠકમાં ટીકીટ મળે છે કે નહિ તે જોવું રહ્યું. કેસરીસિંહની ખેડા કમલમમાં સુચક ગેરહાજરીની નોંધ ઉચ્ચસ્તરે લેવામાં આવી રહી હોવાનું સ્થાનિક સુત્રોએ જણાવ્યું છે

(12:32 am IST)