Gujarati News

Gujarati News

News of Saturday, 6th August 2022

હિંમતનગરના વૃધ્ધ સાથે ક્રેડીટ કાર્ડના કુરીયરની ડિલીવરી કરવાના બહાને ફોન કરી લાખોની ઠગાઈ

રૂ.૯,૭૮,૭૩૧ બેંક ખાતામાંથી ટ્રાન્સફર કરીને ઓનલાઇન છેતરપીંડી કરી

 

હિંમતનગર :  રાજ્યમાં ઠેર ઠેર ઓનલાઇન છેતરપીંડીના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે હિંમતનગરના જનકપુરી સોસાયટીમાં રહેતા એક વૃધ્ધને ક્રેડીટ કાર્ડના કુરીયરની ડિલીવરી કરવાના ખોટા બહાને ફોન કરી વિશ્વાસમાં લઇ બેંકની માહિતી તથા ઓટીપી પાસવર્ડ મેળવી જુદા જુદા બેંક એકાઉન્ટમાંથી રૂ. 9.78 લાખ ઉપાડી લઇ વિશ્વાસઘાત અને ઓનલાઇન છેતરપીંડી કરી હતી. જે અંગે હિંમતનગર સાયબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

ફરિયાદ અનુસાર, હિંમતનગરના પ્રસંગ પાર્ટી પ્લોટ સામે આવેલ જનકપુરી સોસાયટીમાં પોતાના પરિવાર સાથે રહેતા નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ (ઉ.વ.૬૮) નિવૃત્ત જીવન વિતાવી રહ્યા હતા. 2 ઓગસ્ટના રોજ નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિના ફોન પર કોઇ અજાણ્યા ઇસમે મોબાઇલ નંબર પરથી ફોન કરીને કુરીયર કંપનીમાંથી બોલુ છું તેવી ખોટી ઓળખ આપી વાત શરૂ કરી હતી. વાત દરમિયાન નટવરભાઇ પ્રજાપતિને કુરીયરની ડિલીવરી કરવાના બહાને વધારાના ચાર્જ તરીકે ઓનલાઇન રકમ ભરવા માટેનુ જણાવ્યુ હતુ. નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિ વાતોમાં આવી જતા એનીડેસ્ક તથા ક્વીક સપોટ નામની એપ્લીકેશન ઇન્સ્ટોલ કરાવી અને ઓપરેટ કરાવી હતી.

ત્યારબાદ નટવરભાઇ પ્રજાપતિ પાસેથી બેંક ખાતાની માહિતી તથા ડેબીટ કાર્ડ, ઓટીપી, પાસવર્ડ, સરનામુ સહિતની જરૂરી માહિતી માંગી હતી. દરમિયાન નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિના એસબીઆઇના એકાઉન્ટમાંથી રૂ. 9.28 તથા એકસીસ બેંક શાખાના ખાતામાંથી રૂ. 60 હજાર તથા સાબરકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેંક મહાવીરનગર શાખાના એકાઉન્ટમાંથી અલગ અલગ ટ્રાન્જેકશન કરી રૂ. 45 હજાર મળી કુલ રૂ. 9.78 લાખ હતા. જેની જાણ થતા નટવરભાઇ ભીખાભાઇ પ્રજાપતિએ પોતાની સાથે વિશ્વાસઘાત અને ઓનલાઇન છેતરપીંડી થઇ હોવાનુ જણાતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અજાણ્યા ઇસમ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

(12:42 am IST)