Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

નવરાત્રિમાં ઉછાળો : અલ્‍ટ્રા લક્‍ઝુરિયસ સહિત ૧૦,૫૦૦ કારનું ચપોચપ વેચાણ

દશેરાએ ૬,૧૦૦ ટુ-વ્‍હીલર અને ૨,૨૦૦ ફોર - વ્‍હીલર વેચાયા : અમદાવાદમાં ૧૬ હજારથી વધુ ટુ-વ્‍હીલર, બે હજારથી વધુ સાઈકલ વેચાઈઃ દશેરા સુધીમાં ૧૧,૫૦૦ જેટલા ટુ-વ્‍હીલર અને ૩,પ૦૦ ફોર વ્‍હીલર વેચાયા છે

અમદાવાદ, તા.૬: કોરોનાનું સંક્રમણ ૨૦૨૨માં અટકતા આખરે ઓટો માર્કેટ નવરાત્રિમાં ખુલ્‍યું છે. આજે દશેરાએ ગુજરાતમાં ૧૦૦થી વધુ મર્સિડિઝ, BMW, AUDI જેવી અલ્‍ટ્રા-લક્‍ઝુરિયસ સહિત ૧૦,૫૦૦ જેટલી કારનું વેચાણ થયું છે. જયારે ૧૬ હજારથી વધુ ટુ-વ્‍હીલર શો-રૂમમાંથી છુટયા છે. જેમાં અમદાવાદ શહેરમાંથી ૫૦થી વધુ મર્સિડિઝ અને બીએમડબ્‍લ્‍યુ કારનું નવરાત્રિના તહેવાર જ વેચાણ થયું છે. અમદાવાદ શહેરમાંથી આજે દશેરાના દિવસે બે હજારથી વધુ સાઈકલોનું વેચાણ થયાનો અંદાજ છે.

આજે દશેરાના દિવસે અમદાવાદમાં વાહનોના વેચાણમાં ગત વર્ષની તુલનામાં ૩૦થી ૩૫%નો વધારો જોવા મળ્‍યો છે. શહેરના વિવિધ શો-રૂમમાંથી ૬,૧૦૦ ટુ-વ્‍હીલર અને ૨,૨૦૦ જેટલા ફોર-વ્‍હીલરનું વેચાણ થયું છે. અમદાવાદમાં વાહનોના શો-રૂમમાં વાહનોની ડિલિવરી લેવા સવારથી જ ભીડ જોવા મળી હતી. ઓટો ડીલર્સ એસોસિએશનના જણાવ્‍યા મુજબ આજે દશેરાના દિવસે ૬,૧૦૦ ટુ-વ્‍હીલર અને ૨,૨૦૦ જેટલા ફોર-વ્‍હીલર છૂટયા છે. દશેરા સુધીમાં ૧૧,૫૦૦ જેટલા ટુ-વ્‍હીલર અને ૩,૫૦૦ ફોર વ્‍હીલર વેચાયા છે.

(10:15 am IST)