Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

વડોદરાના હાસ્‍ય કલાકાર પરાગ કંસારાની ચીરવિદાય

હાસ્‍ય જગતમાં ઘેરા શોકની લાગણી : ધ ગ્રેટ ઇન્‍ડિયન લાફટર ચેલેન્‍જના પહેલી સિરીઝના સ્‍પર્ધક હતા કંસારા

વડોદરા,તા. ૬ : વડોદરાના હાસ્‍ય કલાકાર પરાગ કંસારાનું નિધન થયું છે. બહોળો ચાહક વર્ગ ધરાવતા પરાગ કંસારાએ વડોદરા સ્‍થિત હોસ્‍પિટલમાં અંતિમ શ્વાસ લેતા કલા જગતના ગગનમાં ગાબડું પડ્‍યું છે. ધ ગ્રેટ ઇન્‍ડિયન લાફટર ચેલેન્‍જના પહેલી સિરીઝના સ્‍પર્ધક પરાગ કંસારાના નિધનથી શોક ફેલાયો છે.  તેમણે ખ્‍યાતનામ કલાકાર રાજુ શ્રીવાસ્‍તવ સાથે પણ કામ કર્યું છે અને મિમિક્રી આર્ટિસ્‍ટ તરીકે પણ યશસ્‍વી કામ કર્યું હતું.

 પરાગ કંસારા ઘણા સમયથી મુંબઇ સ્‍થાયી હતા વધુમાં તેઓ રાજુ શ્રીવાસ્‍તવ, સુનિલ પાલ અને અહેસાન કુરેશીના અંગત મિત્ર હતા. વડોદરા સ્‍થિત હોસ્‍પિટલમાં તેમણું  નિધન થયું હતું. ગોરવા ખાતેના નિવાસસ્‍થાનેથી  સાંજે તેમની સ્‍મશાનયાત્રા નીકળી હતી. પરાગ કંસારાના નિધનને લઇને કોમેડિયન શુનિલ પાલે પણ તેમને સોશિયલ મીડિયા થકી શ્રદ્ધાંજલિ આપી હતી. ઉલ્લેખનીય છે કે તાજેતરમાં કોમેડી કિંગ રાજુ શ્રીવાસ્‍તવનું નિધન થતાં પરાગ કંસારાએ ૨૨ સપ્‍ટેમ્‍બરે સોશિયલ મીડિયા પર પોસ્‍ટ  શેર કરી દુઃખ વ્‍યકત કર્યું હતું.

સોશિયલ મીડિયા પર શાબ્‍દિક શ્રધ્‍ધાંજલી આપતા પરાગ કંસારાએ લખ્‍યું હતું કે, રાજુ શ્રીવાસ્‍તવ મારા સાથી કલાકાર હતા અને ૨૦૦૫માં લાફટર ચેલેન્‍જ કાર્યક્રમની શરુઆત વેળાએ તેઓ અમારી સાથે જોડાયેલા હતા.  તેઓ નિયમિતપણે યોગા અને શ્વાસોશ્વાસની ક્રિયા થકી પોતાના આરોગ્‍યની ખૂબ સંભાળ રાખતા હતા. વધુમાં એક પ્રસંગને ટાંકીને તેમણે જણાવ્‍યું કે  ૧ ડિસેમ્‍બર, ૨૦૦૭ના રોજ રાજુ શ્રીવાસ્‍તવ વડોદરામાં આવ્‍યા હતા. આ દરમિયાન અકોટા સ્‍ટેડિયમમાં તેમણે લોકોની મેદનીને પેટ પકડીને હસાવી હતી.

(10:39 am IST)