Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

દશેરાએ ગુજરાતના લોકો અધધ ૧૫૦ કરોડ રૂપિયાના જલેબી - ફાફડા ઝાપટી ગયા

સ્‍વાદપ્રેમ છલકાયો : મોંઘવારીની ઐસી કી તૈસી : આ વર્ષે કોર્પોરેટર ગીફટમાં જલેબી - ફાફડાના બોકસનું વધ્‍યું ચલણ કાચા માલના ભાવો ૩૦ ટકા વધવા છતાં વેચાણમાં ૩૦ ટકાનો વધારો

ફાફડા-જલેબી કે લીયે કુછ ભી કરેગા.. દશેરાએ અમદાવાદમાં ખરીદી માટે લાગી લાંબી-લાંબી લાઇનો : અમદાવાદના આશ્રમ રોડ ઉપર દશેરાએ જલેબી-ફાફડા ખરીદવા લાગેલી લાઇન તસ્‍વીરમાં જોવા મળે છે ગમે તેટલા મોંઘા હોય ખાવા એટલે ખાવા એ જ શોખ રહ્યો છે અમદાવાદીઓનો.

અમદાવાદ તા. ૬ : બે વરસના કોરોના કાળ પછી નવરાત્રીની જેમજ દશેરાની ઉજવણી પર જોરદાર રીતે થઇ હતી અને લોકો ફાફડા - જલેબી જાણે બીજા દિવસે ના મળવાના હોય તેમ લાવ લાવ કરી રહ્યા હતા. આ વરસે જલેબી ફાફડાનું વેચાણ ૧૫૦ કરોડ રૂપિયાએ પહોંચ્‍યું હતું. આ વરસે બેસન અને ખાદ્ય તેલોના ભાવો વધવાના કારણે જલેબી અને ફાફડાના ભાવો ઉંચા રહ્યા હતા તેમ છતાં તેના વેચાણમાં ૩૦ ટકાનો વધારો નોંધાયો હતો.

ગુજરાત ચેમ્‍બર ઓફ કોમર્સ એન્‍ડ ઇન્‍ડસ્‍ટ્રી (જીસીસીઆઇ)ની ફૂડ કમિટિના ચેરમેન હિરેન ગાંધીએ કહ્યું ‘આ વખતે માંગ બહુ સારી હતી અને વેચાણ ૩૦ ટકા જેટલું વધારે હતું. અમદાવાદમાં દશેરાના દિવસે ૧૫૦૦ જેટલી નાની મોટી દુકાનોમાં ફાફડા - જલેબી વેચાયા હતા.'આ વર્ષે કોર્પોરેટ ગીફટ બોક્ષમાં ફાફડા, જલેબી અને ચટણી આપવાનું ચલણ મોટા પ્રમાણમાં જોવા મળ્‍યું હતું. ગાંધીએ કહ્યું કે લોકો સારી ગુણવત્તા અને ચોખ્‍ખાઇ પસંદ કરતા હોવાથી કોર્પોરેટ ગીફટ બોક્ષની માંગ પણ વધારે જોવા મળી હતી.

ફરસાણ ઉદ્યોગના અંદાજ અનુસાર, અમદાવાદમાં ફકત એક દિવસમાં જલેબી - ફાફડા ૮-૮ લાખ કિલો વેચાયા હતા. આ વર્ષે બન્‍ને વસ્‍તુના ભાવો ૨૦ ટકા અથવા તેનાથી વધારે વધ્‍યા છે. ફાફડાના ભાવો ૭૦૦ થી ૮૫૦ પ્રતિ કિલો હતા તો જલેબી ૧૦૦૦ - ૧૩૦૦ રૂપિયાના ભાવે વેચાઇ હતી. ફરસાણ અને મિઠાઇના વેપારીઓનું માનવું છે કે મોંઘવારીના કારણે વેચાણ ઓછું થયું હતું. લોકો નાના બોક્ષમાં ખરીદી કરી રહ્યા હતા.

(11:39 am IST)