Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

ઓહોહો... દશેરાએ ગુજરાતમાં ૪૦૦ કિલો સોનું વેંચાયુ

ગત વર્ષ કરતા આંકડો બમણો : લોકોએ આ વખતે સિક્કા - લગડી - લાઇટવેઇટ - હેવીવેઇટ વેડિંગ જ્‍વેલરીની ધૂમ ખરીદી કરી : સોના પ્રત્‍યે અભૂતપૂર્વ મોહ : ભાવ વધવાનો ટ્રેન્‍ડ છતાં ખરીદી માટે લોકો ઉમટયા

અમદાવાદ તા. ૬ : મુહૂર્ત સાચવવા અને આગામી લગ્ન સીઝનના કારણે દશેરાના દિવસે સોનાના વેચાણમાં જોરદાર વધારો થયો હતો. બુધવારે સિક્કા, લગડી, હળવા અને ભારે દાગીનાના રૂપમાં ૪૦૦ કિલો સોનુ વેચાયું હતું, જે ગયા વર્ષે દશેરાના દિવસે રાજ્‍યમાં વેચાયેલા ૨૦૦ કિલો કરતા બમણું હતું. એવો ઇન્‍ડિયા બુલીયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસીએશનનો અંદાજ છે.

સોનાના ભાવો બે દિવસમાં ૧૧૦૦ રૂપિયા વધી જવા છતાં વેચાણમાં આ વધારો જોવા મળ્‍યો છે. અમદાવાદની બજારમાં સોનાના ભાવ રૂપિયા ૫૩૦૦૦ પ્રતિ ગ્રામ રહ્યા હતા. કલાકૃતિઓ, હળવા આભૂષણો, સીક્કા તથા લગડીના વેચાણ દ્વારા ચાંદીની માંગ પણ સારી રહી હતી.

સોમવારે અમદાવાદની બજારમાં સોનાના ભાવ ૫૧૯૦૦ હતા જે બે દિવસમાં વધીને ૫૩૦૦૦ પર પહોંચ્‍યા હતા. પણ આ ભાવવધારો સોનાના વેચાણને વધતું નહોતો રોકી શક્‍યો.

ઇન્‍ડિયા બુલીયન એન્‍ડ જ્‍વેલર્સ એસોસીએશનના ડાયરેકટર હરેશ આચાર્યએ કહ્યું ‘આ વર્ષે લગ્નના મૂરત ઘણાં બધા હોવાથી લોકોએ સોનું પ્રી બુક કરાવ્‍યું હતું અને તેની ડીલીવરી દશેરાએ લીધી હતી. આના પરિણામે આ વર્ષે સોનાનું વેચાણ વધારે રહેવાની અમને આશા હતી જ. લગ્નના ઘરેણા, હળવા આભૂષણો ઉપરાંત સીક્કા અને લગડીની માંગ પણ વધારે છે કેમકે લોકો પોતાના પ્રસંગો માટે ભાવોનો લાભ લઇને આયોજન કરીને સોનુ અગાઉથી ખરીદતા હોય છે.'

જ્‍વેલર્સ એસોસીએશન ઓફ અમદાવાદના પ્રમુખ જીગર સોનીએ કહ્યું, હળવા આભૂષણોની માંગ નોંધપાત્ર રીતે વધી છે, એવી જ સ્‍થિતિ લગ્નના ઘરેણાની છે. આ દશેરાએ ઘરેણાની માંગ જોરદાર રહી છે, જો કે વધેલા ભાવોએ ખરીદીમાં થોડી અસર કરી છે.'

(10:44 am IST)