Gujarati News

Gujarati News

News of Thursday, 6th October 2022

સુરતના નાનપુરામાં યુવાનને બાઈક પાર્ક કરવા મુદ્દે થયેલ ઝઘડામાં ચપ્પુથી હુમલો કરતા પોલીસ ફરિયાદ

સુરત: નાનપુરા ડક્કા ઓવારા તાપી નદીના કિનારે ઝુંપડામાં રહેતા શ્રમિક યુવાનને બાઇક પાર્ક કરવાના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં ચપ્પુના ચારથી પાંચ ઘા ઝીકી હત્યાનો પ્રયાસ કર્યાની ઘટના અઠવાલાઇન્સ પોલીસમાં નોંધાય છે. 

નાનપુરાના ડક્કા ઓવારા તાપી નદીના કિનારે ઝુપડામાં રહેતો અને મજૂરી કામ કરતો આકાશ સુખાભાઇ વસાવા (ઉ.વ. 22 મૂળ રહે. અંકલેશ્વર મામલતદાર કચેરી પાછળ, અંકલેશ્વર, ભરૂચ) મંગળવારે રાતે તેના મિત્રો સાથે ઘર નજીક સીંગોતર માતાના મંદિર પાસે બેસીને વાતો કરી રહ્યો હતો. ત્યારે નજીકમાં રહેતો અંકિત વસાવા પણ ત્યાં આવ્યો હતો અને બાઇક આકાશની નજીક પાર્ક કરી હતી. આકાશે બાઇક દૂર પાર્ક કરવા કહેતા તેઓ વચ્ચે ઝઘડો થયો હતો. જો કે આકાશની માતા અને સ્થાનિક રહેવાસીઓએ બંનેને છુટા પાડયા હતા. પરંતુ બુધવારે સવારે પરિવાર સાથે હજીરા સીંગોતર માતાના મંદિરે જવાની તૈયારી કરી રહ્યા હતા અને આકાશ બાથરૂમ જઈને પરત આવી રહ્યો હતો. ત્યારે અંકિત અને તેના મિત્ર નિલેશ વસાવા, વિકાશ નાયકા, બન્ટુ રાઠોડે બાઇક પાર્ક કરવાના મુદ્દે થયેલા ઝઘડાની અદાવતમાં ઢીક-મુક્કીનો માર મારી અંકિતે ચપ્પુના ઉપરાછાપરી ઘા છાતી, પીઠ અને પેટના ભાગે પાંચથી છ ઘા ઝીંકી દીઘા હતા. જેને પગલે આકાશની માતા અને પરિજનો ઉપરાંત પડોશીઓ દોડી આવતા અંકિત અને તેના મિત્રો ભાગી ગયા હતા. ઇજાગ્રસ્ત આકાશને સારવાર માટે હોસ્પિટલ લઇ જવામાં આવ્યો હતો.

(6:00 pm IST)