Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

વગર વ્યાજની લોન લેવાના ચક્કરમાં ૧૧ લાખ ગુમાવ્યા

અમદાવાદના વેપારીએ ૧૧ લાખ રૂપિયા ગુમાવ્યા : આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે

અમદાવાદ, તા.૫ : કોરોના મહામારી અને તેના કારણે લાગુ કરાયેલા લોકડાઉનની સીધી અસર વેપાર, ધંધા અને નોકરીઓ પર પડી છે. આવામાં ઝડપથી રૂપિયા કમાઈ લેવાના ચક્કરમાં લોકો ખોટા રસ્તે જઈને પોતાના પગ પર જ કુહાડી મારી રહ્યા છે. આવી જ એક ઘટના અમદાવાદમાં બની છે કે જેમાં બોગસ આંગડિયા પેઢી પાસે વગર વ્યાજની ૩ કરોડની લોન લેવાની લાલચમાં વેપારીએ ૧૧ લાખ રૂપિયા ગુમાવ્યા છે. આ કેસમાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે. મળતી વિગતો પ્રમાણે શહેરના નવરંગપુરા વિસ્તારમાં પ્રિન્ટિંગનો વ્યવસાય કરતા દેવાંગભાઈ શાહને પોતાના ધંધા માટે પાંચ કરોડ રૂપિયાની જરુર હતી. તેમણે આ અંગે પોતાના મિત્રો અને સગાને જાણીતી વ્યક્તિ કે પેઢી પાસે ધિરાણ લેવા અંગે વાત કરી હતી. આવામાં તેમની મુલાકાત ચેન્નાઈના રામશિવા સાથે થઈ હતી. જેમાં રમાશિવાના મળતિયાઓએ અમદાવાદમાં દેવાંગભાઈ સાથે મુલાકાત કરી હતી.

રામશિવાના સાગરિત ગૌરાંગ પંડ્યાએ દેવાંગભાઈને કહ્યું હતું કે, તેમને ૮ કરોડ રૂપિયાનો ડિમાન્ડ ડ્રાફ્ટ આપશે. જેમાંથી ૫ કરોડ રૂપિયા પરત કરવાના રહેશે અનેન ૩ કરોડ રૂપિયા પાંચ વર્ષ માટે વગર વ્યાજે વાપરવા મળશે. આ પછી તેમને ૮ કરોડનો ડીડી ના મળતા તેમને કહ્યા પ્રમાણે તેમણે ૫ લાખ રૂપિયા જમા નહોતા કરાવ્યા. પરંતુ જ્યારે વ્યવસ્થા થઈ ત્યારે તેમણે ગૌરાંગ પંડ્યાએ કહેલી સીજી રોડ પર આવેલી શ્રી કૃપા એન્ટરપ્રાઈઝમાં જમા કરાવ્યા હતા. આ પછી ફરી એકવાર તેમણે ૬ લાખ જમા કરાવ્યા હતા.

વગર વ્યાજે ૫ કરોડ રૂપિયા લેવાના ચક્કરમાં દેવાંગભાઈએ ૧૧ લાખ રૂપિયા આપ્યા હતા. આમ જે બનાવટી આંગડિયા પેઢી ઉભી કરવામાં આવી હતી તે રૂપિયા આવી ગયા બાદ બંધ કરી દેવામાં આવી હતી. આમ તેમની પાસેથી રૂપિયા પડાવ્યા હોવાનું અને કોઈ ડીડી મળ્યો ના હોવાનું જાણીને પોતાની સાથે છેતરપિંડી થઈ હોવાનું લાગ્યું હતું. આ પછી દેવાંગભાઈએ નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં છેતરપિંડીની ફરિયાદ નોંધાવી હતી.

પોલીસે ફરિયાદના આધારે આ ઘટનામાં સંડોવાયેલા ગૌરાંગ પંડ્યા, મહેશભાઈ ગોંડલિયા, રૂપેન્દ્ર અરોરા, નિકુલભાઈ રાઠોડ અને સુનિલ પટેલની ધરપકડ કરી લીધી છે. આ કેસમાં ચેન્નાઈથી રામશિવાને પકડી લેવા માટે ચક્રો ગતિમાન કરવામાં આવ્યા છે. પોલીસ દ્વારા પણ લોકોને સચેત કરવામાં આવે છે છાસવારે આ પ્રકારના છેતરપિંડીના કિસ્સા બનતા હોવા છતાં લોકો છેતરપિંડીનો ભોગ બની રહ્યા છે.

(8:59 pm IST)