Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ઓમિક્રોનને કારણે ફફડાટ :ગુજરાત-મહારાષ્ટ્ર બોર્ડર પર આરોગ્ય અને પોલીસની ટીમો તૈનાત:સઘન તપાસ

ભીલાડ ચેકપોસ્ટ નજીક પણ આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરાઈ

વલસાડ :દેશભરમાં કોરોનાના નવા વેરિઅન્ટ ઓમિક્રોનને કારણે ફફડાટ ફેલાયો છે. ત્યારે સલામતી અને સાવચેતીના  ભાગરૂપે રાજ્યો દ્વારા જરૂરી પગલા લેવામાં આવી રહ્યા છે. એવા સમયે ફરી એક વખત ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ચેકપોસ્ટો પર વાહનોમાં ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે. મહારાષ્ટ્ર અને ગુજરાતની હદ પર આવેલા વલસાડ જિલ્લાની ભીલાડ ચેકપોસ્ટ નજીક પણ આરોગ્ય વિભાગની ટીમો તૈનાત કરવામાં આવી છે.

પોલીસના સહયોગથી તૈનાત કરવામાં આવેલી આરોગ્ય વિભાગની ટીમો દ્વારા મુંબઈ અને મહારાષ્ટ્રથી ગુજરાતમાં પ્રવેશતા લોકોનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. ખાસ કરીને મુંબઇ અને મહારાષ્ટ્ર  સહીત  વિદેશથી જે પ્રવાસીઓ રોડ માર્ગે  ગુજરાતમાં પ્રવેશી રહ્યા છે.  તેવા પ્રવાસીઓ પર વિશેષ ધ્યાન રાખવામાં આવી રહ્યું છે. ગુજરાતમાં પ્રવેશતા લોકોની ટ્રાવેલિંગ હિસ્ટ્રીની  નોંધ કરવામાં આવી રહી છે.

સાથે જ રાજ્યમાં પ્રવેશતા લોકોનું  મેડિકલ ચેકઅપ અને સ્ક્રીનિંગ કરવામાં આવે છે. જે લોકોને કોરોનાના સંકાસ્પદ લક્ષણો જણાય તો તેમનો આરટીપીસીઆર  ટેસ્ટ માટે પણ આરોગ્ય વિભાગની ટીમો તૈયારી રાખી રહી છે. તેઓએ રસી લીધી છે કે કેમ, તેની પણ તપાસ શરૂં કરવામાં આવી છે. મહત્વપૂર્ણ છે કે, પ્રથમ લોકડાઉનથી જ ગુજરાત અને મહારાષ્ટ્રની બોર્ડર પર આવેલી ભીલાડ ચેકપોસ્ટ પર આરોગ્ય વિભાગ અને પોલીસની ટીમો તૈનાત કરવામાં આવી હતી.

(11:25 am IST)