Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

બાયડ તાલુકાના દોલપુરા ગામે ખેડૂતને અલગ અલગ તબક્કે લોન આપવાની લાલચ આપી ભેજાબાજે 42 લાખનો ચૂનો ચોપડતા પોલીસ ફરિયાદ

ગાંધીનગર : હાલમાં ઓનલાઈન છેતરપીંડીની ઘટનાઓ વધી રહી છે ત્યારે ગઠીયાઓ ફોન કરીને લોભામણી લાલચો આપી લોકોને છેતરી રહયા છે. ત્યારે  મસમોટી છેતરપીંડીની ઘટના બાયડ તાલુકાના દોલપુરા સાઠંબા ગામે રહેતા રાજેશભાઈ કનુભાઈ પટેલ નામના ખેડૂત સાથે બની છે. ગઠીયાઓએ તેમને એકસાઈડ લાઈફ ઈન્સ્યોરન્સ પોલીસી સંદર્ભે વાત કરીને આ પોલીસી ઉપર મુદ્રા લોન મળતી હોવાની લાલચ આપીને છેતરપીંડી કરી છે. આ મામલે ખેડૂતે ગાંધીનગરના સાયબર ક્રાઈમ પોલીસ મથકમાં ફરીયાદ નોંધાવી છે કે ગત ઓકટોબર-ર૦૧૬માં એજન્ટ તરીકેની ઓળખ આપીને વિપેન્દ્ર નામના શખ્સે પોલીસીની માહિતી આપી હતી અને ડોકયુમેન્ટ વોટસએપથી મંગાવ્યા હતા. પ્રથમ પ્રીમીયમ પેટે ૩૦ હજાર રૃપિયાનો ચેક તેમણે કુરીયરથી મોકલી આપ્યો હતો અને ત્યારબાદ પોલીસીના ડોકયુમેન્ટ મોકલી આપવામાં આવ્યા હતા. ત્યારબાદ અન્ય એક ગઠીયાએ ફોન કરીને આ પોલીસી ઉપર મુદ્રા લોન મળશે તેની લાલચ આપીને  રૃપિયા પડાવ્યા હતા. આ એક પછી એક ૩૦ જેટલા વ્યક્તિઓએ ફોન કરીને અલગ અલગ તબક્કે તેમની પાસેથી ૪ર લાખ રૃપિયા જેટલી માતબર રકમ મેળવી લીધી હતી. જેથી પરિવારજનોને પણ શંકા ગઈ હતી અને હવે કોઈ જ પ્રકારે રૃપિયા નહીં ચુકવવા જણાવી દીધું હતું. વર્ષ ર૦૧૭માં રાજેશભાઈને બેન્ક ઓફ મહારાષ્ટ્રનો ર.રપ લાખનો ચેક પણ ગઠીયાઓએ મોકલ્યો હતો તે બાઉન્સ થયો હતો. ગઠીયાઓએ કોરોનાનું બહાનું કાઢીને રૃપિયા પછીથી આવી જશે તેવી બાંહેધરી પણ આપી હતી. આમ ચાર વર્ષ દરમ્યાન તેમની સાથે થયેલી આ છેતરપીંડી અંગે હાલ તો સાયબર ક્રાઈમ પોલીસે ગુનાહિત ષડયંત્રનો ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે. 

(5:14 pm IST)