Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

ખેડા તાલુકાના મહીજ ગામે સાંજના સુમારે ખાણ ખનીજ વિભાગની ટીમે ઓચિંતાનો છાપો મારતા 18.54 લાખની માટી ચોરી ઝડપવામાં આવી

ખેડા:તાલુકાના મહિજ ગામે ગત ૨૬મી તારીખના રોજ સાંજના સુમારે નડીયાદના ખાણ ખનીજ વિભાગની ટીમે છાપો મારતાં ખનીજ માફિયાઓ દ્વારા અધિકારીઓ અને કર્મચારીઓને ગમે તેવી ગાળો બોલીને ઝપાઝપી કરી પકડાયેલું જેસીબી મશીન પણ લઈને ફરાર થઈ જતા ચકચાર મચી જવા પામી છે. આ અંગે ખેડા પોલીસે પાંચ શખ્સો વિરૂદ્ઘ ૧૮.૫૪ લાખની માટી ચોરી જવાનો ગુનો દાખલ કરીને તેઓને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે. પ્રાપ્ત વિગતો અનુસાર નડીયાદની ખાણ ખનીજ વિભાગની ટીમને માહિતી મળી હતી કે, મહિજ ગામે આવેલા શેર તળાવમાંથી ગેરકાયદેસર રીતે માટીનું ખનન કરીને કેટલાક શખ્સો ચોરી કરી લઈ જાય છે. જેથી ખાણ ખનિજ વિભાગની ટીમે છાપો મારતાં ત્રણ જેસીબી મશીનો દ્વારા માટી ખોદીને ત્રણ જેટલા ડમ્ફરોમાં ભરાતી હતી.ખાણ-ખનીજ વિભાગની ટીમને જોતાં જ બે જેસીબી મશીનો તેમજ ત્રણેય ડમ્ફરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. જ્યારે એક જેસીબી મશીન ઓપરેટર સંજયભાઈ બળવંતભાઈ સાથે ઝડપાઈ જવા પામ્યુ હતુ. તેની પાસે રોયલ્ટી પાસ તેમજ આધાર પુરાવાની માંગણી કરતા તે રજુ કરી શક્યો નહોતો. માલિકનુ નામ પુછતાં તે બારેજડી ખાતે રહેતા પેથાભાઈનું હોવાનું જણાવ્યું હતુ.

(5:28 pm IST)