Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

કોવિડ-19 વેક્સિનેશનમાં ગુજરાતની આગવી સિદ્ધિ : રસીકરણ માટે પાત્રતા ધરાવતી પ્રતિ ૧૦૦ની વસ્તીએ ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ વેક્સિન ડોઝ આપ્યા

ગાંધીનગર : વિશ્વવ્યાપી મહામારી કોરોના સામેના રક્ષણાત્મક ઉપાય એવા કોરોના વેક્સિનેશનમાં ગુજરાતે વિશ્વના વિકસીત રાષ્ટ્રો કરતાં પણ વધુ ડોઝ આપવાની વિશિષ્ટ સિદ્ધિ મેળવી છે. 

રસીકરણ માટે પાત્રતા ધરાવતા દર ૧૦૦ ની વસ્તીએ ગુજરાતમાં ૧૬૯.ર વેક્સિન ડોઝ આપવામાં આવ્યા છે તે વિશ્વના વિકસીત દેશો કરતાં પણ વધુ અગ્રેસર છે.

ગુજરાતમાં રસીકરણ પાત્રતા ધરાવતા પ્રતિ ૧૦૦ વ્યક્તિએ ૧૬૯.ર વેક્સિન ડોઝ અપાયા છે તેની તુલનાએ ફ્રાન્સમાં ૧૬૬.૯, યુ.એસ.એ માં ૧૩૮.૪, જર્મની ૧પ૩.૬, કેનેડા ૧૬૪.૭, ઇટલી ૧પ૯, નેધરલેન્ડ ૧૬૮.૮ ડોઝની સંખ્યા ધરાવે છે.

એટલું જ નહિ, ગુજરાત કરતાં અન્ય જે રાષ્ટ્રોમાં આવી સંખ્યા ઓછી છે તેમાં ફિનલેન્ડ ૧૬૭.પ, સ્વીડન ૧૬પ.૮, મેકસીકો ૧પ૭.૯ તેમજ સ્વીત્ઝરલેન્ડ ૧૪૮.૮, સાઉદી અરેબિયા ૧૪૭.૯, હંગેરી ૧૩૭, વિયેટનામ ૧૩૦.૭ અને રશિયા ૧૦૭.૩ નો સમાવેશ થાય છે.

પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના દિશા દર્શનમાં હાથ ધરાયેલા હર ઘર દસ્તક અભિયાનને ગુજરાતમાં સઘન બનાવી આરોગ્ય કર્મીઓ - ફ્રન્ટલાઇન વર્કર્સએ આ વિશિષ્ટ સિદ્ધિ પ્રાપ્ત કરી છે.

(5:46 pm IST)