Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

અમદાવાદમાં પૌત્ર સાથે મૈત્રી કરારથી રહેતી યુવતીએ 85 વર્ષીય વૃદ્ધાને ઢોર માર માર્યો

ઘરના તાંબા-પિતળના વાસણો વેચી દેતા વૃદ્ધાએ ટપારતા યુવતી ઉશ્કેરાઈ

અમદાવાદ :મેઘાણીનગરમાં 85 વર્ષીય વૃદ્ધા તેના પૌત્ર અને મૈત્રી કરારથી રહેતી યુવતી સાથે રહે છે. આ યુવતીએ ઘરના તાંબા-પિતળના વાસણો વેચી દેતા વૃદ્ધાએ વાતચીત કરી હતી. જેથી ઉશ્કેરાયેલી યુવતીએ વૃદ્ધાને મને પુછનારી તું કોણ તેમ કહીને ઢોર માર માર્યો હતો. ઇજાઓ પહોંચતા વૃદ્ધાને સારવાર માટે હોસ્પિટલ દાખલ કરવામાં આવી હતી. આ અંગે મેઘાણીનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઇ હતી.

મેઘાણીનગરની પતરાવાળી ચાલીમાં 85 વર્ષીય શાંતાબહેન તેમના પૌત્ર અનિલભાઈ સાથે રહેતા હતા. ઘરમાં પૌત્ર સાથે ગત ત્રણ વર્ષથી મૈત્રીકરાર કરીને પુષ્પા નામની યુવતી રહે છે. દરમિયાનમાં શાંતાબહેન ઘરે હાજર હતા અને રસોડામાં પાણી પિવા માટે ગયા ત્યારે રસોડામાં તાંબા-પિતળના વાસણો ન હોવાથી પુષ્પાને વાતચીત કરી હતી. પુષ્પાએ તાંબા પિતળના વાસણો વેચી માર્યા હોવાનું જણાવ્યું હતુ. જેથી શાંતાબહેને કેમ વાસણો વેચી દીધા ? તેમ પૂછતાં પુષ્પા ઉશ્કેરાઈ ગઈ હતી અને શાંતાબહેન સાથે ઝઘડો કરી માર મારવા લાગી હતી.

જેથી વૃદ્ધ બહેને તેને શાંત રહેવાનું કહેતા તે વધુ ઉશ્કેરાયેલી અને ઢોર માર્યો હતો. મારથી બચવા માટે શાંતાબહેને બુમાબુમો કરી હતી જેથી પાડોશીઓ આવી ગયા હતા. શાંતાબહેનને વધુ માર મારવાથી બચાવીને સારવાર માટે હોસ્પિટલ મોકલી આપ્યા હતા. આ અંગે મેઘાણીનગર પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

(9:53 pm IST)