Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

રાજપીપળા નગરપાલિકા વૉર્ડ 6 ના કોર્પોરેટર નામદેવભાઈ દવેએ ફાંસો ખાઈ આપઘાત કરતા અનેક તર્ક વિતર્ક

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : રાજપીપળા નગર પાલિકાના ભાજપ કોર્પોરેટરે અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા ચકચાર મચી જવા પામી છે.મરનાર પાલિકા સભ્યની પત્નીની ફરિયાદને આધારે રાજપીપળા પોલીસે ફરિયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

રાજપીપળા પાલિકા વોર્ડ નંબર 6 ના ભાજપના કોર્પોરેટર નામદેવભાઈ દવેએ રાજપીપળા નવા ફળિયા સ્થિત પોતાના જ ઘરમાં કોઈ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઈ આપઘાત કરતા શહેરમાં ચકચાર મચી જવા પામી હતી.

 મળતી માહિતી મુજબ એમણે જ્યારે આપઘાત કર્યો ત્યારે એમની પત્ની અને પુત્રી રાજપીપળામાં હાજર ન હતા ભાજપ પાલિકા સભ્યના આપઘાતની ઘટના બાદ નર્મદા જિલ્લા ભાજપ પ્રમુખ ઘનશ્યામ પટેલ,રાજપીપળા નગરપાલિકા પ્રમુખ ફૂલદીપ સિંહ ગોહિલ, રાજપીપળા શહેર ભાજપ પ્રમુખ રમણસિંહ રાઠોડ સહિત મોટી સંખ્યામાં કાર્યકરો ત્યાં દોડી ગયા હતા.આસપાસના લોકો દ્વારા નામદેવભાઈ દવેને લોકો રાજપીપળા સિવિલ હોસ્પિટલમાં લઇ ગયા હતા જ્યાં હાજર તબીબે એમને મૃત ઘોષિત કર્યા હતા.

રાજપીપળા સીવીલ હોસ્પિટલ ખાતે નામદેવ દવેના મૃતદેહને પોસ્ટ મોર્ટમની કાર્યવાહી હાથ ધરાયા બાદ પરિવારજનોને સોંપણી કરાઈ હતી.નામદેવ દવેની પત્નીની ફરિયાદને આધારે પોલીસે ફરિયાદ દાખલ કરી છે.તો બીજી બાજુ એમણે આપઘાત કેમ કર્યો એ બાબતે અનેક તર્ક વિતર્ક શહેરમાં ચર્ચાઈ રહ્યા છે ત્યારે પોલીસ હાલ આ દિશામાં તપાસ કરી રહી છે.તપાસ બાદ સત્ય હકીકત બહાર આવશે.

(11:03 pm IST)