Gujarati News

Gujarati News

News of Monday, 6th December 2021

તોલમાપ વિભાગની રાજ્યભરમાં હાઈવે- હોટલોમાં દરોડાની કાર્યવાહી : 250થી વધુ હોટલોમાં તપાસ

હાઇવે-હોટલોમાં નિરીક્ષણ કરી આશરે 100 પ્રોસીકયુશન કેસ કરી રૂ. 3 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો

અમદાવાદ :રાજ્યભરમાં આવેલી જુદી જુદી હોટલો પર તોલમાપ વિભાગના અધિકારીઓ દ્વારા સાગમટે ચેકિંગ હાથ ધરતા રાજ્યભરના હોટલ સંચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો હતો. ઘણાં સમય પછી સક્રિય થયેલા વિભાગે તબક્કાવાર દરોડાની કાર્યવાહી કરતા ગ્રાહકોને છેતરવાનો અને કાયદાની એસી તૈસી કરતા વેપારીઓમાં ભય ફેલાઈ જવા પામ્યો છે.

તોલમાપ વિભાગના વડા નિયંત્રક, કાનૂનીમાપ વિજ્ઞાન અને નિયામક ગ્રાહક સુરક્ષા, ગુજરાત રાજય, ગાંધીનગર પાસે હોટલોમાં ગ્રાહકો પાસેથી પેકેજડ ચીજ વસ્તુઓમાં છાપેલ કિંમત કરતાં વધુ ભાવ લેતા હોવાની વ્યાપક ફરિયાદના પગલે આ તોલમાપ વિભાગ આજે રાજ્યભરમાં આવેલી હોટલો પર રીતસર ત્રાટકી હતી.

રાજય સરકાર દ્વારા જાહેરનામું બહાર પાડવા છતાં પણ આ બાબતે વ્યાપક ફરિયાદોને આધારે દરોડા પાડયા હતા અને તોલમાપ તંત્ર દ્વારા આશરે 250 જેટલા હાઇવે-હોટલોની નિરીક્ષણ કરી આશરે 100 પ્રોસીકયુશન કેસ કરી રૂ. 3 લાખ રૂપિયાનો દંડ વસુલ કર્યો હતો.

આજે સવારથી જ રાજ્યભરમાં હોટલોમાં દરોડા પાડયા હતા આ લખાય છે ત્યાં સુધી 250થી વધુ હાઇવે-હોટલો પર તોલમાપ કાયદા / નિયમોનાં ભંગ સબબ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું એમ.આર.પી કરતા વધુ રકમ લેતા તેમજ હોટલોમાં મેનુ કાર્ડમાં જથ્થો ન દર્શાવવા બાબતે દંડની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે તેમ તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.

(11:16 pm IST)