Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

તો શું મહેશ, છોટુભાઈ વસાવા અને કાંધલ ચૂંટણી હારે છે?

એક્‍ઝિટ પોલમાં ચોંકાવનારી બાબતો સામે આવી

નવી દિલ્‍હી,તા. ૬ : ગુજરાત વિધાનસભા ચૂંટણીના બંન્ને તબક્કાનું મતદાન પૂર્ણ થઈ ગયું છે. જણાવી દઈએ કે, આજે ઉત્તર અને મધ્‍ય ગુજરાતમાં બીજા તબક્કાનું મતદાન યોજાયું હતું. ગુજરાત વિધાનસભાના ૧૮૨ બેઠકના તમામ ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થયા છે. જણાવી દઈએ કે, આગામી ૮ ડિસેમ્‍બરના રોજ ચૂંટણી પરિણામ જાહેર થશે. ત્‍યારે વિધાનસભા ચૂંટણીના India Today - Axis My Indiaના એક્‍ઝિટ પોલ ગુજરાતમાં SP, BTP સહિતના અનેક અપક્ષ ઉમેદવારી નોંધાવનારા ધુરંધર નેતાઓની કારમી હાર દર્શાવવામાં આવી છે.

જણાવી દઈએ કે, India Today - Axis My Indiaએ જાહેર કરેલા એક્‍ઝિટ પોલમાં ૨૦૨૨માં ભાજપ (૧૩૧-૧૫૧), કોંગ્રેસ (૧૬-૩૦), AAP (૯-૨૧) બેઠકો મળી રહી છે. તેમના આ એક્‍ઝિટ પોલમાં અપક્ષ કે ત્રણ પક્ષ સિવાયના અન્‍ય બાગી નેતાઓ (જેમણે અપક્ષ ઉમેદવાર બન્‍યા હોય)ને એક પણ બેઠક આપવામાં આવી નથી. આમ, India Today - Axis My Indiaના એક્‍ઝિટ પોલ પ્રમાણે સમાજવાદી પાર્ટીમાંથી ઉમેદવારી નોંધાવનારા કુતિયાણાના ધારાસભ્‍ય કાંધલ જાડેજા, BTPમાંથી છોટુભાઈ વસાવા અને મહેશ વસાવા પણ જીત મેળવી શકશે નહીં.

કુતિયાણા સીટના ધારાસભ્‍ય કાંધલ જાડેજા. પોરબંદરની કુતિયાણા બેઠક પર છેલ્લી બે ટર્મથી NCP પક્ષમાંથી તેમને ટિકિટ આપવામાં આવતી હતી અને તેઓ ધારાસભ્‍ય બન્‍યા હતા. અહીં તેમનો દબદબો જોરદાર છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. ભલે તે ગમે તે પાર્ટીમાં હોય. વર્ષ ૨૦૧૨માં તેમણે પ્રથમવાર વિઘાનસભા ચૂંટણી લડી હતી અને તેઓ જીત્‍યા હતા. ત્‍યારબાદ તેમણે વર્ષ ૨૦૧૭માં પણ NCPમાંથી ચૂંટણી લડી અને જીત્‍યા. પરંતુ આ વર્ષે તેમને NCPએ ટિકિટ આપી નથી. પક્ષમાં થયેલા આંતરિક મતભેદો બાદ તેણે સપા એટલે કે સમાજવાદી પાર્ટીમાંથી ચૂંટણી લડ્‍યા છે.

ભરૂચ જિલ્લાની ઝઘડિયા બેઠક પરથી વર્ષ ૧૯૯૦માં તેમણે પહેલીવાર ચૂંટણી લડી હતી અને તેઓ જીત્‍યા હતા. ત્‍યારબાદ તેમણે એક ટર્મ અપક્ષ તરીકે જીત્‍યુ હતું. પછી JDUમાંથી ઊભા રહ્યા અને સતત ચાર ટર્મ જીત્‍યા. વર્ષ ૨૦૧૨માં તેઓ BTPમાંથી ઊભા રહ્યા હતા અને જીત્‍યા હતા. આ વખતે BTPમાં તેમના જ પુત્ર મહેશ વસાવા સાથે થયેલી માથાકૂટને કારણે તેમણે અપક્ષ તરીકે ફોર્મ ભર્યુ છે. છેલ્લી સાત ટર્મથી તેઓ ઝઘડિયાના ધારાસભ્‍ય રહ્યા છે. તેમના નામથી જ લોકો તેમને મત આપે છે. છોટુ વસાવા આદિવાસી નેતા તરીકે ખૂબ પ્રખ્‍યાત છે.

ઉલ્લેખનીય છે કે, ભાજપના બાગી નેતાઓ કે જેમણે અપક્ષ દાવેદારી નોંધાવી હતી તેવા, વાઘોડિયાના ધારાસભ્‍ય મધુશ્રી વાસ્‍તવ, કે જેઓ ૬ વખતથી ધારાસભ્‍ય હતા અને ભાજપે ટિકિટ ન આપતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ૬ વખત ધારાસભ્‍ય રહી ચુકેલા દબંગ નેતા પણ એક્‍ઝિટ પોલ મુજબ હારી રહ્યા છે. આ ઉપરાંત, બાયડની વિધાનસભા બેઠક પર ધવલસિંહ ઝાલાને ભાજપમાંથી ટિકિટ ન આપવામાં આવતા અપક્ષ ઉમેદવારી નોંધાવી હતી. ઉલ્લેખનીય છે કે, ધવલસિંહ ઝાલાએ વર્ષ ૨૦૧૭માં કોંગ્રેસના ઉમેદવાર તરીકે બાયડ બેઠક પર ચૂંટણી લડી અને જીત મેળવી હતી. ત્‍યારબાદ વર્ષ ૨૦૧૯માં અલ્‍પેશ ઠાકોર સાથે રાજયસભા ચૂંટણીમાં ક્રોસ વોટિંગ કર્યુ હતુ અને કોંગ્રેસમાંથી પક્ષપલટો કરીને ભાજપમાં જોડાયા હતા.

તમામ એજન્‍સીઓ તેમના એક્‍ઝિટ પોલ જાહેર કરે છે. એક્‍ઝિટ પોલ ચોક્કસપણે ચૂંટણી પરિણામોની ખાતરી આપતા નથી હોતા. જણાવી દઈએ કે, ચૂંટણી પંચ સત્તાવાર આંકડા જાહેર કરે છે. આવી સ્‍થિતિમાં કઈ સર્વે એજન્‍સીનો એક્‍ઝિટ પોલ સૌથી સચોટ છે તે તો પરિણામની તારીખે જ ખબર પડે છે. એક્‍ઝિટ પોલ શું હોય અને એક્‍ઝિટ પોલ કેવી રીતે તૈયાર થાય છે?

સર્વે એજન્‍સીઓ મતદારને પ્રશ્ન કરે છે, જયારે તે મતદાન કર્યા પછી મતદાન મથકની બહાર આવે છે. મતદારને પૂછવામાં આવે છે કે, તેણે કઈ પાર્ટીને મત આપ્‍યો છે. આને એક્‍ઝિટ પોલ કહેવામાં આવે છે.

મતદારોના અભિપ્રાયના આધારે એજન્‍સીઓ તેમનો ડેટા તૈયાર કરે છે. સર્વે એજન્‍સીઓ મતદારોના જવાબો એકત્રિત કરે છે. ડેટા એકત્રિત કર્યા પછી એક્‍ઝિટ પોલનું પ્રસારણ કરવામાં આવે છે. 

(11:04 am IST)