Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

શાંતિપૂર્ણ મતદાન માટે આભાર માનતા મુખ્‍ય ચૂંટણી અધિકારી પી.ભારતી

ચૂંટણીના સમયમાં ૩૧.૯૨ કરોડ રોકડા અને ૧૬.૪૦ કરોડનો દારૂ ઝડપાયો : ગઇ કાલે માત્ર ૮૭ મતદાન મથકોમાં બેલેટ યુનિટ બદલવા પડયા

(અશ્વિન વ્‍યાસ દ્વારા) ગાંધીનગર,તા. ૬ : ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં બીજા તબક્કામાં ગઇ કાલે ૧૪ જિલ્લાઓમાં થયેલા મતદાનમાં મતદાતાઓએ ખૂબ ઉલ્લાસપૂર્વક અને શાંતિપૂર્ણ રીતે મતદાન કર્યું હતુ. બીજા તબક્કાનું મતદાન પૂર્ણ થયા બાદ ગુજરાતના મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ તમામ મતદારો તથા ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા અધિકારીઓ/ કર્મચારીઓ પ્રત્‍યે આભાર વ્‍યકત કર્યો હતો.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ મતદારોનો આભાર માનતા જણાવ્‍યું હતું કે, મતદાતાઓએ પોતાની જવાબદારી સમજીને મતદાન કર્યું છે. ૮૦ વર્ષથી વધુ વયના વડીલો તથા મતદાન મથક સુધી તકલીફ વેઠીને આવેલા દિવ્‍યાંગોએ ઉત્‍સાહથી મતદાન કર્યું છે. વહીવટી તંત્ર દ્વારા મતદાન મથકો પર લાવવા લઇ જવાની વ્‍યવસ્‍થા, વ્‍હિલ ચેરની વ્‍યવસ્‍થા જેવી સુવિધાઓ પણ કરવામાં આવી હતી. કયાંયથી કોઇ ફરિયાદ મળી નથી.

આજે યોજોલા મતદાનમાં ચૂંટણી પંચ દ્વારા વિશેષ રૂપે સજાવાયેલા વિવિધ પ્રકારના બુથ લોકો માટે ભારે આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યા હતા. સખી બુથ, યુથ બુથ, લકો ફ્રેન્‍ડલી બુથ અને મોડેલ બુથનો કન્‍સેપ્‍ટ મતદાતાઓમાં આકર્ષણનું કેન્‍દ્ર બન્‍યો હતો. કેટલાક મતદાન મથકો પર સેલ્‍ફી બુથ પણ હતા. મતદાતાઓએ ઉલ્લાસપૂર્વક સેલ્‍ફી બુથ પર ફોટો પડાવ્‍યા હતા અને પોતાના સોશ્‍યલ મીડિયા પર અપલોડ કર્યા હતા.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીએ માહિતી આપતા જણાવ્‍યું હતું કે, બે કે ત્રણ જગ્‍યાઓએ નાની-મોટી ઘટનાઓ બની તે સિવાય તમામ જગ્‍યાએ મતદાન શાંતિપૂર્ણ રીતે સંપન્‍ન થયું છે.

શ્રીમતી પી.ભારતીએ વધુમાં જણાવ્‍યું હતું કે, બીજા તબક્કામાં ગઇ કાલે ૧૪ જિલ્લામાં ૯૩ બેઠકો પર મતદાન યોજાયું હતું. ૩૭,૩૯૫ બેલેટ યુટિન, ૩૬,૦૧૬ કંટ્રોલ યુનિટ અને ૩૯,૮૯૯ વીવીપેટ સાથેના ઇવીએમ મશીન્‍સ દ્વારા મતદાનની પ્રક્રિયા શાંતિપૂર્ણ વાતાવરણમાં પૂર્ણ થઇ આજે સવારે ૮ વાગ્‍યાથી મતદાન શરૂ થયું ત્‍યારથી ૫ વાગ્‍યા સુધીમાં ૨૬,૪૦૯ મતદાન મથકો પૈકી માત્ર ૮૭ મતદાન મથકોમાં બેલેટ યુનિટ રિપ્‍લેસ કરવા પડયા છે. જેની ટકાવારી ૦.૩૫ ટકા છે. જ્‍યારે ૮૮ કંટ્રોલ યુનિટ રિપ્‍લેસ કરવામાં આવ્‍યા છે. જેની ટકાવારી પણ ૦.૩૫ છે. ૨૬,૪૦૯ મતદાન મથકો પૈકી માત્ર ૨૮૨ જગ્‍યાએ વીવીપેટ રિપ્‍લેસ કરવામાં આવ્‍યા છે. જેની ટકાવારી ૧.૧૧ છે.

રાજયમાં થયેલા બીજા તબક્કાના મતદાન દરમ્‍યાન ગાંધીનગરના વિદ્યા સમીક્ષા કેન્‍દ્રમા કમાન્‍ડ એન્‍ડ કંટ્રોલ સેન્‍ટર ખાતે ૫૦ થી વધારે અધિકારીઓ અને કર્મચારીઓ લાઇવ વેબકાસ્‍ટિંગ દ્વારા મતદાન મથકો પર ચાંપતી નજર રાખી હતી. આજે ૧૪ જિલ્લામાં આવેલા ૨૬,૪૦૯ મતદાન મથકો પૈકી ૫૦%થી વધારે મતદાન મથકોનું લાઇવ વેબકાસ્‍ંિટગ કરાયું હતું. આમ, બીજા તબક્કામાં ૧૩,૩૧૯ મતદાન મથકો પરથી લાઇવ વેબકાસ્‍ટિંગ કરાયું હતું.

રાજ્‍યમાં મતદાનથી અળગા રહેવા અને બહિષ્‍કાર રહેવા અને બહિષ્‍કાર કરવાની ઘટનાઓનો ઉલ્લેખ કરતા મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ જણાવ્‍યું હતું કે, મહેસાણા જિલ્લાના ખેરાલુ તાલુકાના વરેઠા, ડાવોલ અને ડાલીસણા આ ત્રણ ગામના ૬ બુથ પર લગભગ ૫૦૦૦ જેટલા મતદારોએ મતદાનથી દૂર રહ્યા હોવાની જાણકારી મળી છે. પાણીના પ્રશ્‍ન અને કેટલીક સામાજિક બાબતોને લઇને આ ત્રણ ગામના લોકોએ મતદાનની દૂર રહ્યા છે. એ સિવાય બીજે કયાંયથી ગ્રામજનોએ મતદાનનો બહિષ્‍કાર કર્યો હોવાના સમાચારો નથી.

ઇલેક્‍શન કમિશન ઓફ ઇન્‍ડિયા દ્વારા ૩૮ જેટલા ઇસીઆઇ એલર્ટ્‌સ આપવામાં આવ્‍યા હતા. જેમાં ઇવીએમ અંગેના ૨૬, મતદાન બહિષ્‍કાર અંગેના ૨, ટોળા ભેગા થવાના ૪ અને અન્‍ય ૬ મળીને કુલ ૩૮ એલર્ટ્‍સ મળ્‍યા હતા. તે તમામ પર તાત્‍કાલીક ધ્‍યાન કેન્‍દ્રીત કરીને નાના-મોટા પ્રશ્‍નોનું નિરાકરણ લાવવામાં આવ્‍યું હતું.

ચૂંટણી પંચ દ્વારા સમગ્ર ચૂંટણી પ્રક્રિયામાં આચારસંહિતાનો કડક અમલ કરાવવામાં આવ્‍યો. ફલાઇંગ સ્‍કોડ અને સ્‍ટેટિક સર્વેલન્‍સ ટીમ્‍સ દ્વારા પણ ચુસ્‍ત નિગરાની રાખી ચકાસણી કરવામાં આવી હતી. અત્‍યાર સુધીમાં રૂા. ૩૧.૯૨ કરોડ રોકડ જપ્‍ત કરવામાં આવ્‍યા. રૂા. ૧૬.૪૦ કરોડની કિંમતનો દારૂ રૂા. ૫૪૦.૬૩ કરોડનું ડ્રગ્‍સ જપ્‍ત કરવામાં આવ્‍યું છે. અને રૂા. ૩૬.૫૧ કરોડના મૂલ્‍યની સોના-ચાંદી કે અન્‍ય મૂલ્‍યવાન ધાતુ કબ્‍જે કરવામાં આવી છે.રૂા. ૧૭૬.૩૮ કરોડની અને ચીજવસ્‍તુઓ સહિત અત્‍યાર સુધીમાં કુલ રૂા. ૮૦૧.૮૫ કરોડની કિંમતની રોકડ અને ચીજ વસ્‍તુઓ જપ્‍ત કરવામાં આવી હતી.

મુખ્‍ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી.ભારતીએ વધુમાં જણાવ્‍યું હતું કે, ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે મતદાનના બીજા તબક્કામાં અલગ અલગ પ્રકારની ફરિયાદો મળી છે. જેનું તાત્‍કાલીક નિરાકરણ લાવવામાં આવ્‍યું છે. ગઇ કાલે દિવસ દરમ્‍યાન વિવિધ રાજકીય પક્ષો દ્વારા ૨૭ ફરિયાદો, અન્‍ય પ્રકારે ૨૮ ફરિયાદો અને ઇમેલ દ્વારા ૫૫ જેટલી ફરિયાદો મળી હતી. કોલ સેન્‍ટર દ્વારા ૩૯ ફરીયાદો મળી છે અને c-VIGIL મોબાઇલ એપ્‍લિકેશન દ્વારા ૧૮૦ જેટલી ફરિયાદો મળી છે. ટેલિવિઝન અને અન્‍ય પ્રચાર માધ્‍યમો (ECIએલર્ટ્‍સ) દ્વારા ૩૮ જેટલી ફરિયાદો ધ્‍યાનમાં આવી છે. આમ કુલ ૩૧૨ જેટલી નાની-મોટી ફરિયાદો ઇલેકશન કમિશનના ધ્‍યાને આવી હતી. જેનું તત્‍કાળ નિરાકરણ કરવામાં આવ્‍યું છે.

(11:31 am IST)