Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

ગુજરાતમાં ૭ હજાર કરોડનો સટ્ટોઃ ૯૦૦ બુકીઓ મેદાનમાં

ચૂંટણીચકરાવો : કુંવરજી બાવળીયા-જીતુ વાઘાણી-પરષોતમ રૂપાલા-બાબુભાઇ બોખીરીયા-મુળુભાઇ બેરા-અલ્‍પેશ ઠાકોર-હાર્દિક પટેલ-બકાજી ઠાકોરને બુકીઓ વીન માને છે... : રાજુલામાં કોંગ્રેસના અમરીશ ડેર-ધોરાજીમાં લલીત વસોયાને બુકીઓ જીતાડે છેઃ હિમાચલમાં ભાજપને ૩ર થી ૩પ તો કોંગ્રેસને ૩૧/૩૩ બેઠકનો ટારગેટ

રાજકોટ તા. ૬: ગુજરાતમાં ૧૮ર બેઠકની ચૂંટણી સંપન્‍ન થઇ, કોઇ ઘટના ન બની, ચૂંટણી પંચને હાશકારો થયો છે, હવે ૮મીએ સવારે ૮ વાગ્‍યાથી રાજકોટ સહિત રાજયભરમાં મતગણત્રી શરૂ થશે, પહેલા પોસ્‍ટલ બેલેટના મત ગણાશે અને બાદમાં ઇવીએમના મતોની ગણત્રી શરૂ થશે.

ચૂંટણી પૂર્ણ થતા બૂકીઓ હવે ફુલ ફલેજમાં મેદાનમાં આવી ગયા છે, રાજકોટ-અમદાવાદ-વડોદરા-સૂરત-ભાવનગર-જુનાગઢ-વાવ-થરાદ-વીજાપૂર-કડી-મહેસાણા સહિત રાજયભરના ૯૦૦ બુકીઓ મેદાનમાં હોવાનું અને ગુજરાતની કુલ ૧૮ર બેઠક ઉપર ૭ હજાર કરોડનો સટ્ટો લાગ્‍યાનું બુકીઓ જણાવી રહ્યા છે, બુકીઓએ આજે વધુ ૧૦ થી ૧પ ઉમેદવારોના નવા ભાવો ખોલ્‍યા છે.

વિગતો મુજબ જસદણ બેઠક ઉપર ભાજપના કુંવરજી બાવળીયાના રપ પૈસા-૩પ પૈસા, ભાવનગર બેઠક ઉપર ભાજપના જીતુભાઇ વાઘાણી ૩પ/૪પ પૈસા, ભાવનગરની બીજી એક બેઠક પરષોતમ સોલંકીનો ભાવ ૪/૭ પૈસા બોલાયો છે, આ ઉપરાંત પોરબંદર બેઠક ઉપર ભાજપના બાબુભાઇ બોખીરીયાનો ભાવ ૮૦/૯૦ પૈસા, ખંભાળીયા ભાજપના મૂળુ બેરાનો ભાવ ૭પ/૮પ, ગાંધીનગર અલ્‍પેશ ઠાકોર (ભાજપ) ૪પ/પપ પૈસા, વીરમગામ હાર્દિક પટેલનો ભાવ ૩પ/૪પ પૈસા, કલોલ બકાજી ઠાકોરનો ભાવ ૩પ/૪પ પૈસા ખોલ્‍યો છે, આ બધા ભાજપના ઉમેદવારો છે, અને બૂકીઓ તેમને વીન માની રહ્યા છે.

ટોચના બૂકીઓએ ઉમેર્યું હતું કે, રાજુલાની બેઠક ઉપર કોંગ્રેસના અમરીશ ડેર પપ/૬પ પૈસા, ધોરાજીની બેઠક ઉપર કોંગ્રેસના લલીત વસોયા ૬પ/૭પ પૈસા સાથે આ બંનેનો ઘોડો આગળ છે.

આજની તારીખમાં બૂકીઓના મતે ભાજપને ૧૮રમાંથી ૧૩પ/૧૩૭ બેઠકો, કોંગ્રેસને ર૯/૩૧, તો આપને ૮ થી ૯ બેઠકો મળશે, હિમાચલમાં ભાજપને ૩ર/૩પ તો કોંગ્રેસને ૩૧/૩૩ બેઠકો સાથે જબરી ફાઇટ ચાલી રહી છે.

દિલ્‍હીમાં પાલીકાની કુલ રપ૦ બેઠકમાંથી આપને ૧૬પ થી ૧૬૮ તો ભાજપને ૭૪/૭૭ બેઠકો બુકીઓ આપી રહ્યા છે.

(4:24 pm IST)