Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરત:સીટી લાઈટના બ્રેઇનડેડ યુવકના અંગોનું દાન કરી ત્રણ વ્યક્તિઓને મળ્યું નવું જીવન

સુરત : સિટી લાઇટનો યુવાન બ્રેઇનડેડ જાહેર થયા બાદ પરિવારે તેના કિડની અને લિવરનું દાન કરતા ત્રણ વ્યક્તિઓને નવજીવન આપીને માનવતાની મહેક ફેલાવી છે.

નવી સિવિલથી મળેલી વિગત મુજબ મુળ મહારાષ્ટના વતની અને હાલમાં સિટી લાઇટ રોડ એસ.એમ.સી કવાર્ટસમાં રહેતા ૩૮ વર્ષીય અનિલ અશોકભાઇ ખડારે ગત તા.૨જીએ સાંજે ઘરમાં દાદર પરથી નીચે ઉતરતા હતા. ત્યારે માથામાં દુઃખાવો થતા પાછા રૃમમા ંજતા રહ્યા હતા.  ચાર-પાંચ દિવસ બ્લપ્રેશરની દવા ન લેતા તબિયત બગડતા સ્થાનિક ડોકટર બાદ નવી સિવિલમાં તા.૩જીએ દાખલ કરાયા હતા. સી.ટી સ્કેનમાં બ્રેઇન હેમરેજનું નિદાન થયા બાદ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા.

સિવિલની સોટો અને નોટોના ઓર્ગન ડોનેશનની ટીમના સભ્યો ડો. કેતન નાયક  વગેરે અનિલભાઇના પરિવારને અંગદાનની સમજ આપતા તેઓ સંમત થયા હતા. ત્યારબાદ અમદાવાદની ઇન્સ્ટીટયુટ ઓફ કિડની ડીસીઝીસ એન્ડ રિસર્ચ સેન્ટરમાં ગાઇડ લાઇન મુજબ તેમની બંને કિડની અને લીવર ફાળવાયા છે. જેથી ત્રણ વ્યકિતને નવુ જીવન મળશે. તબીબી અધિક્ષક ડો.ગણેશ ગોવેકર સહિત સ્ટાફની જહેમત સાથે સિવિલથી કામરેજ સુધી સુરત પોલીસ દ્વારા ગ્રીન કોરીડોર બનાવી અંગો પહોંચાડાયા હતા.

મજૂરીકામ કરતા અનિલભાઇના પરિવારમાં  પત્ની દિપાલી, સંતાનમાં પુત્ર મયુર (ઉ.વ-૧૦) અને પુત્રી દેવાસી (ઉ.વ-૪) છે. સિવિલમાં તેમના અંગદાન સાથે નવી સિવિલમાં અંગદાનની આ ૧૦મી ઘટના બની છે.

(5:49 pm IST)