Gujarati News

Gujarati News

News of Tuesday, 6th December 2022

સુરતના ગોડાદરા વિસ્તારમાં સીટી બસમાં આગ ફાટી નીકળતા ભાગદોડ મચી જવા પામી

સુરત: ગોડાદરાથી ચોકબજાર તરફ જવા નીકળેલી સીટી બસમાં આજે સવારે ગોડાદરા રોડ આગ ફાટી નીકળી હતી.જેના પગલે સ્થળ ઉપર ભાગદોડ મચી ગઈ હતી. જોકે ડ્રાઈવર અને કન્ડકટરની સજાગતાના લીધે મુસાફોને તરત નીચે ઉતારી દેવામાં આવતા આબાદ બચાવ થયો હતો.

ફાયર સૂત્રો પાસેથી મળેલી વિગત મુજબ આજે સવારે ગોડાદરાથી સીટી બસમાં ડ્રાઈવર અને ક્ન્ડકટર  મુસોફરોને બેસાડીને ચોકબજાર તરફ જવા નીકળ્યા હતા. તે સમયે ગોડાદરા ખાતે આવેલ રાધેશ્યામ પબ્લિક સ્કુલ પાસે શનિદેવ મંદિર નજીક બસમાંથી ધુુમાડો નીકળવા માંડયોે હતોે. બાદમાં જોત જોતામાં એન્જીન તરફથી આગ ભડકી ઉઠી હતી. જેના લીધે મુસાફરોના જીવ તાળવે ચોંટી ગયા હતા. જેથી ડ્રાઈવર અને કન્ડક્ટરે સમય સુચકતા વાપરીને બસમાં બેઠેલા ચારથી પાંચ જેટલા મુસાફરોને તરત નીચે ઉતારી દીધી હતા.

ત્યારબાદ ડ્રાઇવસ સહિતના લોકોએ  ફાયર એકસ્ટીગ્યુશરથી આગ બુઝાવવાની કોશિષ કરી હતી. પરંતુ આગ વધુ ભીષણ બનતા ધુમાડાના ગોટે ગોટા નિકળવા માંડયા હતા. દરમિયાન કોલ મળતા ડુંભાલ ફાયર સ્ટેશનની ગાડી સાથે ફાયર જવાનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો અને થોડા સમયમાં આગ કાબૂમાં લીધી હતી. બસમાંથી મુસાફરો ઉતરી જતાં કોઇ ઇજા જાનહાનિ થઇ ન હતી.  આગ શોર્ટ સકટના લીધે લાગી હતી અને બસ સંપુર્ણ બળીને ખાક થઇ ગઇ હતી એમ ફાયર ઓફિસર મનોજ શુકલાએ જણાવ્યું હતું.

(6:10 pm IST)